________________
૭૪
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર / શ્લોક-પ થી ૧૪ ત્રિવર્ગ સાધન વિકલનું ઉભયભવભ્રષ્ટપણું હોવાને કારણે જીવન નિરર્થક છે.
આશય એ છે કે જે ગૃહસ્થ માત્ર ધન કમાય છે કે માત્ર ભોગ કરે છે કે અર્થ-કામનો વિચાર કર્યા વગર માત્ર દાનાદિ ધર્મ કરે છે તે ગૃહસ્થનું જીવન આલોક અને પરલોક બંને માટે અહિતકારી બને છે; કેમ કે પોતાના અર્યાદિનો વિચાર કર્યા વગર માત્ર ધર્મ સેવે તો ધનરહિત અવસ્થામાં ક્લેશ પામીને આલોક નિરર્થક કરે છે અને ક્લેશના બળથી પરલોકમાં અહિત સાધે છે. કેવલ અર્થઉપાર્જનમાં પ્રવર્તતો હોય તો આલોકમાં અર્થઉપાર્જનના ક્લેશને પામે છે અને તે અર્થને ધર્મમાં વાપર્યા વગરનું જીવન હોવાથી પરલોકમાં અહિતને પ્રાપ્ત કરે છે. અને માત્ર કામ સેવે છે, તેઓ ક્ષીણ શરીરવાળા થઈને અને અર્થાદિના અભાવવાળા થઈને આલોકમાં દુઃખી થાય છે અને ધર્મના અભાવને કારણે પરલોકમાં દુઃખી થાય છે. માટે ગૃહસ્થ ત્રિવર્ગને પરસ્પર અવિરુદ્ધ રીતે સેવવા જોઈએ.
જેઓ ધર્મના અને અર્થના ઉપઘાતથી માત્ર કામ સેવે છે તેઓ તત્કાલ સુખના અર્થી છે તેથી તેને ‘તાત્વિ' કહેવાય છે. જેમ વનનો હાથી, હાથણીમાં લુબ્ધ થઈને તેની પાછળ દોડે છે અને તેને ગ્રહણ કરવા માટે પુરુષોએ ત્યાં ઘાસથી ઢાંકેલો ખાડો કરીને રાખેલો હોય છે તેમાં તે પડે છે. તેથી અનર્થને પામે છે તેમ ઇન્દ્રિયમાં લુબ્ધ જીવ ધનનો નાશ કરે છે, ધર્મનો નાશ કરે છે અને શરીરનો નાશ કરીને સર્વ અનર્થો પ્રાપ્ત કરે છે. માટે ગૃહસ્થ કામમાં અત્યંત આસક્તિ રાખવી જોઈએ નહિ પરંતુ ધર્મ અને અર્થને બાધ ન થાય તે પ્રમાણે જ કામનું સેવન કરવું જોઈએ.
જેઓ ધર્મના અને કામના અતિક્રમથી ધન ઉપાર્જન કરે છે તેઓ “કદર્ય” કહેવાય છે અને તેઓનું ધન વર્તમાનમાં, ભોગના આનંદનું કારણ નથી અને ધર્મના સેવનમાં ધનનો વ્યય નહિ હોવાથી ધર્મનિષ્પત્તિનું પણ કારણ નથી. પરંતુ બીજાના ભોગનું કારણ છે અને અર્થ-અર્જનના પાપનું તે પુરુષ ભાજન થાય છે. જેમ હાથીનો વધ કરીને સિંહ પોતે ભોગ કરતો નથી પરંતુ સિંહથી નાશ પામેલા હાથીના દેહનો બીજા ઉપભોગ કરે છે તોપણ હાથીના નાશનું પાપ સિંહને પ્રાપ્ત થાય છે તેમ ધન-અર્જનનું પાપ કદર્યને લાગે છે અર્થાત્ કંજૂસ પુરુષને પ્રાપ્ત થાય છે.
વળી, અર્થ-કામના અતિક્રમથી ધર્મનું સેવન યતિનો જ ધર્મ છે. ગૃહસ્થનો નહિ. તેથી ગૃહસ્થ અર્થકામના અતિક્રમથી પણ ધર્મનું સેવન કરવું જોઈએ નહિ. આશય એ છે કે સાધુઓ પાંચ ઇન્દ્રિયોથી સંવૃત થઈને ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થઈને સર્વત્ર વીતરાગના વચનાનુસાર પ્રવૃત્તિ કરનારા હોય છે. તેથી તેઓ અર્થ, કામનો ત્યાગ કરીને પૂર્ણ ધર્મ સેવનારા છે અને તેવો ધર્મ ગૃહસ્થ સેવી શકે તેમ નથી. આથી જ સર્વવિરતિ ગ્રહણ કરતો નથી. આમ છતાં મુગ્ધબુદ્ધિથી પોતાના અર્થ-કામનો વિચાર કર્યા વગર માત્ર ધર્માનુષ્ઠાનમાં રત રહે તો પોતાની આર્થિક સ્થિતિ નબળી થવાથી ક્લેશની પ્રાપ્તિ કરે છે. અને કામના સેવનકૃત આનંદ નહિ હોવાથી ચિત્ત હંમેશાં ખિન્ન રહે છે. માત્ર મુગ્ધ ધર્મબુદ્ધિથી બાહ્ય આચરણા કરી શકે છે. પરંતુ સાધુની જેમ પૂર્ણ ધર્મ પાળી શકતો નથી. માટે અર્થ-કામના અતિક્રમથી ધર્મનું સેવન ગૃહસ્થ માટે ઉચિત નથી.