________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ગુરુ શિષ્ય સંવાદથી વાત કરીશું. સંવાદમાં વાદ કે વિવાદ નથી, તર્ક નથી. સંવાદમાં બે માથાં નથી મળતાં પણ બે હૈયા મળે છે. જ્યારે વિવાદમાં બે માથાં મળે છે. જ્યાં હૈયા મળશે ત્યાં પ્રેમ હશે અને જ્યાં માથા મળશે ત્યાં વિવાદ થશે. માથામાંથી પ્રેમ પ્રગટ નહિ થાય. પ્રેમને પ્રગટ થવાનું સ્થાન હૈયું છે. અને બુદ્ધિને જનમવાનું સ્થાન મસ્તક છે. એટલે મીરાંબાઈએ ગાયું કે
આ જ્ઞાન વિજ્ઞાનની ગાંસડી કોઈ માથેથી હેઠે ઉતરાવો. અમારા માથે શાસ્ત્રોનું પોટલું ચડી ગયું છે, તે મહેરબાની કરી હેઠે ઉતરાવો. અમારો ભાર ઓછો થાય.
જ્યાં પ્રેમ, સ્નેહ, ઉદારતા અને વિશાળતા છે ત્યાં સંવાદ છે. જ્યાં સહિષ્ણુતા અને ધીરજ છે ત્યાં સંવાદ છે. પતિ પત્ની વચ્ચે વિવાદ થાય તો કજીયાખોર અને સંવાદ થાય તો દાંપત્ય કહેવાય. સંવાદમાંથી માધુર્ય પ્રગટ થાય છે. ગુરુ શિષ્ય વચ્ચે સંવાદ કરવાનો છે, વિવાદ નહિ. શિષ્ય પણ સુપાત્ર છે, તે પ્રશ્નો પૂછે છે પણ વિવાદ કરવા નહિ. એ એમ કહે છે કે હે ગુરુદેવ ! અમારા અંતરમાં શંકા થાય છે, તો કૃપા કરીને અમને ઉપાય બતાવો. શિષ્ય નમ્ર થઈને આવ્યો છે, બાંયો ચડાવીને આવ્યો નથી. જ્ઞાની પાસે બાંયો ચડાવીને જશો નહિ. જાવ તો હૈયામાં પ્રેમનું અમૃત લઈને જજો. ઉપનિષદમાં એક બહુ મહત્ત્વની વાત છે, જ્યારે શિષ્ય ગુરુ પાસે જાય ત્યારે શું લઈને જાય? તો કહે છે કે તે સૂકાઈ ગયેલ કાષ્ટનો ભારો લઈને જાય છે. સુક્કાં લાકડાં કેમ ? તો શિષ્ય એમ કહે છે કે “આ અમારું પ્રતીક છે. આ લાકડાને પેટાવશો તો તુરંત જ અગ્નિ પ્રગટ થશે, અંદર પાણી નથી તેથી સળગવામાં અવરોધ નથી. સળગતા વાર નહીં લાગે. અગ્નિનો સ્પર્શ થયો નથી કે લાકડું સળગ્યું નથી, તેમ તમે જ્ઞાનરૂપી અગ્નિ મારામાં મૂકો તો હું પ્રગટ્યા વગર નહિ રહું.'
આ ધરતી ઉપર સંવાદ ઓછા થાય છે અને વિવાદ ઘણા થાય છે. જ્યાં સંપ્રદાય છે ત્યાં વિવાદ છે. જ્યાં પ્રેમ છે ત્યાં સંવાદ છે. ગુરુ અને શિષ્યના મિલનમાં એકમેકની આંખોમાં પ્રેમનું અમૃત ઝરતું હશે, હૃદયમાં મીઠાશ હશે, માધુર્ય હશે, સદ્ભાવ હશે. અમે આવો પ્રેમ રાખી અમે આ સંવાદનો પ્રારંભ કરીએ છીએ. સંવાદમાં બે હૈયા મળી જાય, અને ધીમે ધીમે બે હૈયા મટી એક થઈ જાય, આવો અભેદ જીવનમાં થાય તેને ગુરુ શિષ્યની સંધિ કહેવાય છે. શિષ્ય ગુરુમાં મળી જાય છે અથવા ગુરુ શિષ્યમાં મળી જાય છે એમ કહો તો પણ વાંધો નથી, પરંતુ એકમેક થઈ જાય, તદાકાર થઈ જાય. જીવનનો આનંદ ત્યાં મળશે. સાહેબ ! તર્ક કે વાદવિવાદમાં આવો આનંદ નહિ મળે. એવા સંવાદપૂર્વક અને કહેવાનો પ્રારંભ કરીએ છીએ, અને આ પ્રારંભ આત્માને સિદ્ધ કરવા કરીએ છીએ.
“આત્મા છે'. અહીં “છે' શબ્દ ઉપર ભાર છે. આત્માના છ પદ તે પર્પદ છે. સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરવા અને સ્થિર કરવા માટે આ છ પદની વિચારણા મહત્ત્વની છે માટે કહ્યું કે આ સમક્તિના છ સ્થાન છે. સમ્યગ્દર્શન ક્યાં રહે છે? સમ્યગ્દર્શનને રહેવાનું સ્થાન આત્મા છે, શરીર નહિ. આત્મામાં સમ્યગ્દર્શન રહે છે. આત્મા છે એમાં “છ” ઉપર જોર છે. આત્મા છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org