________________
૨૭૨
પ્રવચન ક્રમાંક - ૬૫, ગાથા ક્રમાંક - ૯૧ અનંતકાળ વીતી ગયો. શેનાથી વીત્યો? શુભાશુભ કર્મ કરતાં કરતાં વીત્યો. શુભાશુભ ભાવના નિમિત્તે જે કર્મ બંધાય છે, એ કર્મના ફળ ભોગવતાં ભોગવતાં અનંતકાળ ગયો. આ અનંતકાળ કાઢવા માટે સાધન, સામગ્રી કે વ્યવસ્થા તો જોઈએ ને ? શુભભાવના નિમિત્તે શુભ કર્મ, અશુભભાવના નિમિત્તે અશુભ કર્મ અને આ બધાના કારણે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ કે અનંતકાળ સંસારમાં રખડ્યો. આટલી વાત જગતના પક્ષની કરી.
હવે જ્ઞાનીના પક્ષની વાત. એ શુભ અશુભ બને જે કરતો આવ્યો છે તે કાયમ નથી, એ શુભાશુભને છેદી શકાય છે, દૂર કરી શકાય છે, તેનાથી મુક્ત બની શકાય છે. આ શુભ અને અશુભથી પર થઈ શકાય છે. અને જ્યારે જે ક્ષણે તું શુભ અને અશુભ બંનેથી પર થઈશ તે વખતે તારામાં જે પ્રગટ થાય તેને કહેવાય છે મોક્ષ. આવો મોક્ષ તારો સ્વભાવ છે. જે અપ્રગટ છે પણ છે, તેનું પ્રગટ થવું તે મોક્ષ. મોક્ષ તો છે જ, સ્વભાવ તો છે જ, પરંતુ અપ્રગટ એવો મોક્ષનો સ્વભાવ પ્રગટ થવો તેને કહેવાય છે મોક્ષ. સ્વભાવ તો છે જ પણ સ્વભાવ અપ્રગટ છે. સ્વભાવ નષ્ટ થઈ શકતો નથી. તો મોક્ષનું ચિત્ર કેવું હોય? શું હોય મોક્ષમાં? કેવી અવસ્થા અને કેવી દશા હોય ? તે સમજવા ૯૧મી ગાથાનો પ્રારંભ થાય છે.
દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ;
સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભોગ. (૯૧) અંબાલાલભાઈનું વિવેચન કહે છે કે “દેહાદિક સંયોગોનો અનુક્રમે વિયોગ તો થયા કરે છે, પણ તે પાછો ગ્રહણ ન થાય તે રીતે વિયોગ કરવામાં આવે તો સિદ્ધ સ્વરૂપ, મોક્ષ સ્વભાવ પ્રગટે. અને શાશ્વત પદે અનંત આત્માનંદ ભોગવાય.”
છે તો ગુજરાતીમાં પણ સમજવું અંગ્રેજી કરતાં પણ કઠિન લાગશે. આપણે જે જીવન જીવીએ છીએ તે સંયોગો વચ્ચે જીવીએ છીએ. જીવ ગર્ભમાં આવ્યો ત્યારે પહેલું કામ શું કર્યું? દેહની રચના કરી. સૌથી પહેલો સંયોગ આપણને દેહનો થાય છે. દેહનો સંયોગ થયા પછી આ દેહના કેન્દ્ર ઉપર બાકીના સંયોગો આપણને પ્રાપ્ત થાય છે. જથ્થાબંધ સંયોગો છે, પદાર્થો છે, અને વ્યક્તિઓ પણ ઘણી છે. આ બધું દેહ છે તો છે. છોકરી પરણે એટલે વર, સાસુ, વડસાસુ, નણંદ, દિયર, જેઠ જેઠાણી બધું આવ્યું. પરણી તો વળગ્યું ને? તમને દેહ મળ્યો એટલે માતા, પિતા, ભાઈ, બહેન, ફૈબા, કાકા જે પણ હોય તેમના સંબંધ થાય અને ત્યાર પછી મકાન, ધન, સંપત્તિ, પદાર્થો જે કંઈ પણ હોય તે બધું સાથે મળે. પછી આખું વર્તુળ ગોઠવાઈ જાય. આ બધું કેમ મળ્યું? પહેલાં શું થયું? દેહ મળ્યો એટલે સંયોગો મળ્યા. તેવી રીતે જેવો દેહ છૂટે કે એકી સાથે, એક ઝાટકે સંયોગો આદિ બધું છૂટી જાય. લોકો એમ કહે છે કે ત્યાગ તો કરવો છે પણ ધીરે ધીરે કરીશું. થોડો આજે, થોડો કાલે. આજે એક રોટલી છોડીએ, કાલે બે પછી ત્રણ રોટલી છોડીશું. એક ઝાટકે કંઈ છૂટે ? જ્ઞાની પુરુષ કહે છે કે તારે વચમાં ક્રમ પાડવો નહિ પડે. એક પળ એવી આવશે કે બધું એક સાથે છૂટી જશે. જીવન પૂરું થઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org