________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ફરીથી કહે છે કે
ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન,
પણ તે બંને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. પુનરાવૃત્તિ કરીને કહે છે કે જેમ અસિ ને મ્યાન એટલે તલવાર અને તલવાર રાખવાનું સાધન જુદાં છે, તેમ દેહ અને આત્મા જુદાં છે. તલવારને મ્યાનમાં મૂકવાની છે તેથી મ્યાનનો આકાર તલવાર જેવો જોઈએ. તલવારને મ્યાનમાં મૂકવામાં આવે છે. મ્યાન એ તલવારને મૂકવાની જગ્યા છે. મ્યાનમાં તલવાર રહે છે છતાં મ્યાન પણ જુદુ અને તલવાર પણ જુદી, તેમ શરીરમાં આત્મા રહે છે, પણ શરીર અને આત્મા જુદાં છે. કેરીમાં રસ રહે છે પણ રસ અને છોતરાં જુદાં છે. આ તો બધી કુદરતની વ્યવસ્થા છે. કેરી ઝાડ ઉપર લટકતી હોય ત્યારે રસ અને છોતરાં એકમેક લાગે છે પણ બન્ને જુદા છે. કેરી પર બુચનું પેકીંગ છે, તેથી રસ બહાર નીકળતો નથી, કેરીમાં રસ છે અને તે કેરીથી જુદો પડી શકે છે, કાચલીમાં નાળિયેર તેનાથી જુદું છે, માટે કાચલી અને નાળિયેર (ટોપરું) જુદાં થઈ શકે છે, તેમ દેહ અને આત્મા એક નથી, બંને જુદા થઈ શકે છે. આ પાયાની વાત છે, આ તો પાયો છે. જ્યારે દેહાધ્યાસ છૂટશે ત્યારે શરૂઆત થશે. આત્મસિદ્ધિમાં છેલ્લી ગાથા આવશે કે,
છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ,
નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ ભાગવતમાં વ્યાસજીએ ગાથા આપી છે, તેનો ઉલ્લેખ પરમ કૃપાળુદેવે કર્યો છે.
देहाभिमाने गलिते, विज्ञाते परमात्मनि ।
यत्र यत्र मनो याति, तत्र तत्र समाधयः ॥ ગંભીરતાથી વાતને ખ્યાલમાં લેજો, મહર્ષિ વ્યાસ કહે છે કે હું શરીર છું એવું અભિમાન તેને કહેવાય છે દેહાભિમાન. માણસ બજારમાં ચાલતો હોય ત્યારે લાક્ષણિક ઢબથી, જુદી જુદી ચાલથી ચાલે છે. કોઈ માને કે હું બધાથી રૂપાળો છું, ચાલતાં ચાલતાં કપડાં જોતો હોય, કોલર ઠીક કરતો હોય, વાળ સરખા કરે, ચશ્મા આઘા પાછાં કરે, અરે ભલા માણસ ! તું ચાલને, બધું બરાબર છે, પણ તેને અભિમાન છે. હવે મિનિસ્ટર ચાલે ત્યારે જુદી રીતે ચાલે. ફોજદાર જુદી રીતે અને ડી.એસ.પી. પણ જુદી રીતે ચાલે. દરેકની ચાલ અને નશો જુદાં જુદાં, કોઈકને થાય કે હું પૈસાવાળો, હું રૂપાળો. બહેનો સારામાં સારા કિંમતી ઘરેણાં પહેરી બઝારમાં જાય તો તેનો ઠસ્સો ઓર વધી જાય. અને તેને વધારે મઝા ત્યારે આવે કે “બધા ટીકી ટીકીને જોવે અને પૂછે કે આ ક્યાંથી લાવ્યાં? તમને સુંદર લાગે છે હોં !' આ બધું દેહના અભિમાનને કારણે થાય છે.
દેહનું અભિમાન ગાળવાનું કામ કોણ કરે? દેહનું અભિમાન ગાળવાનું કામ ભક્તિ કરે, જ્ઞાન કરે, તપ કરે. ગમે તે સાધનાથી દેહાભિમાન ગળવું જોઈએ. તો સવાલ એ થયો કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org