________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૮૫
વિખરાઈ ગયું. નિરંતર ભેગા મળવું અને વિખરાઈ જવું એ ઘટના જેનામાં ચાલે છે, જે આપણા જોવામાં આવે છે, જેને આકાર છે, કદ છે, વજન છે, રૂપ, રસ, ગંધ, સ્પર્શ જેનામાં છે એવું જે તત્ત્વ તેને કહેવાય છે પુદ્ગલ. આપણા સંબંધમાં પુદ્ગલ આવે અથવા આપણે પુદ્ગલના સંબંધમાં આવીએ છીએ.
મોટે ભાગે આપણે પુદ્ગલના સંબંધમાં જઈએ છીએ. દા.ત. રાત્રે તમે સૂતા હો, તમારા ઘરમાં મીઠાઈ પડી છે તો અચાનક મીઠાઈના ટુકડા મોંમાં આવી જાય તેમ બનતું નથી. મોહનથાળ મોંમાં આવી જાય તેમ બને ? ના. ઘરમાં તો તે છે પરંતુ તેમ બનતું નથી. તમે શોધતાં શોધતાં મોહનથાળ પાસે જાઓ છો. પુદ્ગલ દ્રવ્ય પાસે તમે જાઓ છો. પુદ્ગલ દ્રવ્ય ઉપર આરોપ મૂકવાની જરૂર નથી. પુદ્ગલ તરફ આપણે જ ખેંચાઈએ છીએ. ખેંચાતા પહેલાં આપણે તેને જાણીએ છીએ. પુદ્ગલ દ્રવ્ય જગતમાં હાજર છે અને નિષ્ક્રિય છે. પુદ્ગલ ડીસ્ટર્બ કરવા આવતું નથી. પુદ્ગલને શોધતાં શોધતાં આપણે જઈએ છીએ. તેને જાણ્યા પછી આપણામાં ઘણી પ્રક્રિયાઓ થાય છે. આકર્ષણ થાય, ખેંચાણ થાય, ગમે, ન ગમે. ગમે એટલે પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય, મેળવવું, સાચવવું, આસક્ત થવું, મમત્વ કરવું આ બધું પછી ઊભું થાય. આપણું મમત્વ આત્મા ઉપર તો નથી. આપણું મમત્વ દશ્ય પદાર્થો જે દેખાય છે તેના ઉપર છે. પુદ્ગલ દ્રવ્ય આત્માથી-આપણાથી ભિન્ન છે, સ્વતંત્ર છે. આપણી સાથે તેને કંઈ જ લેવાદેવા નથી. તે પોતે પોતાથી છે અને આપણે એટલે આત્મા, ચૈતન્ય પદાર્થ પોતે પોતાથી છે. પરંતુ એ પુદ્ગલ દ્રવ્ય તરફ આપણે ખેંચાઈએ છીએ અને તેમાં ભળીએ છીએ.
સૌથી મોટી વાત જૈનદર્શનને એ કરવી છે કે તારું જે અહિત થાય છે તે કોઈ કરતું નથી. તું પોતે જ તારું અહિત કરે છે. કઈ રીતે ? તો જ્યાં દશ્ય પદાર્થ દેખાય છે ત્યાં ખેંચાઈને તું તેમાં ભળે છે. પુદ્ગલ દ્રવ્ય જગતમાં હાજર છે. આત્મદ્રવ્ય પણ છે તે આપણે હજુ નક્કી કર્યું નથી. પરંતુ જ્ઞાની પુરુષો કહે છે કે આત્મદ્રવ્ય છે, તે બન્ને દ્રવ્યો ગતિશીલ છે. એમાં ગતિ થાય છે, ચાલે છે. તમારી ખુરશી અહીં પડી છે, તમે ઉપાડી બીજે મૂકી શકો છો. તેમાં ગતિ થઈ. અને એમાં જ્યારે ગતિ થાય ત્યારે એ ખુરશીને ગતિ કરવામાં સહાય કરનાર એક અદશ્ય તત્ત્વ છે જેને કહેવાય છે ધર્માસ્તિકાય દ્રવ્ય. ગતિ કરતાં કોઈપણ પદાર્થને ગતિ કરવામાં મદદ કરે તે દ્રવ્યનું નામ ધર્માસ્તિકાય છે. જેને વિજ્ઞાન ઈથર કહે છે. એક માણસ અમેરિકાના હોલમાં ગીત ગાય છે, સંગીત ગાય છે તે તમે તમારા રૂમમાં, મુંબઈમાં બેઠાં બેઠાં ટી.વી. ઉપર જોઈ શકો છો. ગાય છે હજારો માઈલ દૂર, તમે બેઠાં છો મુંબઈના રૂમમાં પરંતુ સામે ટી.વી. છે. તે ટી.વી.માં માણસ ગાય છે તે તમને સંભળાય પણ છે અને તમે તેને જોઈ પણ શકો છો. શું થાય છે એમાં ? ત્યાં જે તરંગો ઊઠે છે તે તરંગો તમારું ટી.વી. પકડે છે, ઝીલે છે અને જે નંબર ઉપર મૂકો ત્યાં જે તરંગો જગતમાં ઊઠતાં હોય તે પકડાય, ઝીલાય. જગતમાં અસંખ્ય પ્રકારના તરંગો ઊઠે છે. એ તરંગો પકડવાની જે કંઈ પણ પ્રક્રિયા અને સાધનો છે તેનાથી તરંગો પકડાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org