________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૧૯
ક્યારેક ક્રૂરતાનો ભાવ, ક્યારેક ક્ષમાનો ભાવ, ક્યારેક ક્રોધનો ભાવ, ક્યારેક અહિંસાનો ભાવ, ક્યારેક હિંસાનો ભાવ, ક્યારેક ચોરીનો ભાવ, ક્યારેક વૈરાગ્યનો ભાવ તો ક્યારેક આસક્તિનો ભાવ, ક્યારેક દ્વેષનો ભાવ તો ક્યારેક મૈત્રીનો ભાવ, અંદર ચાલ્યા જ કરે છે. તમે જોવો તો જરૂર ખ્યાલ આવે કે એક ક્ષણ પણ એવી જતી નથી કે અંદરમાં શુભ કે અશુભ ભાવો ચાલતા ન હોય. સતત કંઈ ને કંઈ ભાવો ચાલ્યા જ કરે છે. આ ભાવોની પ્રક્રિયા છે, તે જડમાં થતી નથી, એ શરીરમાં થતી નથી, એ પુદ્ગલમાં થતી નથી, પરંતુ એ ભાવોની પ્રક્રિયાનું કેન્દ્ર આત્મા છે. આત્માના કેન્દ્રમાં આ ભાવોની પ્રક્રિયા થાય છે. ફરી આપણે પુનરાવૃત્તિ કરીએ કે હિંસાનો ભાવ અશુભ છે, અહિંસાનો ભાવ શુભ છે, અને વીતરાગતા શુદ્ધભાવ છે. અ બધા ભાવોની પ્રક્રિયા ચેતનમાં થાય છે, આત્મામાં થાય છે. જો આ ભાવની પ્રક્રિયા આત્મામાં ન થતી હોત તો આપણે ઉપાધિમાં આવત નહિ. અને આપણે સંસારમાં પણ ન હોત.
સંસારમાં છીએ એટલે જાતજાતનાં સુખો અને દુ:ખો ભોગવીએ છીએ. એની પાછળ એક ઘટના ચૈતન્યમાં થાય છે. શુભાશુભ ભાવો આપણા આત્મામાં થાય છે. અને એ ભાવો થાય છે તે ખ્યાલમાં પણ આવે છે. જ્ઞાન જાણે છે કે આ અહિંસાનો ભાવ છે, આ ક્રોધનો ભાવ છે, આ ક્ષમાનો ભાવ છે પણ જ્ઞાન માત્ર જાણતું નથી પરંતુ આગળ વધી તે તેમાં ભળે પણ છે એટલે આત્માનો ઉપયોગ એ પ્રક્રિયામાં સામેલ થાય છે.
જરા ધીરજથી આ વાતનો ખયાલ કરજો કે આત્મામાં શુભ કે અશુભભાવની ધારા ઊઠી કે તેની સાથે આત્મામાં રહેલ વીર્ય શક્તિનું સ્ફુરણ થાય છે. વીર્ય શક્તિ સક્રિય બને છે. તમે ચાર શબ્દો તો સાંભળ્યા હશે પણ તેનો અર્થ કદાચ ખબર નહિ હોય. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર્ય અને અનંત વીર્ય. આ ચાર ગુણો આત્માનો ખજાનો છે. આત્માની મૂડી છે.
આ આત્માનો સ્વભાવ છે. જ્ઞાન આત્માનો સ્વભાવ, દર્શન આત્માનો સ્વભાવ, વીતરાગતા આત્માનો સ્વભાવ અને છેલ્લી વાત અનંત વીર્ય એટલે શક્તિ, સામર્થ્ય, બળ, અથવા તાકાત તે પણ આત્માનો સ્વભાવ છે. આ વીર્ય શક્તિ બંને પક્ષે કામ કરે છે. કર્મના બંધમાં પણ કામ કરે છે અને બંધમાંથી છૂટવા માટે પણ કામ કરે છે. વીર્ય સ્ફુરાયમાન થાય, અંદરમાં રહેલી આત્માની શક્તિ જાગૃત થાય અને જાગૃત થયેલી શક્તિ મન, વચન અને શરીરમાં ઊતરે એટલે ચંચળતા થાય. આત્મામાં ભાવ જાગૃત થયો. એ ભાવના કારણે વીર્યનું સ્ફુરણ થયું. વીર્યનું સ્ફુરણ થતાં મન, વચન અને શરીરમાં એક્શન થયું, સક્રિયતા થઈ; ચંચળતા થઈ અને ચંચળતાના પરિણામે અંદર ઘટના ઘટી. અને એ ચંચળતા થવાના કારણે કાર્મણ નામની વર્ગણા ઉપર તેની અસર થઈ. હવે કર્મની શરૂઆત થઈ. તે પહેલા કર્મની શરૂઆત નથી.
બહુ મહત્ત્વની વાત છે. જો તમે તમારામાં શુભ-અશુભ ભાવોની ધારા ન થવા દો અથવા થતી હોય તો તેને રોકો તો આગળ કર્મતંત્ર સક્રિય થઈ શકશે નહિ. આ ચાવી તમારા હાથમાં છે. અત્યાર સુધી આપણે કર્મોને ગુનેગાર ઠરાવ્યા છે, અથવા ઈશ્વરને ગુનેગાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org