________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૪૩ છે? તો અશુભ ભાવથી થાય છે તેથી હવે આ છોડી દઈશું, આવું કરવું નથી.
શુભકર્મનું પરિણામ જે પુણ્ય છે, તેનો રસ જતો નથી. કારણ કે શુભકર્મ કરવાથી પુણ્ય બંધાય અને પુણ્યથી ચક્રવર્તી થાય, ઈન્દ્ર થાય, મહારાજા થાય, જગતનાં સુખો મળે, દેવલોક પણ મળે અને ત્યાં સુખના ઢગલા મળે. આ સારું છે, માટે તેના પ્રત્યે આસક્તિ થાય છે. પાપ પ્રત્યે અણગમો થયો છે, પણ પુણ્યની આસક્તિ જીવને છૂટી નથી.
જૈનદર્શનમાં આ અત્યંત મૌલિક વાત છે. પુણ્ય એટલા માટે હેય છે કે ગમે તેટલું પુણ્ય હશે પરંતુ એ તમારો સ્વભાવ નથી. એ બહારથી આવેલી વસ્તુ છે અને એક દિવસ તમારે એ વસ્તુ છોડવી પડશે.
શુભ અને અશુભ કર્મોની આસક્તિના કારણે અનંતકાળ વીત્યો. તો શુભ અને અશુભ બને છેદવાનાં છે. બંનેનો ત્યાગ કરવાનો છે. તમે જેમ જેમ શુભ અને અશુભ છોડશો તેમ તેમ તમારો પોતાનો સ્વભાવ પ્રગટ થશે. અહીં એ કહે છે કે પુણ્ય તમારો સ્વભાવ નથી, પાપ તમારો સ્વભાવ નથી. શુભ કે અશુભ તમારો સ્વભાવ નથી પણ તમારો સ્વભાવ છે મોક્ષ. મોક્ષ અવસ્થા નથી પણ મોક્ષ સ્વભાવ છે. મોક્ષ ઘટના નથી પણ સ્વભાવ છે. શુભ કે અશુભ પ્રત્યે જીવને જે આસક્તિ છે તે છોડવી, તે આસક્તિ ચાલી જાય એટલે ઉદાસીનતા આવે, અથવા તો અનાસક્તિ આવે. ઉદાસીનતા અધ્યાત્મનો શબ્દ છે અને અનાસક્તિ ગીતાનો શબ્દ છે. અનાસક્તિ શેના પ્રત્યે આવે ? શુભ અને અશુભ પ્રત્યે. ઉદાસીનતા આવે તો ઉદાસીનતાથી કર્મોનું કારણ છેદાય, પછી કર્મોનું ફળ બેસે જ નહિ. ન રહ્યો બાંસ, ન રહી બાંસુરી ! બને ગયાં. શુભભાવ પણ ગયો અને અશુભભાવ પણ ગયો. પુણ્ય પણ ગયું અને પાપ પણ ગયું. બધી બેડીઓ તૂટી. તમે થયા સ્વતંત્ર અને તમે ખીલ્યા એ તમારો સ્વભાવ. મોક્ષ મેળવવાની ચીજ નથી પરંતુ મોક્ષ આપણો સ્વભાવ છે. જ્યાં કોઈ વિકલ્પો નથી. એવી અવસ્થા જીવને પ્રાપ્ત કરવાની છે.
અનંતકાળ વીત્યો તેનું કારણ કર્મ નથી. અનંતકાળ વીત્યો તેનું કારણ શુભ અને અશુભ કર્મો પ્રત્યેની આપણી આસક્તિ છે. કોઈ તમને સંસારમાં બાંધીને રાખવા તૈયાર નથી કે રોકતાં પણ નથી. તમને તો એટલી બધી સ્વતંત્રતા છે કે જેમ તમારે રહેવું હોય તેમ રહી શકો છો. સંસારમાં બંધાવું હોય, દુઃખી થવું હોય, રોવું હોય, હેરાન થવું હોય તોપણ છૂટ છે અને સંસારમાં ન રહેવું હોય, મુક્ત થવું હોય, દુઃખી ન થવું હોય, છુટકારો મેળવવો હોય તો પણ તમને છૂટ છે. પરંતુ તમે બંધાઈને રહેવાનો વિકલ્પ પસંદ કરો છો. મુક્ત થવાનું પસંદ કરતા નથી.
મુક્ત અવસ્થા ક્યારે પ્રાપ્ત થાય? વચનામૃત પત્રાંક ૧૯૫, પાન નંબર ૨૬૧, વર્ષ ૨૪, તેમાં ત્રણ ચાર લીટીઓ જ છે. વધારે નથી પણ ૯૦મી જે ગાથા છે, તેની પ્રસ્તાવના એમાં છે. ૯૦મી ગાથા સમજવા માટે પત્રાંક ૧૯૫ સમજવો જરૂરી છે.
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org