________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૪૫
ફરી સ્મરણમાં લાવવો. કયો વિકલ્પ ? ‘અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં જીવની નિવૃત્તિ કેમ થતી નથી ?’ તમને કોઈ દિવસ આવો પ્રશ્ન થયો ? કેટલાયે દિવસથી શેર લીધા છે, તેના ભાવ કેમ વધતા નથી, એવું કોઈક દિવસ થતું હશે. વ્યાજના દર કંઈ વધ્યા ? આવી બધી ચિંતાઓ થાય છે, પરંતુ અનંતકાળથી આ જીવનું પરિભ્રમણ થવા છતાં આ જીવની નિવૃત્તિ કેમ થતી નથી ? આવી પીડા, આવી મૂંઝવણ, આવી ઝૂરણા, આવો ભય, આવી વ્યાકૂળતા, આવી વ્યગ્રતા અંતરમાં કોઈ વખત થઈ ? અનંતકાળના પરિભ્રમણમાંથી છુટકારો, નિવૃત્તિ કેવી રીતે થાય ? પરમકૃપાળુ દેવ કહે છે કે આ એક જ વિકલ્પ રાખી બીજા બધા વિકલ્પો છોડો. કોઈ અન્ય વિકલ્પો કરવા જેવા નથી.
અનંતકાળથી પરિભ્રમણ થવા છતાં નિવૃત્તિ કેમ થતી નથી, અને શું કરવાથી થાય ? આ વાક્યમાં અનેક અર્થો સમાયેલા છે, તેમાં કહેલી વાતની ચિંતના કર્યા વિના, એના માટે દૃઢ થઈને ઝૂર્યા વિના, માર્ગની દિશાનું અલ્પ પણ ભાન થતું નથી. આ ઝૂરવાની વાત છે. આ કાઠિયાવાડનો શબ્દ છે. દીકરો મરી ગયો હોય તો મા ખાતી પીતી નથી, બોલતી નથી, બસ ઝૂર્યા કરે છે. તેને ક્યાંય ચેન પડતું નથી. બીજું ઉદાહરણ, પતિવ્રતા સ્ત્રી પોતાના પતિ માટે ઝૂરે છે. ત્રીજું ઉદાહરણ, ગોપીઓ કૃષ્ણ માટે ઝૂરે છે. ચોથું ઉદાહરણ શબરી રામ માટે ઝૂરે છે. પાંચમું ઉદાહરણ ભક્તો ભગવાન માટે ઝૂરે છે. અને છઠ્ઠું ઉદાહરણ લોભી ધન માટે ઝૂરે છે. હવે તમને ખ્યાલ બરાબર આવ્યો હશે. ખાવું પીવું ભાવે નહિ. આવું ઝૂર્યા વિના, માર્ગની દિશાનું અલ્પ પણ ભાન થતું નથી.
ચર્ચા ગમે તેટલી કરશો, અથવા ગમે તેટલું વાંચશો પરંતુ જે પૂર્વે થયું નથી તે ભવિષ્યમાં પણ થશે નહિ. પરમકૃપાળુ દેવ કહે છે કે તમે અમને જો પૂછતા હો તો અમે નમ્રપણે કહીએ છીએ કે સઘળાએ એ જ શોધવાનું છે કે નિવૃત્તિ કેમ થતી નથી ? શું કરવાથી નિવૃત્તિ મળે ? આ તમે જો શોધશો તો જાણવા જેવું હશે તે આપોઆપ મળી આવશે. આવી ઝૂરણા વગર જાણવાની મથામણ કરશો નિહ. સત્પુરુષોના વચનામૃતોનો વારંવાર વિચાર કરજો. આ ગાથામાં મોક્ષનો જે સ્વભાવ છે તે કઈ રીતે પ્રગટાવવો તેના માટેના થોડા સૂત્રો આ ૯૦ મી ગાથામાં સમાયેલાં છે, તે આગળ વિચારશું.
ધન્યવાદ ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org