________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૪૭ કર્મના આવરણો પણ દૂર થઈ શકે છે. તો મોક્ષનો સ્વભાવ પ્રગટ કરવો હોય તો તેની શું રીત છે? કઈ પદ્ધતિ છે? એની પ્રક્રિયા શું છે? જવાબ છે “તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.” શુભ અને અશુભ બંને છેદી નાખો તો મોક્ષ પ્રાપ્ત થાય. ઉપર એમ કહ્યું કે વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; આ અનંતકાળ શું કરતાં વીત્યો? અનંતકાળમાં કર્યું શું? અનંતકાળમાં બે જ ભાવ કર્યા. શુભ ભાવો પણ કર્યા અને અશુભ ભાવો પણ કર્યા. આ બંને ભાવોના કારણે ચાર ગતિમાં જવાનું થયું. આનંદધનજીએ કહ્યું છે કે..
જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહીએ રે; જે ક્રિયા કરવાથી ચાર ગતિઓમાં જવાનું થાય તેને અધ્યાત્મ કહેવાય નહિ. ઉપનિષદમાં ચાર ગતિઓની જ વાત છે પરંતુ મોક્ષની વાત નથી. વેદમાં દેવલોકનું, મનુષ્યનું, પશુઓનું અને નરકનું વર્ણન છે પણ મોક્ષની વાત નથી. દેવલોક જોઈએ છે ને? તો આ યજ્ઞ કરો. આ જોઈએ છે ને? યજ્ઞ કરો, જોઈએ છે ને? યજ્ઞ કરો. મળે એને ભોગવો અને ખાલી થાવ. એમ સંસારમાં પરિભ્રમણ કરતા રહો અને ચક્કરમાં ફરતા રહો. વેદોની આગળ ઉપનીષદો અને ઉપનિષદોની આગળ ભગવદ્ ગીતા, તેમાં એક વાક્ય આપ્યું કે “શુભાશુભપરિત્યાગી.” આ શબ્દ સમયસારનો, નિયમસારનો કે જ્ઞાનસારનો નથી, પણ ભગવદ્ ગીતાનો શબ્દ છે. શુભ અને અશુભ બન્નેનો જે ત્યાગ કરે છે તે અધ્યાત્મવાદી છે, તે આત્મનિષ્ઠા પ્રાપ્ત કરે છે. ભગવાન કૃષ્ણના મુખમાંથી આ અદ્ભુત વાત આવી. આ શુભભાવ અને અશુભભાવ જે થાય છે તે બંનેના કારણે કર્મો થાય છે અને સંસારમાં રહેવું પડે છે. અનંતકાળ કેમ વીત્યો? તો આ રીતે વીત્યો. શું કરવું જોઈએ? “તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ', શુભ અને અશુભ બંનેને છેદવાં. જેમ ખેતરમાં વેલડીઓ થઈ હોય અને ઘાસ ઊગી નીકળ્યું હોય તો ખેડૂત હાથમાં દાતરડું લઈ ઘાસ અને વેલડીઓ કાઢી નાખે છે, તેમ આપણા આત્માના ખેતરમાં પણ ઘણું ઘાસ ઊગી નીકળ્યું છે. અને આપણે તેને દૂર કરવું હોય તો તેની એક પ્રક્રિયા છે, એક પદ્ધતિ છે, અને એ પદ્ધતિ બે શબ્દોમાં વર્ણવી. એક પ્રવૃત્તિ અને એક નિવૃત્તિ. પ્રવૃત્તિની વ્યાખ્યા એ થાય કે અશુભ પ્રવૃત્તિનો પરિત્યાગ કરી શુભમાં પ્રવર્તન કરવું, પણ તે નિષ્કામ ભાવે અને નિરહંકાર ભાવે કરવું. નરસિંહ મહેતાએ પણ કહ્યું છે કે...
વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે,
પર દુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. સુંદર વ્યાખ્યા આપી કે પીડ પરાઈ માત્ર જાણે એમ નહિ, જાણીને બેસી રહેવાનું નથી પણ પરદુઃખે ઉપકાર કરવાનો છે. આપણે જાણીએ તો છીએ, પરંતુ કહીએ છીએ કે ભગવાન તારું ભલું કરે, પણ તું કર ને, ભગવાનને હવાલો કેમ સોંપે છે? બીજાનું દુઃખ જોઈને તેનું દુઃખ હળવું કરે, તેના ઉપર ઉપકાર કરે, દુઃખ કાપે, આશ્વાસન આપે, દુઃખમાં સહાનુભૂતિ આપે, દુ:ખમાં સહિયારો બની, તેના આંસુ લૂછે. જે કંઈ પોતાની પાસે હોય તેમાંથી મદદ કરે, તેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org