________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૬૧ પાંચમું સૂત્રઃ આત્મદર્શન થયા પછી, આત્માને પ્રાપ્ત કરવાની, આરોહણ કરવાની, વટાવાની, પસાર કરવાની દશ ભૂમિકાઓ તેને દેખાય છે.
થોડી શાસ્ત્રીય વાત કરી લઈએ. પાંચમા ગુણસ્થાનથી તેને ચૌદમા ગુણસ્થાન સુધીની યાત્રા કરવાની બાકી છે. આ ગુણસ્થાનો એ તાત્ત્વિક પરિભાષાની વાત છે. આત્માના વિકાસક્રમનું એ થર્મોમીટર છે. કેવી રીતે અને કેટલો વિકાસ થયો તેની ગુણસ્થાન પરથી ખબર પડે છે. ગુણસ્થાનક શબ્દનો અપભ્રંશ થઈ ગુણઠાણા શબ્દ થયો છે. આ ચૈતન્યની અવસ્થાઓ છે. ચોથા ગુણસ્થાને આવ્યા પછી એટલે સમ્યગદર્શનની પ્રાપ્તિ પછી તેને દસ ભૂમિકા ચડવાની છે. આ સમ્યગ્દર્શન પ્રારંભ છે, અધ્યાત્મ મંદિરમાં તમારો પ્રવેશ થયો. આ દશમું ધોરણ છે. દશમાં ધોરણમાં પાસ થાવ પછી કોલેજમાં પ્રવેશ મળે. સમ્યગદર્શન પ્રથમ ભૂમિકા છે, એ અંતિમ ભૂમિકા નથી, સમ્યગ્દર્શન એટલે સાધનાની પૂર્ણાહુતિ નહીં પણ પ્રારંભ, શ્રી ગણેશાય નમઃા એટલે શું થયું? એક બાજુ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ પરમ શુદ્ધ ચૈતન્યને જોયું. ધ્યાનથી વાત ખ્યાલમાં લેજો. એ ચૈતન્ય તત્ત્વ જેવું છે તેવું તેણે જોયું.
શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ,
બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. નોકર્મ રહિત, દ્રવ્યકર્મ રહિત, ભાવકર્મ રહિત, અશુદ્ધિ રહિત, શુભાશુભ ભાવ રહિત; પૂર્ણ, આનંદમય, ચિદ્ધન, આવું પરિપૂર્ણ આત્મદ્રવ્ય એક બાજુમાં જોયું. બીજી બાજુમાં, એને આવરણ કરનાર ચારિત્ર્ય મોહ પણ જોયો. ચાર ઘાતિ કર્મો પણ જોયાં. પશ્ચર સ્પષ્ટ થાય છે. આત્મા જોયો, ચારિત્ર્ય મોહનું આવરણ અને ઘાતિકર્મો પણ જોયાં અને ચારિત્રમોહને દૂર કરવાનો જે રસ્તો ક્ષપક શ્રેણી છે તે પણ જોઈ. હવે ચારિત્ર્ય મોહનો પરાજય કરવા માટે શરૂઆત કરે, પ્રારંભ કરે.
કર્મક્ષય માટે જ્ઞાની પુરુષોએ કહેલો માર્ગ માત્ર જોયો તેમ નહીં પણ તેનામાં ક્ષય માટે પરમ પુરુષાર્થ પ્રગટ થાય છે. કોઈ જંગલમાં, કોઈ એકાંતમાં, કોઈ ગુફામાં પદ્માસન વાળીને, દૃષ્ટિ સ્થિર કરીને, આસન જમાવીને, ભૂખ અને નિદ્રા જીતીને એ સાધક બેઠો છે. બસ, અંદરથી તેણે રસ્તો જોયો કે આ રસ્તે જવાનું છે. આ શુદ્ધ ચૈતન્ય, આ ચારિત્ર્ય મોહ, આ ઘનઘાતિ કર્મો, આ મોહરૂપી સ્વયંભૂરમણ સમુદ્ર, તે તરીને મારે જવાનું છે. અને એ તરવાની તાકાત પણ મારી પાસે છે. સમજાયું ? બધાના ઉપર જીત મેળવવાની, બધાનો ક્ષય કરવાની તાકાત પોતાની પાસે છે. માટે મારા બળથી જીતવાનું છે. સદ્ગુરુની કૃપા સાચી, પરમાત્માની કૃપા સાચી, શાસ્ત્રો અને મંદિરો સાચાં, અવલંબનો સાચાં પણ પોતાનામાં જોર જોઈશે ને ? લોકો એમ કહે છે કે લાકડીના ટેકે ટેકે ચાલે છે, ખરી વાત ! પણ લાકડી પકડવાની તાકાત તો એનામાં જોઈશે કે નહિ ? પોતાની તાકાતથી આ સ્વયંભૂરમણ જેવો મોહરૂપી સમુદ્ર એને તરવાનો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org