________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૩૩
ભાવ કર્યા, શુભ કર્મ કર્યું, પુણ્ય બંધાયું, પુણ્યથી દેવગતિ અને મનુષ્ય ગતિ મળી. અશુભભાવ કર્યા, અશુભ કર્મ બંધાયું, તેનાથી નરક ગતિ મળી અને પશુગતિ મળી. આ રીતે કર્મ થતાં જાય છે અને કર્મ સહિત હોવાથી શુભ અને અશુભ બંને ફળો ભોગવવાં પડે છે. આત્મા શુભ કે અશુભ કર્યા વગર રહી શકતો નથી. કાં તો આપણે શુભ કરીએ અથવા અશુભ કરીએ અથવા શુભાશુભ કરીએ. આ શુભ અને અશુભ બન્ને જો હોય તો આ સંસારમાં સુખ દુઃખ ભોગવ્યા જ કરીએ, નવા કર્મો બાંધતા જઈએ અને ચોર્યાશીમાં ફર્યા જ કરીએ.
શાસ્ત્રમાં એક વર્ણન આવે છે કે અનુત્તર વિમાનથી મોક્ષનું ક્ષેત્ર બાર યોજન છેટું છે. બાર યોજન શું હિસાબમાં ? પરંતુ અનુત્તર વિમાનથી સીધા મોક્ષ ગતિમાં જઈ શકાતું નથી. મોક્ષગતિમાં જો જવું હોય તો આ અનુત્તર વિમાનમાંથી અહીં એટલે મનુષ્ય દેહમાં આવવું પડે. સર્વ કર્મોનો ક્ષય કરવો પડે. દેવો શુભથી આગળ કંઈ કરી શકતા નથી. મનુષ્યો શુભથી વધારે કંઈ કરતા નથી પણ તેમનામાં શુભથી શુદ્ધમાં જવાની ક્ષમતા છે. દેવો તે કરી શકતા નથી. દેવો શુભ ભાવ કરે, ભક્તિ કરે પણ દેવો વીતરાગ ન થઈ શકે. મનુષ્યો વીતરાગ થઈ શકે છે. તમને ખ્યાલ આવે છે કે તમારી હેસિયત કેટલી બધી છે ? તમારામાં કેટલી બધી તાકાત છે ? તમે શું કરી શકો તેમ છો, તે તમને સમજાય છે ?
લોકોને તમે એમ કહેતા હો છો કે હું કરી બતાવીશ. શું કરી બતાવશો ? તમારી હેસિયત આ છે. તમે રાગદ્વેષથી મુક્ત થઈ વીતરાગ થઈ શકો છો. અનુત્તર વિમાનના સર્વાર્થ સિદ્ધ વિમાનનાં દેવો રાગદ્વેષથી મુક્ત થઈ શકતા નથી. નારકી અને પશુઓ પણ રાગદ્વેષથી મુક્ત થઈ શકતાં નથી. સંપૂર્ણપણે મુક્ત થવાનો પુરુષાર્થ એક માત્ર મનુષ્ય જ કરી શકે છે. આટલી બધી સ્વતંત્રતા અને આટલી વિરાટ ભૂમિકા આપણને મનુષ્યને જ આપવામાં આવી છે. આપણે મોક્ષ માગીએ છીએ પરંતુ એક વખત દેવગતિમાં જોઈએ તો ખરા કે ત્યાં શું છે ? ત્યાં કેવી મઝા છે ? આટલા જન્મો કર્યા છે તો એક વધારે કરીએ. આપણી કેટલી હિંમત અને કેટલું સામર્થ્ય છે ? એક જન્મ વધારે તેમાં વાંધો શું છે ? આ આપણો ઈતિહાસ. આપણે શુભ પણ કર્યું અને અશુભ પણ કર્યું, પરંતુ શુભ અશુભથી પેલી પાર શુદ્ધમાં જવા માટે કૂદકો માર્યો નથી. જ્યાં સુધી આપણે શુભ અશુભમાં રહીશું, ત્યાં સુધી સંસારમાં જ રહીશું અને ચારે ગતિમાં પરિભ્રમણ કર્યા કરીશું. આ પરિભ્રમણ કોઠે પડી ગયું છે. ઠીક પણ લાગે છે, કંઈપણ વાંધો નથી.
શુભ કર્મ કરવાથી શુભ ફળ અને શુભગતિ મળે છે અને અશુભ કરવાથી અશુભ ફળ અને અશુભ ગતિ મળે છે. પરંતુ ત્રીજી વાત એ કે ‘કર્મ રહિત ન ક્યાંય’ શિષ્યને લાગે છે કે આત્મા ક્યારેય પણ કર્મરહિત થઈ શકે નહીં. એક રીતે વાત સાચી છે કે શુદ્ધ અવસ્થામાં ડૂબકી માર્યા સિવાય આત્મા કદી પણ કર્મરહિત થઈ શકતો નથી.
વાત આપણે એ કરી કે શુભ અને અશુભ બન્ને વચ્ચે આપણે રહ્યા છીએ. શુભાશુભની પેલી પાર આપણે કૂદકો માર્યો નથી. ધર્મ એને કહેવાય કે અશુભ અને શુભની પેલી પાર જઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org