________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૩૯ ધીરે ધીરે, સમજીને વિરામ પામતા જાવ અને જે અંદર વૃત્તિઓ ઊઠે છે તેને ધૈર્યથી ગૃહિત બુદ્ધિથી બરાબર જુઓ. માત્મíર્થ મન: ઋત્વા એ વૃત્તિઓ તરફ ન જતાં અંદરમાં જે ચેતન તત્ત્વ છે, તેનામાં તું ઢળેલો રહે, તેના તરફ તું જા. અને “નવિવૂિપિવિત્તિયેત’ તું કશો જ વિચાર ન કરતો. એવી અવસ્થા તે આત્માની શુદ્ધ અવસ્થા. અહીં પ્રવૃત્તિ નથી, પ્રવૃત્તિ નથી તો ક્રિયા નથી, ક્રિયા નથી તો પ્રતિક્રિયા નથી. પ્રવૃત્તિ હોય તો પરિણામ હોય, અને પરિણામ હોય તો ફળ હોય, ફળ હોય તો ભોગવવાનું હોય અને ભોગવવાનું હોય તો તેના યોગ્ય સ્થાને જન્મવાનું પણ હોય, જન્મવાનું હોય તો એ ચક્રમાં ફરી ફસાવાનું રહે.
જેમ શુભાશુભ કર્મ એ જીવના કરવાથી થાય છે અને તેનું પરિણામ પણ ભોગવવું પડે છે તેમ હે શિષ્ય ! તેં જાણ્યું ને? શિષ્ય કહે છે કે ગુરુદેવ ! હા, તે જાણ્યું અને માન્યું. તો તે જ પ્રમાણે પ્રવૃત્તિ નહિ કરવાથી અથવા કર્મ નિવૃત્તિ કરવાથી નિવૃત્તિ પણ થવા યોગ્ય છે. પ્રવૃત્તિ કરવાથી પરિણામ આવશે, ફળ મળશે. પ્રવૃત્તિ નહિ કરો તો પરિણામ નહિ આવે અને ફળ નહિ મળે તેવી જે અવસ્થા પ્રાપ્ત થાય છે તેને કહેવાય છે મોક્ષ. સ્થળ અને કાળની વાત જવા દઈએ.
પ્રવૃત્તિનું જેમ સફળપણું છે તેમ નિવૃત્તિનું પણ સફળપણું છે. પ્રવૃત્તિની સફળતા પુણ્ય અને પાપ, તેમ નિવૃત્તિની સફળતા એટલે લેણદેણ પૂરી થઈ ગઈ. ઉઘરાણી પણ નહિ અને લેવાનું પણ નહિ અને દેવાનું પણ કાંઈ નહીં. આવી એક અવસ્થા છે. શુભાશુભ કર્મ જેમ અફળ જતાં નથી, તેમ નિવૃત્તિ પણ અફળ જતી નથી. એ નિવૃત્તિના પરિણામને મોક્ષ કહેવામાં આવે છે. આવો મોક્ષ જીવ પ્રાપ્ત કરી શકે. પ્રવૃત્તિ જેમ કરી શકો છો તેમ પ્રવૃત્તિથી નિવૃત્તિ પણ કરી શકો છો.
શિષ્યને આ ખબર ન હતી કે પ્રવૃત્તિ કરી શકાય છે તેમ પ્રવૃત્તિથી નિવૃત્તિ પણ કરી શકાય છે. સતત પ્રવૃત્તિ કરવી પડે તેવું કોઈ દબાણ તમારા ઉપર નથી. પ્રવૃત્તિ કરવી હોય તો સ્વતંત્રતા છે અને નિવૃત્તિ પ્રાપ્ત કરવી હોય તો પણ સ્વતંત્રતા છે. પ્રવૃત્તિનું ફળ શુભ અને અશુભ, સુખ અને દુઃખ, પુણ્ય અને પાપ, જ્યારે નિવૃત્તિનું ફળ શુભ કે અશુભ નહિ, પુણ્ય પાપ નહિ, સુખ કે દુઃખ પણ નહિ, પરંતુ પરમ આનંદ અને અપૂર્વ શાંતિ. તે વિચક્ષણ ! હે સુજાણ ! તું વિચાર કર. આવી અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે તો છેવટનો સિદ્ધાંત એ આવ્યો કે શુભ અને અશુભ કર્મોથી નિવર્તવું. અશુભ પ્રવૃત્તિથી નિવૃત્તિ કરવી એ વાત તો સમજાય તેવી છે. પરંતુ શુભ પ્રવૃત્તિથી પણ નિવૃત્ત થવાનું છે, આ વાત જરા કઠિન લાગે તેવી છે, કઠિન એટલા માટે છે કે શુદ્ધનું ક્ષેત્ર જાણ્યું નથી, શુદ્ધની ખબર નથી. એ પણ એક અવસ્થા છે. આત્મામાં કોઈ વિકલ્પ ન હોય, શુભ કે અશુભ કોઈપણ વિકલ્પ ન હોય તેવી અવસ્થા જીવે જાણી નથી, માટે તેને આ વાત બેસતી નથી. આવી અવસ્થાને કહેવાય છે નિર્વિકલ્પ અવસ્થા, તેમાં જ્ઞાન બાહ્ય પ્રવૃત્તિમાંથી છૂટીને પોતાના આત્મા તરફ ગયું.
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org