________________
૨૨૪
પ્રવચન ક્રમાંક - ૬૦, ગાથા ક્રમાંક - ૮૩-૮૪ પ્રગટ કર્યું છે કે ‘કોઈનો વાંક નથી, અમારાં કરેલાં અમારે ભોગવવાં પડે છે’. આપણે કહીએ છીએ કે તમારા કારણે અમારે ભોગવવું પડે છે. પરંતુ જ્ઞાની પુરુષો તો કોઈને પણ દોષ દેતા નથી. જ્ઞાની પુરુષોને કોઈ ગાળ આપે તો, પોતે સમર્થ હોવા છતાં ગાળો પાછી આપતાં નથી પણ પોતે પી જાય છે, ગાળોને ગાંઠે બાંધતા નથી. કંઈ કારણ સમજાય છે ? તેમને સમજણ છે કે સામી ગાળ તો આપી શકાય, સામનો કરી શકાય, મારી પણ શકાય, ખતમ પણ કરી શકાય, પરંતુ આવું જો કરીશ તો કાર્મણ પરમાણુઓમાં ચમત્કારિક શક્તિ નિર્માણ થશે અને એ શક્તિનું ફળ પાછું મારે જ ભોગવવું પડશે. હવે એ ભોગવવાની પ્રક્રિયામાં મારે સામેલ થવું નથી, માટે જ્ઞાની શાંત રહે છે. જ્ઞાની શુભાશુભ ભાવની ધારા અંદર પ્રગટ કરતા નથી. અને અજ્ઞાનીઓ કર્મ બાંધ્યા વગર રહી શકતા નથી. ક્ષણે ક્ષણે તેઓ કર્મબંધ કર્યા જ કરે છે. આવી અજ્ઞાનીની અવસ્થા છે, અને કર્મ કર્યા પછી ભોગવવાનાં છે. જગત એક વ્યવસ્થા છે. જગત એક ઓટોમેટીક તંત્ર છે. આની પાછળ કોઈ વ્યક્તિ નથી કે કોઈ સત્તા નથી, રાજકારણ નથી પરંતુ પદાર્થની પોતાની સ્વયં શક્તિ છે. આત્મા પાસે પણ શક્તિ છે અને પુદ્ગલમાં પણ ચમત્કારિક શક્તિ નિર્માણ થાય છે. અને પરિણામો પણ ભોગવવાનાં છે.
ઉઘાડી આંખે જગત તરફ જોશો તો રોજ રોજ અસંખ્ય ઘટનાઓ જગતમાં બને છે. પ્રત્યેક ઘટના સ્વતંત્ર, અદ્ભુત અને આશ્ચર્યકારક હોય છે. કોઈ ઘટના સાંભળતાં સુખ થાય. કોઈ ઘટના સાંભળતાં દુઃખ થાય. ક્યાંક ઠીક લાગે તો ક્યાંક અરેરાટી થાય. કોઈ વ્યક્તિને મારી નાખતું જોવામાં આવે છે, કોઈ વ્યક્તિને બચાવતું જોવામાં આવે છે. કોઈ ગ્યાસતેલ છાંટી વ્યક્તિને બાળી રહ્યું છે, તો કોઈ બળતી વ્યક્તિને ઠારી રહ્યું છે. આ બધી ઘટનાઓ જગતમાં એટલા માટે બને છે કે તેને કર્મફળ ભોગવવાનાં છે. વ્યક્તિને જે પ્રકારે કર્મ ફળ ભોગવવાનાં હોય તે પ્રકારે જગતમાં વ્યવસ્થા ગોઠવાઈ જાય છે. એ વ્યવસ્થા નિર્માણ કરવાનું કામ દ્રવ્યકર્મ કરે છે, તેમાં અચિંત્ય શક્તિ રહેલી છે.
૮૪મી ગાથામાં એક શબ્દ મૂક્યો કે ‘કારણ વિના ન કાર્ય તે’ તમને કાર્ય દેખાય છે તેનું નક્કી કારણ હોવું જ જોઈએ, પકડાતું નથી. જેમ તમે ડૉક્ટર પાસે જઈ કહો છો કે તમને આવું આવું થાય છે. ઘણી વખત ડૉક્ટરો પણ પકડી શકતા નથી. તેઓ જવાબ આપે છે કે વાઈરસ ઈન્ફેક્શન ! સોનોગ્રાફીમાં આવતું નથી, એક્સ-રેમાં આવતું નથી. રીપોર્ટ નોર્મલ છે. તમારા શરીરમાં કાંઈ નથી પરંતુ બહારથી ચેપ લાગે છે. તો કર્મો પણ વાઈરસ ઈન્ફેક્શન છે. જગતમાં જે પણ ઘટના ઘટે છે તે અકારણ નથી. તેનું કારણ પણ છે, અને કાર્ય પણ છે.
કારણજોગે હો કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ,
પણ કારણ વિણ કારજ સાધિયે રે, એ નિજ મત ઉન્માદ.
સંભવનાથ ભગવાનના સ્તવનમાં આનંદધનજીએ કહ્યું છે કે કારણ વગર કદી કાર્ય થતું નથી. અને કારણ વગર કાર્ય થાય છે, એમ જે કહે તે પીધેલો હોવો જોઈએ. એ ઉન્માદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org