________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૨૧ આત્મા અને કર્મના વિયોગનું નામ મોક્ષ છે. આત્મા અને કર્મનો વિયોગ એક જ વખત થાય છે અને તે થયા પછી ફેર સંયોગ થતો નથી. કર્મના કારણે દેહનો સંયોગ વારંવાર થાય છે. એક દેહ છૂટ્યો, બીજો દેહ તૈયાર. એક પ્રેસ કાઢી નાખ્યો, બીજો ડ્રેસ તૈયાર છે. પ્રકૃતિ તમારા માટે બીજો ડ્રેસ લઈને બેઠી છે. તે કહેશે કે મારું બાળક આવ્યું, તેને બીજો દેહ આપી દઉં. તે જૂનો લઈ લે છે અને નવો પહેરાવે છે. એક દેહ જાય છે તો બીજો દેહ મળે છે. દેહના કારણે કુટુંબ અને વ્યક્તિઓનો સંયોગ થાય છે. જો સંયોગ છે તો પછી છૂટાં પડવું પડશે. તમે તો ગીત ગાઓ છો કે “સાથમેં જીના, સાથમેં મરના', એવા ગીત પ્રેમના ઉન્માદમાં ગાયાં છે. કોણ સાથે જીવે છે અને મરે છે? કોઈ સાથે ગયું? મરનારની પાછળ કોઈ જીવતો બળી મરે તો ક્યાં મળશે? બોરીબંદર સેંટર કે સેન્ટ્રલ પર મળશે? આનંદઘનજી મહારાજે ઋષભદેવ ભગવાનના સ્તવનમાં કહ્યું કે,
કોઈ કંત કારણ કાષ્ઠભક્ષણ કરે રે, મિલશું કંતને ધાય;
એ મેળો નવિ કહિયે સંભવે રે, મેળો ઠામ ન ઠાય. કોઈ સ્ત્રી પતિના મૃત્યુ પછી તેને મળવા માટે સતી થાય-ચિતામાં પડીને બળી મરે તો પણ મળવાની જગ્યા ચોક્કસ ન હોવાથી તેનો મેળો થઈ શકતો નથી, ભેળા થાય નહીં. સંયોગ છે ત્યાં વિયોગ છે એ તથ્ય સ્વીકારવું રહ્યું.
બાપે દીકરાને પરણાવ્યો. કેટલાય કોડ અને ઉમંગ હતાં કે દીકરો પરણશે, વહુ આવશે. ગરમ ગરમ શીરો બનાવશે, પછી કહેશે સસરાજી ચાલોને જમવા. હું કહીશ કે હમણાં ટાઈમ નથી, વહુ પાછી કહેશે ચાલોને, શીરો ઠંડો થઈ જાય છે. પછી તેને ખબર પડી કે શીરો તો ગાયબ થઈ ગયો. હવે ખીચડી પણ મળશે નહિ. સંસાર છે, આ સંસાર તો અસાર છે. કેટલી કલ્પના કરી હશે દીકરાની? દીકરો એક દિવસ કહેશે, પપ્પા ! આપણે શાંતિથી જીવીએ છીએ અને શાંતિ કાયમ રાખવી છે. આપના મનમાં કલેશ-કંકાસ થાય તેવું મને ગમતું નથી, તો એમ કરીએ કે આપણે જુદા જ રહીએ. કેટલો ડાહ્યો છોકરો છે? છૂટા થવાનો પ્લાન કરે છે. છૂટા થાય છે અને એક દિવસ એવો આવશે કે કાયમ માટે વિયોગ થઈ જશે.
કોના છોરું ને, કોના વાછરું, કોના માય ને બાપજી,
અંત સમય જાવું એકલા, સાથે પુષ્ય ને પાપજી. આ મરસિયા કે નિરાશા નથી, આ હતાશા નથી પણ તથ્ય છે. સંસાર છે ત્યાં સંયોગ છે અને સંયોગ છે ત્યાં વિયોગ પણ છે.
છેલ્લી વાત. રાગ અને દ્વેષનો સંયોગ છે એટલે તે પણ કાયમ રહી શકશે નહિ. તમે રાખશો તેટલું રહેશે. રાગ દ્વેષ એમ કહે છે કે અમે આવ્યા છીએ. બહુ જૂના છીએ અને ભેળા પણ છીએ. તમારો અને અમારો નાતો જૂનો છે. તમે જ્યાં સુધી સારી રીતે રાખશો ત્યાં સુધી રહીશું. પરંતુ સાહેબ ! તમે જે દિવસે ના પાડશો ત્યારે અમે ક્ષણભર પણ ઊભા નહિ રહીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org