________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૯૫ તમારો અસલ સ્વભાવ વીતરાગતા છે. ભલે રાગ દેખાય, દ્વેષ દેખાય, ક્રોધ દેખાય પરંતુ એ અસલિયત નથી, અસલ સ્વભાવ નથી. વચમાં કંઈક વળગ્ય માટે આ થયું. અસલમાં તમે આ નથી. તમારી અસલિયત વીતરાગતા છે. આ વીતરાગતા તમારો સ્વભાવ છે. તમે તેના કર્તા બનો છો, ત્યારે તમે રાગ નથી કરતા, દ્વેષ નથી કરતા, કષાયો, વૃત્તિઓ કે વાસનાઓ નથી કરતા. તમે તો માત્ર તમારા સ્વભાવના જ કર્તા બનો છો. સ્વભાવના કર્તા બનવું, તે આપણી સ્વાભાવિક અવસ્થા છે. અને વિભાવના, રાગ, દ્વેષ, ક્રોધના કર્તા થવું તે આપણી અકુદરતી, હાથે ઊભી કરેલી અવસ્થા છે. કોઈ માણસ ગુસ્સો કરે ત્યારે તેની દયા ખાવા જેવી છે. ગુસ્સો કરે ત્યારે સમજવું કે તે તેની અસલ અવસ્થામાં નથી. જો તે નોર્મલ હોત તો ગુસ્સો ન કરત. ક્રોધ કરવો એ એબનોર્મલ અવસ્થા છે.
અંતમાં ચેતન જો તેના નિજભાનમાં હોય તો શું થાય? તે પોતાના સ્વભાવનો કર્તા બને. તમે કર્યું છે ખરું, પણ પરનું કર્યું છે. વિભાવ પારકો છે, સંસાર પારકો છે અને એ કરવાના પરિણામે મુશ્કેલી ઊભી થઈ. “વર્તે નહિ નિજ ભાનમાં', પોતે પોતાના ભાનમાં વર્તતો નથી, ત્યારે કર્તા તો બને છે પરંતુ કર્તા પરનો, વિભાવનો બને છે. નિજ ભાન ન હોય ત્યારે કર્મનો કર્તા બને છે, વિભાવનો-કામ, ક્રોધ, મોહ, લોભ, માયાનો કર્તા બને છે. પોતાના ભાનમાં હોય તો સ્વભાવનો કર્તા બને છે.
જૈનદર્શને બે શબ્દો આપ્યા, વિભાવ અને સ્વભાવ. વિભાવ એટલે વિકૃત ભાવ. અને સ્વભાવ એટલે અસલ ભાવ, પોતાનો મૂળ સ્વભાવ વીતરાગ ભાવ-રાગદ્વેષ રહિત ભાવ. જૈનદર્શનનું કહેવું છે કે પાણી છે, પાણી શીતળ છે. શીતળતા તે પાણીનો સ્વભાવ છે અને પાણી ગરમ છે તે તેનો વિભાવ ભાવ છે. પાણી ગરમ ન હોઈ શકે, પાણી ઠંડું જ હોય, તે ગરમ થયું છે, કારણ પાણીને અગ્નિનો સંગ થયો. સૂરત જાવ અને તાપી નદીનું પાણી પીવો તો મીઠું ટોપરા જેવું લાગે પરંતુ ભરતી વખતે દરિયાનું પાણી તેમાં ભળી જાય તો પાણી ખારું લાગે. તમે તો સિદ્ધ છો, તમે ખારા નથી પરંતુ તમારામાં કંઈક ભળ્યું એટલે ગરબડ થઈ. ગુજરાતી ભાષામાં કહ્યું છે કે એકડે એક અને બગડે છે. સરળ છે ને? બે થાય તો બગડે. બે ન થાય તો બગડવાની વાત નથી.
નમી રાજર્ષિ માંદા પડ્યા. શરીરમાં દાહ થયો, તેમની રાણીઓ તેમના માટે ચંદન ઘસે છે. ઘણી સ્ત્રીઓ હતી. અત્યારે તો એકને સાચવતાં નાકે દમ આવી જાય છે. સ્ત્રીઓ ચંદન ઘસે એટલે કંગનનો અવાજ આવે. ખણ ખણ થાય. રાજાને એક તો માથું દુઃખે અને ઉપરથી બંગડીઓનો અવાજ. રાજા કહે છે કે મારાથી આ અવાજ સહન થતો નથી. મહારાણી ડાહી હતી, તેમણે એક કંગન રાખી બાકીનાં કાઢી નાખ્યાં અને પાછી ચંદન ઘસવા લાગી. હવે અવાજ ન થયો. રાજાએ પૂછ્યું કે કેમ? માઠું લાગ્યું? ચંદન ઘસવું કેમ બંધ કર્યું?” પ્રધાને કહ્યું કે “ચંદન તો ઘસે છે પણ એક સિવાય બીજા કંગનો કાઢી નાખ્યા તેથી અવાજ આવતો નથી.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org