________________
૨૧૪
પ્રવચન ક્રમાંક - ૫૯, ગાથા ક્રમાંક - ૮૨ કહેશો કે ખબર છે. આ વાત તો સમયસારમાં પણ છે. આમાં કંઈ નવું નથી. પરંતુ શાસ્ત્રો એમ કહે છે કે એક એક વાતને ઊંડાણથી સમજજો. પહેલી વાત એ કે ભાવકર્મ કોને કહેવાય ? અને તેની વ્યાખ્યા શું ? તેનું સ્વરૂપ શું ? ‘ભાવકર્મ નિજ કલ્પના’ આ ભાવકર્મની વ્યાખ્યા છે ‘નિજ કલ્પના’ એટલે પોતાની કલ્પના. પોતે કલ્પના કરે છે, પોતાની કલ્પનાથી શરૂઆત થાય છે. પોતે કોણ છે તેના વિશે તેને ભાન નથી અને હું પુરુષ છું, હું પતિ છું, હું સ્ત્રી છું, હું પત્ની છું, હું ધનવાન છું, હું સત્તાધીશ છું, જેટલાં પૂછડાં વળગાડવા હોય તેટલાં વળગાડો. આ બધી નિજ કલ્પના છે. લગ્ન થાય ત્યારે બધા કહેતા હોય છે કે તમારા વગર નહિ જીવાય અને પછી એમ થાય છે છુટકારો થાય તો સારું. આ બધી કલ્પના છે. સુખ, દુ:ખ, અનુકૂળતા, પ્રતિકૂળતા એ પણ આપણી કલ્પના. આ મારાં છે તે પણ કલ્પના અને તમારે ને મારે શું લેવા દેવા ? તે પણ કલ્પના. હું શરીર, આ ઘર મારું, આ બધી નિજ એટલે પોતાની કલ્પના. મોટે ભાગે આપણે કલ્પનામાં જીવીએ છીએ. કલ્પના કરવામાં આપણી તોલે કોઈ આવે નહીં.
એક વાણિયો ઘીનો ધંધો કરતો હતો. તેણે એક નોકર રાખેલો. ગામડે ગામડે માટીના ઘડામાં ઘી ભરી વેચવા જવું પડે. અને તેને રોજના પાંચ રૂપિયા રોજી મળે. નોકર હતા મીયાંભાઈ ! માથે ઘીનું માટલું છે અને કલ્પના કરે. આજે પાંચ રૂપિયા મળશે તેમાંથી અઢી રૂપિયા ખર્ચીશું અને અઢી રૂપિયા બચાવીશું. એમ કરતાં મહિને ૭૫ રૂા. ભેગા થશે. તેમાંથી એક બકરી લઈશું અને રોજ તેનું દૂધ વેચીશું. પછી પૈસા ભેગા થશે તેમાંથી ગાય અને આગળ જતાં ભેંસ લઈશું. ભેંસના દૂધમાંથી તો ઘી ઘણું થશે એટલે ઘીની દુકાન કરીશું. ઘીની દુકાનમાં એટલી મઝા નહિ એટલે તે પૈસામાંથી કટલરીની દુકાન કરીશું. તેમાં કમાણી ઘણી થશે. એટલે જૂની બીબી સાથે નહીં ફાવે. નવી બીબી લાવીશું. હું હિંચકે બેસીને ઝૂલતો હોઈશ ત્યારે નવી બીબીનો મુન્નો મને જમવા બોલાવશે. હું સાંભળીશ નહિ. ફરીવાર તે આવશે અને કહેશે કે ચાચા, ખાનેકુ ચલો. તો હું માથું હલાવીશ, નહિ આવું ! તેણે માથું હલાવ્યું અને ઉપરથી ઘીનો ઘડો પડીને ફૂટી ગયો. વાણિયો સાંખી લ્યે ! તેણે તો એક તમાચો લગાવ્યો. મીયાંભાઈ કહે, શેઠ ! તમારું તો ઘી ગયું પરંતુ મારું તો નવું મકાન, દુકાન, નવી બીબી અને છોકરો પણ ગયાં. હવે હું શું કરીશ ? મને લાગે છે કે મીયાંભાઈથી આપણે જરાય ઊતરતા નથી.
આપણે કલ્પનાઓ કરીએ છીએ, રાગદ્વેષ અને કષાયો કરીએ છીએ, વિભાવો કરીએ છીએ, પરંતુ મૂળ કારણ તો ‘ભાવકર્મ નિજ કલ્પના'. આ આપણો આખો સંસાર કલ્પનાથી ઊભો થયો. વેદાંતે કહ્યું કે જગત મિથ્યા છે. ભગવાન બુદ્ધે કહ્યું કે આ ક્ષણિક છે. અને ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે આ બધું અનિત્ય છે, આ બધું કલ્પનાનું સુખ અને દુઃખ, વાસ્તવિક નથી. પણ એ કલ્પના ઉપર આપણે કામ કરીએ છીએ, તેને રાગદ્વેષ કહેવાય અને રાગદ્વેષ એ ભાવકર્મ છે, અને તે ચેતનરૂપ છે. ‘ભાવકર્મ નિજ કલ્પના માટે ચેતનરૂપ’. ભાવકર્મ ચેતન છે જ્યારે દ્રવ્યકર્મ અને નોકર્મ જડ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org