________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૮૯
બીજું કર્તૃત્વબુદ્ધિ. હું કરું છું એ પ્રકારની બુદ્ધિ અને એની પાછળ હું છું એ પ્રકારની બુદ્ધિ. આપણી જે દુનિયા છે, જે જગત છે તેના બે જ આધાર, એક હું છું તે અને બીજો આધાર હું કરું છું તે. એમાં કોઈપણ જો ડીસ્ટર્બ કરે તો પછી આપણામાં જે કંઈ થાય છે તેનું નામ કષાય. હું છું તેમ કહેતા હો તો હું ધનવાન છું, હું બુદ્ધિમાન છું, હું આચાર્ય છું, ભણેલો છું, પ્રોફેસર છું, અને જો તેમાં કોઈ કહે કે ના, તમે એવાં નથી તો હુંને ધક્કો પહોંચ્યો, એક્શન આપીએ, તેમાં આપણને કલેશ થાય છે, દુઃખ થાય છે અને કંટાળો આવે છે. જ્ઞાની પુરુષો આ કલેશના ભાવોને કષાય ભાવ કહે છે. આ કષાયભાવ દૂર થતાં ચૈતન્યનો સમગ્રપણે વિકાસ થાય છે. આ અવસ્થાને કહે છે કે આત્મા પૂરેપૂરો ખીલ્યો, તેમાં જેટલી સંભાવના હતી તે પરિપૂર્ણ ખીલી ગઈ. અને આ ઘટના, આ સંભાવના જેમાં બની તેને કહેવાય છે પરમાત્મા.
ફરી સમજી લઈએ. એક જીવ અને એક સિદ્ધ. જીવ જે છે તે એક નાનકડી આવૃત્તિ છે. અને જે સિદ્ધ છે તે વિકસિત સ્વરૂપ છે. બી હાથમાં હોય અને તમને કોઈ એમ કહે કે આમાં મોટી મોટી ડાળીઓ છે, હજારો પાંદડાં છે, આમાં હજારો ફુલો છે, હજારો ફળો છે. તમે કહેશો કે શું ખોટાં ગપ્પા મારો છો, આ રાઈના દાણા જેટલા બીજમાં આ બધું હોતું હશે ? પણ એક દિવસ તમારે સ્વીકારવું પડશે કે આ બીજમાં બધું હતું, સુષુપ્ત હતું, છૂપાયેલું હતું. એ છૂપાયેલું જે હોવું તેને દ્રવ્યાનુયોગની ભાષામાં તિરોભાવ કહે છે, અને આવિર્ભાવ એટલે જે કંઈ છૂપાયેલું છે, તેનું પૂરેપૂરું પ્રગટ થવું. અંશે અંશે પ્રગટ થવું તે સાધકની અવસ્થા અને પૂરેપૂરું પ્રગટ થવું તે સિદ્ધ અવસ્થા. સિદ્ધ તેને કહેવાય કે જેનું ચૈતન્ય પૂરેપૂરું ખીલી ગયું છે. બીજનો ચંદ્રમા જોયો, દર્શન કર્યાં, પણ મઝા ન આવે. જોવાની મઝા-આનંદ તો શરદપૂર્ણિમાનો ચંદ્ર આકાશમાં ખીલ્યો હોય એ જોવામાં આવે. તેવી જ રીતે આત્માનું સંપૂર્ણ ખીલવું તેનું નામ સિદ્ધ અવસ્થા. સિદ્ધ અવસ્થામાં કંઈપણ બહારથી નથી આવતું કે કંઈપણ ઉમેરાતું નથી. અંદરમાં જે હતું તે પૂરેપૂરું ખીલ્યું.
જીવમાં રહેલી તમામ સંભાવનાઓને પૂરેપૂરી સમ્યક્ પ્રકારે ખીલવવાની પ્રક્રિયા તેનું નામ ધર્મ. સમજી લેજો, આ ધર્મની વ્યાખ્યા. ચૈતન્યમાં અનેક પ્રકારની સંભાવનાઓ પડી છે. (સંભાવના એટલે હોવાપણું, થઈ શકે તેવું, પ્રગટ થઈ શકે તેવું, બની શકે તેવું.) જેટલી સંભાવનાઓ પડી છે, એ સંભાવનાઓને વિકસાવવાની પ્રક્રિયા તેનું નામ ધર્મ. જેટલા અંશે સંભાવના પ્રગટ થાય તેટલા અંશે ધર્મ પ્રગટ થાય. જૈન ધર્મમાં અનેક પ્રકારે વર્ણન છે. એક પ્રકાર છે છ લેશ્યા, બીજો પ્રકાર છે ચૌદ ગુણસ્થાનો, જે એક અવસ્થા છે, આ માપક યંત્ર છે અને ત્રીજો પ્રકાર છે યોગની આઠ દૃષ્ટિઓ, તે પણ એક અવસ્થા છે. તમે ક્યાં છો? તમે મૂળમાં કેવા છો ? વર્તમાનમાં તમે ક્યાં છો ? અને શું થઈ શકો છો ? તે જાણી શકાય. તમારી પાસે આવી જ્યોતિષી જન્મપત્રિકા કે કુંડલી મૂકે અને કહે કે તમે કરોડપતિ થશો, તો તમે નાચી ઊઠશો, પણ તમને કોઈ એમ કહે કે તમે સિદ્ધ થશો, તો કહેશો કે ઠીક છે. અલ્યા ! આવકાર્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org