________________
૧૩૦
પ્રવચન ક્રમાંક - ૫૧, ગાથા ક્રમાંક - ૬૩ થી ૬૭ ક્રોધાદિ પ્રવૃતિઓનું વિશેષપણું સર્પ વગેરે પ્રાણીમાં જન્મથી જ જોવામાં આવે છે, વર્તમાન દેહે તો તે અભ્યાસ કર્યો નથી; જન્મની સાથે જ તે છે, એટલે એ પૂર્વજન્મનો જ સંસ્કાર છે; જે પૂર્વજન્મ જીવની નિત્યતા સિદ્ધ કરે છે. (૭)
આ બધી ગાથાઓનું સાથે ચિંતન કરવું છે. એક વાતને સ્પષ્ટ કરવી છે. આત્મા તો છે જ. અસ્તિત્વ છે, પરંતુ સાથે સાથે આત્મા નિત્ય પણ છે. નિત્ય એટલે ત્રણે કાળ. આપણું એટલે જીવનું-આત્માનું હોવું ક્ષણિક નથી, વર્તમાનકાળ પૂરતું નથી, આપણું હોવું ત્રિકાળી છે. આ ત્રિકાળી હોવાપણાનો સ્વીકાર સાધક કરે છે, ત્યારે તેની સાધના સાત્ત્વિક અને સમર્થ બને છે, અને તેની પાછળ એક તત્ત્વની અનુભૂતિ પણ થાય છે.
શિષ્યને શંકા એટલા માટે થાય છે કે ઘણા એવું માનતા હોય છે કે આત્મા તો છે પણ આત્મા પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થાય છે. કેમેસ્ટ્રી એટલે રસાયણશાસ્ત્રના નિયમ પ્રમાણે અમુક તત્ત્વો ભેગાં થાય તેમાંથી નવી વસ્તુ બને તેમ પંચમહાભૂત પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ એ પાંચ તત્ત્વો જુદાં જુદાં છે પરંતુ પાંચે જો ભેગાં થાય તો તેના સંયોગથી આત્મા પ્રગટ થાય છે. જ્યારે પાંચે પાંચ તત્ત્વનું મિશ્રણ થાય છે અને નવું તત્ત્વ જે પ્રગટ થાય છે, તે આત્મા છે તેમ શિષ્યનું માનવું છે.
આ દેહના યોગથી ચૈતન્ય આત્મા ઉત્પન્ન થાય છે. અને જો દેહમાંથી ઉત્પન્ન થયો તો કાચો માલ તે દેહ છે. તો દેહ રહેશે ત્યાં સુધી જ ચૈતન્ય રહેશે. દેહ નહિ હોય તો ચૈતન્ય નહિ હોય. શરીર ઉત્પન્ન થશે ત્યારે આત્મા ઉત્પન્ન થશે અને શરીરનો નાશ થશે ત્યારે આત્મા પણ નાશ પામશે. આટલી સીધી અને સરળ વાત છે તો આત્મા અવિનાશી કેમ હોય? આ શિષ્ય પોતાનો સિદ્ધાંત, પોતાની માન્યતા રજૂ કરી છે. આવી માન્યતા ધરાવનાર દર્શનનું નામ ચાર્વાક દર્શન છે. - ચાર્વાક શબ્દનો અર્થ એ થાય છે કે ચાર-વાક. જેની વાત સાંભળવી આપણને ગમે તેને કહેવાય છે – ચાર્વાક. તમને કોઈ ઉપવાસ કરવાનું કહે તો ઓછું ગમે પણ તમારે ખાવું હોય તેટલું ખાવ, ધરાઈને ખાવ, ખુશીથી ખાવ. કદાચ એક નવી વાનગી આવી અને પેટ ભરેલું હોય તો ફ્રાન્સ અને અમેરિકામાં એવી વ્યવસ્થા છે કે ઉલટી કરી નાખો પછી નવું ખાવ. આ આપણને ગમશે. ન ખાવ તેમ કહેનાર નહિ ગમે, પરંતુ ફાવે તેમ ખૂબ ખાઓ, એ કહેનાર ગમશે. દેહના યોગથી આત્મા ઉત્પન્ન થાય છે અને જેની ઉત્પત્તિ થઈ તેનો નાશ પણ થાય છે. તેથી બિનજરૂરી આપણે આપણા જીવનને સંયમ, તપ, ધ્યાનમાં વેડફવા જેવું નથી. જીવનનો સદુપયોગ મોજમજામાં કરો તેમ ચાર્વાક દર્શન કહે છે.
એક બીજું દર્શન છે તે બૌદ્ધ દર્શન છે. તેની પાયાની માન્યતા એવી છે કે જગતમાં જે કંઈ વસ્તુ છે તે ક્ષણિક છે. ક્ષણિકનો અર્થ જેનું હોવાપણું કાયમ નથી. ઉત્પન્ન થાય, દેખાય, કામ કરે પણ તેનો નાશ થાય છે અને ક્ષણે ક્ષણે પલટાય છે. એ વિચાર કરતાં લાગે છે કે જગતમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org