________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૮૫ છે. અનંત ગુણો અને અનંત વીર્ય ભર્યું છે આ દ્રવ્યમાં. જ્ઞાની પુરુષો કહે છે કે અમે કેટલું વર્ણન કરીએ. યશોવિજયજી મહારાજ હે છે, “મારો પ્રભુ સબ બાતે પૂરો'. મારો પ્રભુ બધા ગુણોથી પરિપૂર્ણ છે. આત્માના અસંખ્ય પ્રદેશો છે અને પ્રદેશ પ્રદેશ અનંતગુણો છે. આપણો આટલો બધો નિજ વૈભવ છે. કુંદકુંદાચાર્યજી સમયમસારમાં કહે છે, “અમે તને તારો પોતાનો વૈભવ બતાવીએ છીએ. એક વખત તું આનંદમાં, ઉલ્લાસમાં આવી હા તો પાડ કે આ મારો વૈભવ છે.” પણ તમે કહો છો કે અમે તો પામર, અમે તો દુઃખી છીએ. પરંતુ અમે કહીએ છીએ કે તું જો તો ખરો, તારી અંદર કેટલો ખજાનો પડ્યો છે. કોઈને ખાવાના પણ સાંસા હોય અને કોઈ તેને કહે કે તારા મકાનમાં ઉત્તર દિશામાં ૧૦ ફૂટ નીચે ધન દાટેલું છે. તે ત્યાં ખોદીશ તો તને મળશે. કેટલો આનંદ થાય? હજુ મળ્યું નથી, પણ સાંભળીને નાચી ઊઠે. મંડી પડે ખોદવા અને ચરૂ મળે તો નાચી ઊઠે. જેણે બતાવ્યો તેનો કેટલો ઉપકાર માને? કે મારો ખજાનો મને બતાવ્યો. આ પૈસાનો ખજાનો તો નશ્વર છે, અમે તને તારો અક્ષય ખજાનો બતાવીએ છીએ, તે શાશ્વત છે. તું સાંભળી લે. તને આનંદ નથી આવતો ? હવે તને થવું જોઈએ કે આવો ખજાનો મારે પ્રાપ્ત કરવો છે.
ખજાનાને જાણવો તેનું નામ સમ્યજ્ઞાન. ખજાનો મારો છે તેવી પ્રતીતિ થવી તેનું નામ સમ્યગ્દર્શન અને ખજાનો મેળવવા માટે મથામણ ચાલુ કરવી તેનું નામ સમ્યફ ચારિત્ર્ય. “ચેતન જો નિજ ભાનમાં', આ શબ્દો ઉપર બહુ ભાર છે. તમે એલ ફેલ બોલતા હો તો કોઈપણ તમને કહેશે કે જરા ભાન રાખો. જ્ઞાની પુરુષ કહે છે કે આવા ભાન તો ઘણા રહ્યા પણ તું બેભાન રહ્યો. ખરું ભાન તો નિજ ભાન છે. સ્વરૂપનું ભાન છે. જો પોતાના સ્વભાવનું ભાન થાય તો કર્તા આપ સ્વભાવ. આત્મા પોતાના સ્વભાવનું કાર્ય કરે, બીજું કાર્ય ન કરે.
પછી એમ કહ્યું કે વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ”. જુઓ, બે શબ્દો જુદા જુદા છે. ઉપર શબ્દ છે સ્વભાવ અને નીચે શબ્દ છે પ્રભાવ. સમજણપૂર્વક શબ્દો મૂક્યાં છે. સ્વભાવ તે આપણી પોતીકી વસ્તુ છે. અને પ્રભાવ બીજા ઉપર પાડવાનો. બીજા ઉપર પડે તે પ્રભાવ અને પોતાનામાં જે અનુભવાય તે સ્વભાવ. પોતાનાં ભાનમાં જો ન વર્તે તો શું થાય ? તે કર્મનો કર્તા થાય છે. અને કર્મ ઉપર પ્રભાવ પડે છે અને કર્મ ઉપર પ્રભાવ પડ્યા પછી કર્મનો બંધ થાય છે. કર્મ ઉપર આપણો પ્રભાવ પડે છે પરંતુ સ્વભાવ તરફ આપણી જાગૃતિ નથી. તેથી સ્વરૂપમાં ન રહેતાં આપણે રાગદ્વેષરૂપે પરિણમીએ છીએ. એ પરિણમવાના કારણે આત્મા કર્મથી બંધાય છે. તમને એમ થતું હશે કે તમારે કહેવું શું છે? અમારે એમ કહેવું છે કે અપને ઘરમેં જાવ. તમારું ઘર તમે સંભાળી લ્યો. અમે તમારું ઘર, ખજાનો, સંપત્તિ બતાવીએ છીએ. આનંદઘનજીએ ગાયું છે કે,
ચેતન શુદ્ધાતમકુ ધ્યાવો, પર પરચે ધામધૂમ સદાઈ, નિજ પરચે સુખ પાવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org