________________
૧૫૬
પ્રવચન ક્રમાંક - ૧૩, ગાથા ક્રમાંક - ૭૦ સમજવાનું છે.
હે શિષ્ય ! તું કહે છે ને કે વસ્તુ ક્ષણિક છે, તો તારી વાત માની કે વસ્તુ ક્ષણિક છે. ક્ષણમાં તે વસ્તુ જાણી. જે વખતે તે વસ્તુ જાણી ત્યારે બોલતો નથી. પરંતુ તું તેને જાણ્યા પછી બોલે છે. જાણ્યા પછી બોલે તો બોલનાર તો હાજર હોવો જોઈએ ને? એ બોલનાર જો હાજર ન હોય તો વસ્તુ ક્ષણિક છે તેમ કહેશે કોણ? ક્ષણિક છે તેમ જેણે જાણ્યું તે બોલનાર પોતે ક્ષણિક નથી પણ જે જાણવામાં આવે છે તે ક્ષણિક છે. પરમકૃપાળુ દેવને કહેવું છે કે વસ્તુ ક્ષણિક છે તેમ જાણનારો આત્મા ક્ષણિક નથી. એ નિત્ય છે, સતત હાજર છે.
છેલ્લે એ વાત કરી કે જગતમાં વિનાશની પરંપરા ચાલે છે. તે માટે એક શબ્દ વપરાય છે ભાંજઘડ. આ શબ્દ મૌલિક છે. ભાંજઘડ એટલે ભાંગી જવું અને ઘડવું. ભાંજ એટલે ભાંગી જવું અને ઘડ એટલે ઘડવું. ભાંગવું અને ઘડવું એ બે જ ખેલ જગતમાં ચાલે છે. આ બે ખેલને જોનારો તેનાથી જુદો છે.
કોઈ પણ વસ્તુનો કેવળ નાશ થતો નથી. નિયમ એવો છે કે વસ્તુને સમૂળગી નષ્ટ કરવાનો જગતમાં ઉપાય જ નથી. વસ્તુ કાયમ ટકશે. બદલાશે ખરી પણ ત્રણે કાળ ટકશે. માટે ચૈતન્ય નાશ પામતું નથી. જગતના પુદ્ગલ પદાર્થો નાશ પામતા દેખાય છે, પરંતુ સમૂળગા નાશ પામતા નથી. આપણે કહીએ છીએ કે ખેતરમાં ઘાસ હતું, તે ગાયે ખાધું. તે ઘાસમાંથી દૂધ થયું. તેમાંથી દહીં બન્યું, તેવી રીતે ઘણી વેરાઈટીઓ બની. તમે ખાધી, પેટમાં ગઈ. મળ થયો. અને એ મળ ખાતર બની પાછો ખેતરમાં ગયો. વસ્તુનું રૂપાંતર થયું, પણ મૂળ વસ્તુ તો એની એ જ છે. પદાર્થની અવસ્થાઓ બદલાય છે. તેનો કાયમ નાશ થતો નથી.
આટલી વાત કરીને હવે એ વાત તરફ ધ્યાન દોરવું છે કે આ જગત શું છે? આ જગતની પાછળ કયા પરિબળો કામ કરે છે ? તે નક્કી કરવા જુદા જુદા ચિંતકોના જુદા જુદા અભિપ્રાયો છે. જુદી જુદી માન્યતાઓ છે જુદા જુદા દર્શનો પણ છે. તેમનો આ ત્રણ ગાથાઓમાં સંક્ષેપમાં સમાવેશ કર્યો છે, તો ધીરજથી સમજવું, કારણ કે મૂળ વસ્તુમાં પ્રવેશ કરવો છે. જગત દ્વન્દ્રોથી બને છે. સંસાર દ્વત્ત્વોથી બને છે. એકથી રમત ન રમાય. બે જોઈએ. આપણે રમવુ હોય ત્યારે બીજાને શોધીએ છીએ કે તમે આવો તો રમત રમી શકાય. એકાકી રમત રમી શકાતી નથી. ક્રિકેટની રમત રમવી હોય તો બે ગ્રુપ જોઈએ. રમત રમવામાં કમ સે કમ બે જણ તો જોઈએ જ. એમ જગતમાં દ્વન્દ્ર છે. અને દ્વન્દ્રથી જગત ચાલે છે. દ્વતથી જગત ચાલે છે. એક ભાગીદાર તેનું નામ આત્મા. અને તે નિત્ય છે. બીજો ભાગીદાર કોણ છે તેની ઓળખાણ આ ૭૧મી ગાથાથી કરાવે છે. આત્મા કર્મનો કર્તા નથી, એમ શિષ્ય કહે છે -
કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ; અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ.' (૭૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org