________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૩૧ કાયમ રહેનાર એવું કોઈ તત્ત્વ હોઈ શકે નહિ. આ બે વાતો શિષ્ય પોતાના ગુરુદેવ પાસે રજૂ કરી છે. ગુરુદેવ કહે છે કે વાત તારી સાચી છે પણ એક વાત તું સમજી લે. આપણને શરીરનો સંયોગ થાય છે અને શરીર એ પરમાણુઓનો સંયોગ છે, પરિભ્રમણ કરતાં કરતાં આપણે આ દેહમાં આવીએ છીએ. અહીં તમે બરાબર સમજી લો. પહેલી વાત આત્મા છે. અને સાથે સાથે એમ પણ સમજો કે તે આત્મા અવિનાશી છે. બીજી વાત – કર્મ છે. ત્રીજી વાત – આત્મા અને કર્મનો સંયોગ છે. ચોથી વાત - કર્મનો સંયોગ હોવાના કારણે આપણે પરિભ્રમણ કરવું પડે છે, એ પરિભ્રમણ કરવામાં જે ઉપયોગી થાય, જે મિડિયા, જે માધ્યમ, જે લઈ જનાર એજન્ટ, જે સાધન છે તેને શાસ્ત્રોએ કાર્મણ શરીર કહ્યું છે, સૂક્ષ્મ શરીર કહ્યું છે. એ સૂક્ષ્મ શરીર આપણી પાસે છે. તે જ્યાં સુધી રહે ત્યાં સુધી મોક્ષ ન થાય. તે નવા દેહમાં લઈ જવાનું કામ કરે છે. મુંબઈમાં ફલોરા ફાઉન્ટનમાં પચાસ માળના બિલ્ડિંગમાં ૧૨૫ નંબરની રૂમમાં એક ભાઈને ત્યાં તેમની પત્નીને બાળક આવ્યું. અહીં કોણ લઈ આવ્યું તેને ? કયા પ્લેનમાં અને ક્યાંથી આવ્યું? કોઈ લાવનાર નથી. લાવનાર કાર્મણ શરીર છે. કાર્પણ શરીર લઈ જાય, ત્યાં દેહ મળે છે. દેહનો આપણને સંયોગ થાય છે, અને દેહ પરમાણુઓનો સંયોગ છે.
સદ્ગુરુ શિષ્યને એમ કહે છે કે દેહ તો સંયોગ છે. જ્યારે દેહ ન હતો ત્યારે પણ તું તો હતો. તું અહીં આવ્યો અને તેને દેહનો સંયોગ થયો અને જ્યારે તને દેહનો વિયોગ થશે. ત્યારે તું બીજી જગ્યાએ ચાલ્યો જઈશ. આ પ્રકારનું પરિવર્તન જીવનમાં ચાલ્યા જ કરે છે. અને બીજી વાત, આ જગતમાં વિવિધ ઘટનાઓ પ્રસંગો બને છે, અને જુદી જુદી પ્રક્રિયાઓ શરીરમાં થાય છે, ઈન્દ્રિયોમાં થાય છે, મનમાં થાય છે, બુદ્ધિમાં થાય છે. એ બધી પ્રક્રિયાઓમાં અનુભવ કરવાની ક્ષમતા નથી. એનો અર્થ એ થાય કે શરીર, ઈન્દ્રિયો, પ્રાણ, મન એમાં ક્રિયા ભલે થાય પણ અનુભવ કરવાની ક્ષમતા તેમનામાં નથી. આના ઉપરથી સિદ્ધાંત એ આવે છે કે અનુભવ કરનાર કોઈ જુદું જ તત્ત્વ છે. શરીરમાં પ્રક્રિયા થઈ. ઘા થયો, લાગ્યું, હાડકું ભાંગ્યું અને ફેક્સર થયું, પ્રક્રિયા શરીરમાં થઈ પણ અનુભવ અંદર જે બેઠો છે તેને થાય છે. શરીરમાં એવી કોઈ ઘટના ઘટે અને આત્મા દેહ છોડીને જાય તો ગમે તેટલું ફ્રેક્ટર થયું હોય, અનુભવ કોણ કરશે? વેદના કોણ અનુભવશે? સંવેદન કોને થશે? તે પ્રક્રિયામાં કોણ ઢળશે? તો કોઈ એવું તત્ત્વ છે જે દેહથી જુદું છે, અને દેહમાં થાય તેનો અનુભવ કરે છે. તે ઈન્દ્રિયોથી જુદું છે અને મનથી પણ જુદું છે. ઈન્દ્રિયો અને મનમાં જે થાય તેનો અનુભવ તે કરે છે. તો એમ કહેવું છે કે આવી જ વ્યવસ્થા હોય તો એક વાત તમારે સ્વીકારવી પડશે કે દેહ પહેલો અનુભવ કરનારો હોવો જોઈએ અને તે દેહથી જુદો હોવો જોઈએ. અનુભવ કરનાર ઈન્દ્રિયોમાંથી પેદા ન થઈ શકે. ઈન્દ્રિયોનો અનુભવ કરનાર જુદો જ હોવો જોઈએ. મનમાં જે જે પ્રક્રિયાઓ થાય છે તેનો અનુભવ કરનાર મનથી પણ જુદો હોવો જોઈએ. એ દેહ પહેલાં, ઈન્દ્રિયો પહેલાં અને મન પહેલાં, જુદો જ હોવો જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org