________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૫૧ શક્ય ન બનત. કારણ કે આત્મા પોતે એવો ન હોવા છતાં તેને બીજી અવસ્થામાં આવવું પડે છે. કોઈક તેનું કારણ છે અને તે કારણ શોધવું તે મહત્ત્વનું છે.
એ કારણ જ્યારે શોધવામાં આવશે ત્યારે આપણને સમજાશે કે જગતમાં અદ્વૈત નથી, વૈત છે. બે તત્ત્વો, બે સિદ્ધાંતો. બે ધારાઓ, બે પ્રણાલિકાઓ, બે વિભાગો અને બે તત્ત્વો છે. બે તત્ત્વો જુદા જુદા પણ છે અને સાથે સાથે બે તત્ત્વોનો સંયોગ જ્યારે થાય છે ત્યારે તેમાંથી જે પેદાશ થાય છે, નિપજ થાય છે, જે રચના થાય છે તેને સંસાર કહે છે. સંસાર એક સર્જન છે, ઘટના છે, રચના છે અને જાતજાતની ઘટનાઓ જગતમાં બને છે. જ્ઞાની કહે છે એ ઘટનાઓ બને તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી, કારણ કે એ પણ જગતની વ્યવસ્થા છે.
જેને જીવનમાં સાધના કરવી છે, જેને મોક્ષ શબ્દને જીવનમાં આત્મસાત્ કરવો છે, જેને મુક્ત થવું છે, તેને પહેલા બંધ તત્ત્વ સમજવું પડશે. જે બંધાયેલો છે તેની મુક્તિ થાય. બંધાયેલો ન હોય તો મુક્તિ કોની? કોણ બંધાય છે અને શેનાથી બંધાય છે? તે બન્ને જુદા જુદા હોવા જોઈએ. બંધાય છે તે જુદો અને જેનાથી બંધાય છે તે પણ જુદો. દોરડું ગાયના ગળામાં બાંધીએ છીએ તો ગાય બંધાય છે. બાંધનાર દોરડું અને બંધાય છે ગાય. કોણ બંધાય છે? શા માટે બંધાય છે? એવું શું બન્યું કે બંધાણો?
આ બંધાયેલ આજકાલનો નથી પણ અનંતકાળનો છે. આપણને આ બંધન સહજ લાગે છે, સ્વાભાવિક લાગે છે. વ્યથા, દુઃખ કે મૂંઝવણ નથી અને આપણે બંધાયેલ છીએ તેનો કંટાળો પણ નથી. પશુ જ્યારે ખીલે બંધાય છે, ત્યારે શરૂઆતમાં પૂરી તાકાતથી તોફાન કરે છે કે બંધાવું ન પડે. ગોવાળ પણ પૂરી તાકાત વાપરી તેને બાંધે છે. વાછરડાને થોડો ટાઈમ ગમતું નથી, છૂટવા કોશિશ કરે છે પછી ધીમે ધીમે એ ટેવાઈ જાય છે અને તેને બંધન ખટકતું નથી. એ ટેવાઈ ગયો, એને આદત પડી ગઈ, અને ધીમે ધીમે એ પ્રકૃતિ બની ગઈ. પ્રકૃતિમાં ક્યાંય પણ દ્વન્દ્ર ઊભું થતું નથી. માટે જ મોક્ષની સાધના કરનારા જગતમાં આંગળીના વેઢે ગણીએ તેટલા જ રહેવાના. કારણ, બંધન ખટકે તો સાધના કરે ને? પહેલી વાત તો એ કે બંધન ખટકતું નથી.
બંધન નથી જોઈતું એવો નિર્ણય જો થાય તો સાધના કરવા માટે સૂત્રો આપણી પાસે છે. આ બંધન ખટક્યા વિના જે કંઈપણ કરવામાં આવે છે તે આદત મુજબ, યાંત્રિક રીતે, પરંપરા મુજબ, મત માન્યતા મુજબ, કરવા ખાતર, લોકેષણાથી આપણે કરીએ છીએ.
એક ગહન તત્ત્વના ઊંડાણમાં આજથી આપણે પ્રવેશ કરવાનો છે. આત્મા છે, અને આત્મા નિત્ય છે. તેની સ્પષ્ટતા થઈ. જગતમાં એક દ્રવ્ય, એક વસ્તુ છે, એક તત્ત્વ છે કે જે પોતે છે અને તે નિત્ય પણ છે. હોવું એક વાત છે અને કાયમ હોવું બીજી વાત છે. તમે છો, માત્ર છો એમ નહીં, કાયમ છો. સંયોગો અને અવસ્થાઓ છે પણ કાયમ નહિ. પરંતુ તેને જોનારો કાયમ છે. દેખાય છે તે કાયમ નહિ પણ તેને જોનાર છે તે કાયમ છે. જોનારો કોઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org