________________
૧૨૦
પ્રવચન ક્રમાંક - ૫૦, ગાથા ક્રમાંક - ૬૨ પ્રેમનો, ધૃણાનો, સ્નેહનો, તિરસ્કારનો પાયો શરીર છે. જે કંઈપણ વ્યવસ્થા કરીએ છીએ તે દેહના પાયા ઉપર કરીએ છીએ.
જ્ઞાની પુરુષો હળવેથી અને ધીમેથી એક વાત આપણા કાનમાં કરે છે. તે આપણને જગાડનાર છે. ભાઈ ! તારા આ બધાનો આધાર આ શરીર પર છે. શરીરથી તને બધા ઓળખે છે, ઓળખનાર ઓળખે છે તેનો સંબંધ સ્થૂળ દેહ સાથે છે. બે દેહ વચ્ચે કે પાંચ, પચીસ દેહ વચ્ચે પ્રેમની, સ્નેહની, રાગ દ્વેષની, તિરસ્કારની જુદી જુદી ઘટનાઓ ઘટે છે, ત્યારે જ્ઞાની પુરુષ એક પાયાની વાત કરે છે કે ભાઈ ! આ દેહ માત્ર સંયોગ છે. અને આત્માને દેહનો સંયોગ થયા પછી દેહને અનેક સંયોગો થાય છે. તમને દેહનો સંયોગ થયો, તમે દેહમાં આવ્યા, જમ્યા પછી માતા, પિતા, પતિ, પત્ની, દેહ, ઘર, સંપત્તિ, વૈભવ વગેરેનો સંયોગ થયો. પ્રાપ્ત કરવું, મેળવવું, હતાશ થવું, દુઃખી થવું, ગુસ્સો કરવો કેટલું બધું થાય છે. આ કોના ઉપર? આ શરીરના આધાર ઉપર છે. પણ દેહ માત્ર સંયોગ છે અને સંયોગ પછી બીજો શબ્દ આવે છે અને તે છે વિયોગ. બે પદાર્થોનું થોડા ટાઈમ માટે મળવું તેનું નામ છે “સંયોગ'. મળેલા બે પદાર્થો ક્યારે અને ક્યારે, નિયત સમય પછી છૂટા પડવાનાં છે, છૂટા પડે છે તેનું નામ વિયોગ. જ્યાં સંયોગ અને વિયોગનો ખેલ નિરંતર ચાલે છે, તેને કહેવાય છે જગત.
જરા ઊંડાણમાં જઈએ. આત્મા અને કર્મનો પણ સંયોગ છે અને તે સંયોગ અનાદિકાળનો છે. સંયોગ છે તેથી એક મોટી સંભાવના છે કે વિયોગ પણ થઈ શકે, અને વિયોગ કરી પણ શકાય. મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ છે. કારણ આત્મા અને કર્મનો સંયોગ છે તે કર્મના સંયોગનો વિયોગ થઈ શકે છે. જેમ જ્ઞાન આત્માનો ગુણ છે, શ્રદ્ધા આત્માનો ગુણ છે, ચારિત્ર પણ આત્માનો ગુણ છે, તેમ કર્મ પણ જો આત્માનો ગુણ હોય તો કર્મ અને આત્મા છુટ્ટાં ન પડે. જ્ઞાન અને આત્મા, ચારિત્ર્ય અને આત્મા, શ્રદ્ધા અને આત્મા જુદા પડી શકતાં નથી, કારણ કે તેનો સંયોગ નથી, તે સ્વભાવ છે. સ્વભાવ જુદી વસ્તુ છે અને સંયોગ જુદી વસ્તુ છે. સ્વભાવ શું છે અને સંયોગ શું છે તે બન્નેને ઓળખી લો.
ફૂલમાં સુગંધ છે. ફૂલ જશે તો એ સુગંધ પણ જશે. ફૂલની માળા કાયમ નથી તે બનાવી છે તેમ સુગંધ બનાવી નથી. સુગંધ સ્વાભાવિક હોય છે. સુવાસ આવી રહી છે તે તેનો સ્વભાવ છે તેમ જ્ઞાન આત્માનો સ્વભાવ છે, કર્મ આત્માનો સ્વભાવ નથી. કર્મ અને આત્મા એકમેક લાગવા છતાં એક થઈ શકતાં નથી અને થવાનાં પણ નથી. અનાદિકાળથી સંયોગ છે પણ કર્મ અને આત્મા એકપણું પામશે નહિ. તમને થાય કે કર્મનો સંયોગ ભલે રહ્યો, તમારે તે રાખવાની ઇચ્છા હશે તો રહેશે. બાકી તમે જો નક્કી કરો કે અમારે સંયોગ નથી જોઈતો, આ સંયોગ રાખવો નથી તો કર્મો રહી શકશે નહિ.
અનાદિકાળથી આત્મા અને કર્મનો સંયોગ હોવા છતાં, જો તમે જાગો, જાગૃત થાઓ તો કર્મ અને આત્માનો વિયોગ થઈ પણ શકે છે. આત્મા અને કર્મના સંયોગનું નામ સંસાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org