________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
આત્માના આનંદ ગુણની અશુદ્ધ પર્યાય તે સુખ અને દુ:ખ છે.
આત્માનો જ્ઞાન પણ ગુણ છે. જ્ઞાનની વિકારી પર્યાય તે અજ્ઞાન. ફરીથી સમજી લેજો, ન જાણવું તે અજ્ઞાન નહિ પણ જ્ઞાનમાં મોહ ભળે અને જ્ઞાન અશુદ્ધ થાય તેને અજ્ઞાન કહેવાય. અશુદ્ધ જ્ઞાન તે અજ્ઞાન. જે આનંદમાં મોહ ભળે અને જે પર્યાય અશુદ્ધ થાય તે સુખ દુઃખની પર્યાય છે. તો કરવા જેવું શું રહ્યું ? કરવા જેવું એ રહ્યું કે જે બીજું ભળ્યું છે તે કાઢી નાખવું. તે કાઢી નાખવા સાચી સમજ પ્રાપ્ત કરવી.
જડની પાસે, પુદ્ગલ પાસે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દની મૂડી છે અને જ્યારે રૂપની વાત કરીએ ત્યારે બે ભાગ પડે સુરૂપ અને કુરૂપ. ગંધની વાત કરો ત્યારે બે ગંધ મળે સુગંધ અને દુર્ગંધ. રસની વાતમાં મધુર રસ અને કડવો રસ, સ્પર્શની વાતમાં મુલાયમ અને કઠોર, વજનની વાતમાં હળવું અને ભારે...આ બધી પુદ્ગલમાં થતી ઘટનાઓ છે. જૈનદર્શનને મઝાની વાત તો એ કરવી છે કે આ ચેતન એટલે તમે, તમે એટલે આત્મા. એ આત્મા જ્ઞાનથી જાણે છે. કોને જાણે છે ? રૂપને, રસને, સ્પર્શને, શબ્દને. આ સુરૂપ છે, કુરૂપ છે, સુગંધ છે, દુર્ગંધ છે, કડવો રસ છે, મધુર રસ છે, પોચું છે, કઠણ છે તેમ તે જાણે છે. પછી અંદરમાં ભાવ કરે છે. પહેલાં જાણે છે કે આ ગુલાબનું ફૂલ છે, પછી તે સુંદર છે, આ કાંટો છે, આ વજનદાર પથ્થર છે, આ હલકો પથ્થર છે, આ સુંદર બાળક છે, આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ કદરૂપો છે, આ સુરૂપ છે. આ બધું જાણે છે તે જ્ઞાન અને જાણ્યા પછી આત્મા ભાવ કરે છે. સામેનો પદાર્થ જડ હોય કે ચેતન તે કંઈ કરતો નથી, તે માત્ર જેમ છે તેમ છે, પરંતુ ભાવ આત્મા કરે છે. જડ પદાર્થમાં ભાવ થતો નથી. જડને જાણીને ભાવ આપણે કરીએ છીએ. જડ જડ રહે છે અને જડના નિમિત્તે ભાવ કરીને કર્મનું કારખાનું આપણે ચાલુ કરીએ છીએ.
આ ક્યાં ગરબડ થાય છે તે જુઓ. તમે અમથી વાત ન કરો. તમારે કર્મથી મુક્ત થવું છે ? મોક્ષ મેળવવો છે ? વિચારીને બોલો, સમજીને બોલો. તમે જોયું કે તમારી પાસે હજાર હજાર રૂપિયાની થપ્પી પડી છે, તમને આનંદ થાય, અંદરથી ગરમી આવી જાય. એક માણસ માગસર મહિનાની ઠંડીમાં કંઈ ઓઢ્યા વગર ચાલ્યો જતો હતો, બીજા માણસે પૂછ્યું કે ઠંડી નથી લાગતી ? તે કહે મારામાં ગરમી છે. શેની ગરમી ? ખીસ્સામાં હાથ રાખ્યો હતો. તેનામાં નોટોની ગરમી છે. નોટો પડી છે નોટોને ભાવ થતો નથી. પણ નોટોને જોઈને આપણને અંદર ભાવ થાય, તેને કહેવાય છે મોહ. નોટોને જોઈને આપણને અહંકાર થાય પણ જડ નોટોને અહંકાર થતો નથી. બીજા પાસે વધારે નોટો છે એવું થાય તેને કહેવાય ઈર્ષ્યા. જડ કહે છે, ભાઈ ! હું તમારી વચ્ચે આવતો નથી, તમે મને નિમિત્ત બનાવી તમારા ભાવને દુષિત કરો છો. માણસ એટલે ચૈતન્ય ભાવ કરે છે કે આ પ્રિય છે, આ અપ્રિય છે, આ અનુકૂળ છે, આ પ્રતિકૂળ છે અને એમાંથી એ વિકારો કરે છે, એ વિકારોને કહેવાય છે વિભાવ. વિભાવ બે શબ્દોમાં વર્ણવ્યો છે, એ બે શબ્દો છે રાગ અને દ્વેષ.
Jain Education International
૯૫
For Personal & Private Use Only
www.jainelibrary.org