________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૯૭
બૂમ ન પાડશો કે કર્મો અમને વળગે છે. કર્મ તો કહે છે કે અમે પીક્ચરમાં ઘણા મોડા આવીએ છીએ. તોફાન તમે કરી બેસો છો તેથી અમારે આવવું પડે છે, અમારો વાંક નથી. કોઈ ઠેકાણે તોફાન થાય અને પોલીસને ફોન કરો તો પોલીસ આવે તેમાં નવાઈ શું છે ? તોફાન થયું તો આવ્યા ને ? વિકારો થયા તો રાગ દ્વેષ થયા ને ? રાગ, દ્વેષ થયા તો કર્મો આવ્યા ને ? કાર્પણ વર્ગણા આવશે, સ્વાભાવિક છે. અને ત્યાંથી કર્મબંધની શરૂઆત થાય. કંઈ ખ્યાલમાં આવે છે ? આ સમજવું ટાળશો નહિ, આ ધડ બેસાડ્યા વગર, સમજ કેળવ્યા વગર ઠેકાણું પડશે નહિ. જ્ઞાની પુરુષોને ઠેકાણે પાડવા છે. તમારું ઠેકાણું મોક્ષ છે તેથી તમને મોક્ષ સુધી પહોંચાડવા છે. હું રીપીટ કરીને કહું છું. જડના નિમિત્તે આપણને ભાવો થાય છે. ધારો કે મીઠાઈનો કટકો પડ્યો છે. એ કકડાને કંઈ ભાવ થતો નથી. એ સુરતની ઘારી આપણને કહેતી નથી કે તમે મને ખાવ. આપણે તેની પાસે જઈને ટુકડો મોંમાં મૂકી કહીએ છીએ, વાહ ! મઝા આવી ગઈ. આનંદ આનંદ થઈ ગયો. ઓલી ઘારી બોલતી નથી. પુદ્ગલ કંઈ જ વચમાં આવતું નથી પણ પુદ્ગલને નિમિત્ત બનાવી વિભાવો આપણે કરીએ છીએ. દેવચંદજી મહારાજે પણ કહ્યું કે ‘જે વિભાવ તે પણ નૈમિત્તિક' નિમિત્તની હાજરીમાં જે થાય તેને કહેવાય નૈમિત્તિક. પુદ્ગલને નિમિત્ત બનાવીને રાગ દ્વેષ કરીએ છીએ. રાગ દ્વેષ તરફ જાવ એટલે તમે દુઃખ તરફ જઈ રહ્યા છો. પછી તેનો ઉપાય કહે છે.
‘જબ તુમ ઉનકુ દૂર કરીસા', જ્યારે તમે રાગ દ્વેષને દૂર કરશો - ‘તબ તુમ જગ કા ઈશા’, તે વખતે તમે જગતના ઈશ્વર થઈ જશો. જેમના રાગ દ્વેષ ગયા તે ઈશ્વર, ભગવાન, બ્રહ્મ, પરિપૂર્ણ, પરમાત્મા થયા. ‘જબ તુમ ઉનકુ દૂર કરીસા, તબ તુમ જગકા ઈશા’. આ નાનકડી કડીમાં મોક્ષમાર્ગ છે. જડમાં કોઈ જ ભાવો ઊઠતા નથી, તે કંઈ જાણતું નથી. આ બહેનો ઘરેણાં પહેરી વરઘોડામાં જાય છે. મનમાં થાય કે બધા ટીકી ટીકીને આ અમારા ઘરેણાં જોવે. ઘરેણાંને પૂછો કે બહેને તમને પહેર્યા તો બહેન રાજી થઈ પરંતુ તમે રાજી થયાં ? ઘરેણાં બોલતાં નથી પણ જો તેઓ બોલતાં હોય તો તેઓ કહે કે ‘અમને તિજોરીમાંથી કાઢ્યાં, તો ભલે કાઢ્યાં, પહેર્યાં તો ભલે પહેર્યા, તિજોરીમાં મૂક્યાં તો ભલે મૂક્યાં, અમારે શું લેવા દેવા'. રાગદ્વેષનાં તોફાન આપણે કરીએ છીએ. ઘોડાને વરઘોડામાં દાગીના પહેરાવી શણગારો તો પણ ખુશ નહિ અને ઘરેણાં ઉતારી લો તો પણ નાખુશ નહિ. જડમાં ભાવો ઊઠતાં નથી કારણ કે સંવેદનશીલતા તેમનો સ્વભાવ નથી. ચેતન અજ્ઞાન દશામાં ભાવો કરે છે અને ભાવથી કર્મબંધ થાય છે, એટલે ભોગવટો પણ કરવો પડે છે.
હવે જ્ઞાની પુરુષોનું કહેવું છે કે તેનાથી જીવનમાં સાત અવસ્થાઓ આવે છે. પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. જગતમાં જેટલી અવસ્થાઓ છે, એ તમામ અવસ્થાઓનો સમાવેશ આ સાતમાં થાય છે. તથા જીવ અને અજીવ ગણીએ તો નવ તત્ત્વો થાય. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. આ છે નવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org