________________
૧૦૦
પ્રવચન ક્રમાંક - ૪૮, ગાથા ક્રમાંક - ૫૮-૫૯
પ્રવચન ક્રમાંક - ૪૮
ગાથા ક્રમાંક - ૫૮-૫૯
અદ્ભુત સાધના
આત્માની શંકા કરે, આત્મા પોતે આપ;
શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ. (૫૮) ટીકાઃ આત્માની શંકા આત્મા આપે પોતે કરે છે. જે શંકાનો કરનાર છે, તે જ આત્મા છે. તે જણાતો
નથી, એ માપ ન થઈ શકે એવું આશ્ચર્ય છે. (૫૮)
આત્મા છે” એ પદનું છેલ્લું સૂત્ર, અંતિમ સૂત્ર. કોઈપણ તત્ત્વજ્ઞાનની વાતને બાજુ પર મૂકી સરળ અને સીધી વાત પરમકૃપાળુદેવને કરવી છે. એમને કહેવું છે કે “આત્મા નથી' એમ કોણ કહે છે? આત્મા નથી તેવું સંવેદન કોનામાં થાય છે? આત્મા નથી તે ભાવ કોનામાં ઊઠે છે? આત્મા નથી તે સ્વીકાર કોણે કર્યો? અથવા આત્મા નથી તે કહેનાર કોણ છે? શરીર? શરીર કહે છે કે આત્મા નથી? ઈન્દ્રિયો કહે છે કે આત્મા નથી? મન કહે છે કે આત્મા નથી? બુદ્ધિ કહે છે કે આત્મા નથી? ના. બુદ્ધિ સ્વયં પ્રકાશિત નથી. તો ધ્વનિ ક્યાંથી આવે છે? કોણ કહેનાર છે કે આત્મા નથી ? કોઈક તો કહે જ છે ને ? એ જે કહે છે તે જ આત્મા છે. બહુ અદ્ભુત વાત કરી. આત્મા નથી તેવું કહેનાર જ આત્મા છે.
આત્માની શંકા કરે, આત્મા પોતે આપ;
શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ. (૫૮) આત્માની શંકા કરનાર ખુદ આત્મા છે. શંકા શરીરને થતી નથી. આત્માની શંકા ઈન્દ્રિયોને થતી નથી. તમે પૂછો કે શરીરને કેમ શંકા થતી નથી? શંકા થવી તે જ્ઞાનનું કાર્ય છે. જ્ઞાન હોય ત્યાં શંકા પણ થાય અને જ્ઞાન હોય ત્યાં સમાધાન પણ થાય. તો જ્ઞાન કોનો સ્વભાવ છે? તે જડનો સ્વભાવ નથી. જડ તો કંઈ જાણતું નથી. જડમાં જાણવાની ક્ષમતા નથી. તિજોરીની ચાવી ખોવાઈ જાય અને માલિક શોધવા નીકળે કે મારી ચાવી ક્યાં? ચાવી ક્યાં? તિજોરીની ચાવીને ખબર પડે છે કે મારો માલિક મૂંઝવણમાં છે, મને શોધે છે તો હું ઝટ જાઉં તેની પાસે? તેને કશી જ ખબર નથી. તે તો જ્યાં છે ત્યાં જ છે. અંતે ખીસ્સામાંથી જ મળી. તો આપણને થાય કે આટલી ગોતાગોત કરી પણ બોલી કેમ નહિ કે હું ખીસ્સામાં છું, પણ ન બોલે - જ્યાં જ્ઞાન છે ત્યાં સમજ છે, જ્યાં જ્ઞાન છે ત્યાં શંકા છે, જ્યાં જ્ઞાન છે ત્યાં સમાધાન છે. શંકા અને સમાધાન, સંદેહ અને સ્વીકૃતિ આ બધી પ્રક્રિયાઓ જ્ઞાન વગર થતી નથી. શંકાનો અર્થ એ કે વસ્તુ છે કે નહિ તેના માટે મૂંઝવણ. મૂંઝવણ જ્ઞાન વગર ન થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org