________________
૧૧૦
પ્રવચન ક્રમાંક - ૪૯, ગાથા ક્રમાંક - ૬૦-૬૧ જરા જુદી રીતે, જુદા સંદર્ભમાં એમ કહેવામાં આવ્યું છે કે “શાસ્ત્ર સર્વે કહ્યા વિશેષે, જીવ કરવા નિર્મળો. સાબુ કપડાંનો મેલ કાઢવા, પાણી તૃષાને છિપાવવા માટે છે, તેમ શાસ્ત્રો આત્માને નિર્મળ કરવા માટે છે. જ્ઞાન મળવું તે આનુસંગિક પરિણામ છે. ખેતરમાં અનાજ વાવો અને ઘાસ આજુબાજુમાં ઊગી જાય તે આનુસંગિક લાભ છે. કોઈ ખેડૂત ઘાસ માટે અનાજ વાવતો નથી, એ તો સાથે આવતું પરિણામ છે. તેમ જ્ઞાન મળવું તે શાસ્ત્રનું આનુસંગિક પરિણામ છે, પણ શાસ્ત્રનું ખરું પરિણામ જીવ નિર્મળ થાય તે છે. પોતાના આત્માને નિર્મળ કરવા માટે શાસ્ત્ર છે. તે નિર્મળતા કેવી રીતે લાવવી, તેની પ્રક્રિયા બતાવવા માટે શાસ્ત્રો કહ્યાં છે. ઉપા.યશોવિજયજી મહારાજે ૧૨૫ ગાથાના સ્તવનમાં કહ્યું કે,
રાગ દ્વેષ મળ ગાળવા, ઉપશમ જલ ઝીલો, આતમ પરિણતિ આદરી, પરપરિણતિ પીલો,
આતમ તત્ત્વવિચારીએ. (૩૮) રાગ અને દ્વેષ એ મેલ છે. આત્મા વસ્ત્ર છે અને તે મેલના કારણે આત્મા મલિન થયો છે, આ મેલને દૂર કરવા માટે સમતારૂપી પાણી જોઈએ. સમતારૂપી પાણીમાં બોળીને જ્ઞાનરૂપી સાબુ ઘસવો પડે, તો આત્મા નિર્મળ થાય.
રાગદ્વેષ મળ ગાળવા ઉપશમરૂપ પાણીમાં ઝીલો-સ્નાન કરો. જ્ઞાનરૂપી સાબુ ત્યાં તમારા કામમાં આવશે. એક વાત એ પણ સમજી લ્યો કે કપડાંને સાફ કરવા માટે સાબુ લગાડવો પડે. સાબુ લગાડી પાંચ દસ મિનિટ રાખી મૂકે, પછી સાબુ અંદર ઊતરે પછી બરાબર ઘસે, પછી એ સાબુને પણ કપડાંમાંથી કાઢવો પડે. સીધી રીતે સાબુ ન નીકળે તો ધોકો લઈને પણ કાઢવો પડે છે. તેમ શબ્દ જ્ઞાન સાબુ છે, તેને વૈરાગ્યનો ધોકો લઈને કાઢવો પડશે.
જ્ઞાન ઉપયોગી છે, તે મહત્ત્વનું સાધન છે. જ્ઞાન તે જીવનમાં અત્યંત સહયોગ આપનારું છે, પરંતુ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આગળ જવાનું છે. જાણી જાણીને કરીશું શું? “જાણ્યું તો તેનું ભલું, મોહે નવિલેપાય'. જેણે જાણ્યું છે, તે જાણ્યા પછી જીવનમાં જીવવા લાગે. એ પ્રયોગ કરે, આત્મસાત્ કરે, જીવનમાં ઉતારે, એ કામ સાધકને કરવું પડે છે. ત્યાંથી નિર્મળતાની શરૂઆત થાય છે. તે નિર્મળતા પ્રાપ્ત કરવા શાસ્ત્રો ઉપયોગી છે.
અત્યાર સુધી જીવે શાસ્ત્રો વાંચ્યાં હશે, પણ મારું ખરેખર સ્વરૂપ કેવું છે આ નિર્ણય એણે કર્યો નથી. આજે પણ કર્યો કે નથી કર્યો તે તમે જાણો. ખરેખર વસ્તુનું સ્વરૂપ હોવું તે એક વાત અને વસ્તુનું સ્વરૂપ જાણવું તે બીજી વાત. પહેલી વાત એ કે આત્મા વસ્તુ છે. પરંતુ શિષ્ય કહે છે કે અમને એ કહો કે આત્મા ક્યાં સુધી રહેવાનો છે? જેના ઉપર ઈમારત ચણવાની છે તે જમીન તમારી ક્યાં સુધી છે? કોઈ આપણને કહે કે આ જમીન તમારી અને તમે તેના ઉપર ઈમારત ચણી શકો છો, પરંતુ કાયમ માટે જમીન આપણી છે તે પ્રથમ નક્કી કરવું પડે છે. જો જમીન કાયમ માટે આપણી ન હોય તો મકાન ચણવાનો અર્થ શું છે? ધર્મની ઈમારત જેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org