________________
૭૨
પ્રવચન ક્રમાંક - ૪૪, ગાથા ક્રમાંક - ૫૪ દિવાળી આવી રહી છે, તમે જૂનાં કપડાં ઉતારી નાખવાના અને નવાં કપડાં પહેરવાના. જુના ઉતારશો, નવા પહેરશો એમાં તમે કંઈ બદલાશો? કપડાં બદલાયાં પરંતુ તમે તો તેના તે જ છો. કપડાંના બદલાવાથી તમે બદલાઈ જતાં નથી. તમે તો એના એ જ છો. આ બધી અવસ્થાઓમાં એ ન્યારો જણાય અને એ બધી અવસ્થાઓ બાલ્યાવસ્થા યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા આદિને જાણે છે. - છેલ્લો શબ્દ – પ્રગટરૂપ ચૈતન્યમય. શિષ્ય ! તું એમ કહે છે ને કે આત્મા જણાતો નથી. અરે ! આત્મા તો પ્રગટ છે. આ રહ્યો આત્મા. આત્મા તો પ્રગટ છે. કઈ રીતે? તે ચૈતન્યમય છે એટલે એ બધાને જાણે છે, જાણ્યા જ કરે છે. એણે બાલ્યવસ્થાને જાણી, યુવાવસ્થાનેજાણી, વૃદ્ધાવસ્થાને જાણી, જાગૃત, સુષુપ્ત અને સ્વપ્ન અવસ્થાને પણ જાણી, ક્રોધને જાણ્યો, અહંકારને જાણ્યો, રાગને જાણ્યો, શુભભાવ, અશુભભાવ અને શુદ્ધભાવને પણ જાણ્યો. દેહને જાણ્યો, કર્મને જાણ્યાં; ભાવકર્મને પણ જાણ્યાં. સૌને જાણનાર એ બેઠો છે અને સૌથી અલગ છે. એ એની સત્તા છે, “પ્રગટરૂપ ચૈતન્યમય', એ પ્રગટ છે. તું એમ કહે છે ને કે આત્મા જણાતો નથી પણ તે “પ્રગટ રૂપ' એનો ચૈતન્યમય સ્વભાવ પ્રગટ છે, એનું સ્વરૂપ ચૈતન્મય છે તેથી તે પ્રગટ છે. ચૈતન્ય એટલે-જ્ઞાન, ચિતિ, ચેતના, જાણવું અને જોવું, આ પ્રક્રિયા જેનામાં થાય છે તેને કહેવાય છે ચૈતન્ય. આ ચૈતન્ય જાણ્યા જ કરે છે, જાણ્યા જ કરે છે, સદાકાળ જાણ્યા જ કરે છે. આવો જાણ્યા કરવાનો જેનો સ્વભાવ છે તે આત્મા છે. અને જાણ્યા કરવું તે એંધાણ છે. આ શુદ્ધ કાઠિયાવાડી શબ્દ છે – “એ એંધાણ સદાય', એંધાણ એટલે ચિન્હ, એંધાણ એટલે લક્ષ, એંધાણ એટલે નિશાની. “પ્રગટરૂપ ચૈતન્યમય” એ આત્માનું સદાય ટકનારું એંધાણ છે. એવા આત્માને હે શિષ્ય ! તું જાણ.
આગળની ગાથા ૫૫ અને ૨૬ બે ગાથાઓમાં પરમકૃપાળુદેવ વિનોદ પણ કરે છે ને વિનોદ કરી મીઠો ઠપકો આપે છે. મારે આ ગાથાઓ સમજાવવામાં ઉતાવળ કરવી નથી. કારણ કે એક એક શબ્દને જુદો જુદો જોવો છે, પૃથક્કરણ કરવું છે. મારે કહીને છૂટવું નથી, પરંતુ તમારા હૈયામાં ઉતારવું પણ છે. અને જે દિવસે હૈયામાં જશે તે દિવસે અમારા આનંદનો પાર નહિ રહે.
ધન્યવાદ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ.દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org