________________
૭૮
પ્રવચન ક્રમાંક - ૪૫, ગાથા ક્રમાંક - ૫૫-૫૬ સરળ ભાષામાં આ ધોનીની બેટીંગ કરે છે. કેવી અદ્દભુત બેટીંગ ? અરે, ઘટપટ આદિ જાણ તું. તર્કશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રમાં આ બે જ શબ્દો વારે વારે આવે છે. ઘટ એટલે માટીમાંથી બને છે તે અને પટ એટલે કપડું. ટૂંકમાં, જગતમાં જુદી જુદી અસંખ્ય વસ્તુઓ છે, કાપડીયાની દુકાને જાઓ તો કેટલા પ્રકારનાં કપડાં? ઝવેરીની દુકાને જાઓ તો કેટલા પ્રકારના દાગીના ? બુટ ચંપલની દુકાનમાં જાઓ તો ઘણા પ્રકારના બુટ ચંપલ. આ જગતમાં વેરાયટી છે. બધા પદાર્થો છે. હે શિષ્ય ! તું ઘડાને જાણે છે, તે કપડાંને જાણે છે. તું જુએ છે ને ? તો તું ચૈતન્યમય છો ને? તું પ્રત્યક્ષ છો ને? તું જાણનાર છો ને? તું પ્રત્યેક સમયે જાણે છે. જાણવાનું કામ તું કરે છે ને? ટૂંકમાં જગતની બધી વસ્તુઓને તું જાણે છે. ઘરમાં જાવ તો નથી જાણતા કે આ સોફા, આ ટી.વી., આ ચંપલ, આ બરણી, આ અથાણું, આ શાલ. આ તો થોડા ઘણાં નામ લીધાં પણ હજારો વસ્તુ છે અને તેને તમે જાણો છો, અને જાણો છો એટલે માનો છો. તમને કહેવું નથી પડતું કે તમે માનો. ઘટ પટ આદિ જાણ તું તેથી તેને માન. દલીલ કરવી જ પડતી નથી. થાળીમાં શીરો પીરસે અને પછી રાંધનારીને કહેવું પડે કે આને શીરો કહેવાય? શીરો જ છે, જોયું, જાણું અને અનુભવ્યું. અમને આશ્ચર્ય થાય છે કે કપડાંને, ઘડાને અને એવી અસંખ્ય વસ્તુને તું જાણે છે અને તેને છે એમ માને છે પણ નવાઈ તો અમને ત્યાં થાય છે કે જાણે છે તેને માને છે પરંતુ જાણનારને માનતો નથી? અંદર જાણનાર બેઠો છે તેને માનતો નથી ? અદ્ભુત વાત કરી છે. જે જાણનાર બેઠો છે તેની ના પાડે છે. ઘડો જોયો, કપડું જોયું, મકાન જોયું, ઘરેણાં જોયાં, જોયું તે બધું માન્યું. પણ અંદર જાણનારો બેઠો છે તેને માનતો નથી તે કેવી વાત કહેવાય? દીકરાને માન્યો પણ બાપને માનતો નથી ? બાપ છે તો દીકરો છે. કદાચ હાજર નહિ હોય, મરણ પામ્યો હશે પણ હશે તો ખરો જ ને? ન હોય તેવું બને નહિ. તું જાણનાર છે, તું જેને જાણે છે તેને માને છે પણ તે વખતે તારામાં જાણનાર જે બેઠો છે તેને માને નહિ તે તારું જ્ઞાન કેવું કહેવાય? ભારે ઠપકો આપ્યો.
શાસ્ત્રોને બાજુએ મૂકો, પાંચ મિનિટ, તર્ક અને વાદ વિવાદને બાજુ પર મૂકો. રોજ બરોજના જીવનમાં સરળ ઘટના ઘટે છે તેમાંથી બોધ લો. જગતમાં ઘણા પદાર્થો છે, તેને જાણો છે તેથી માનો છો, લમણાફોડ કરવી પડતી નથી. જમવામાં મીઠાઈ પીરસી હોય તો કહેવું પડતું નથી. મીઠાઈ છે તે જાણો છો અને માનો છો, અને દબાવીને ખાઓ છો. તે વખતે કોઈને પૂછીને નક્કી કરો છો કે આ મીઠાઈ કેમ છે? બીજું કેમ નહિ? કંઈ દલીલ કરતા નથી. અમારો વાંધો ત્યાં છે કે હે શિષ્ય ! તું જેને જાણે છે તેને માને છે, પણ જેનાથી તે વસ્તુ જણાય છે તે જાણનારને માનતો નથી, તું એનો ઈન્કાર કરે છે? તું એની ના પાડે છે? અમને નવાઈ લાગે છે કે આ તારું જ્ઞાન કેવું કહેવાય? માટે આત્મા છે એમ નક્કી થાય છે. શિષ્ય કહ્યું હતું કે “અથવા દેહ જ આત્મા છે.” આત્મા છે તે શબ્દ સ્વીકારી લઈએ પણ સાહેબ શરીર છે તે જ આત્મા છે. આત્મા બીજો નથી. હવે તેનો જવાબ આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org