________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૫
ગાથા ક્રમાંક - ૨૧
પ્રવચન ક્રમાંક - ૪૧
આત્મબોધ એટલે શું?
જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ;
અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. (૫૧) ટીકાઃ તે આત્મા દૃષ્ટિ એટલે આંખથી ક્યાંથી દેખાય? કેમ કે ઊલટો તેનો તે જોનાર છે.
સ્થૂળસૂક્ષ્માદિ રૂપને જે જાણે છે, અને સર્વને બાધ કરતાં કરતાં કોઈપણ પ્રકારે જેનો બાધ કરી શકાતો નથી એવો બાકી જે અનુભવ રહે છે, તે જીવનું સ્વરૂપ છે. (૫૧)
પારમાર્થિક સાધના, આધ્યાત્મિક સાધના જેને કરવી છે તેણે બે કાર્ય કરવાં પડશે, એક અંત:કરણની, મનની, ચિત્તની શુદ્ધિ અને બીજો અતીન્દ્રિય તત્ત્વનો યથાર્થ નિર્ણય. આ નિર્ણય કરવો કઠિન છે કારણ કે આજના વિજ્ઞાનના સાધનો તથા આપણા જે જ્ઞાનના સાધનો શરીર, ઈદ્રિયો, પ્રાણ, મન બુદ્ધિ વગેરે કામ આપી શકતાં નથી. આપણા તમામ સાધનો તે અતીન્દ્રિય તત્ત્વને જાણવા નિષ્ફળ જાય છે, છતાં નિર્ણય કર્યા વગર ચાલે તેમ નથી, તે તત્ત્વને જાણવું અત્યંત અનિવાર્ય છે.
આધ્યાત્મિક જગતમાં સૌથી મોટી મુશ્કેલી જો કોઈપણ હોય તો જ્ઞાની પુરુષો જેની વાત કરે છે એ તત્ત્વ ધૂળ સાધનો દ્વારા પકડી શકાતું નથી, તો સાધક માટે ઉપાય એ છે કે જેમણે પોતાના જીવનમાં સ્વાનુભવ કર્યો છે, પ્રતીતિ કરી છે, જેમણે જાણ્યું છે, અનુભવ્યું છે તેમના શબ્દો-વચનો તેને ચિંતન માટે ઉપયોગી થઈ પડે છે.
આ શાસ્ત્ર સર્વ કહ્યાં વિશેષે, જીવ કરવા નિર્મળો,
જિનવર કહે છે જ્ઞાન તેને ભવ્ય સર્વે સાંભળો. ચિંતન માટે અહીં શાસ્ત્રની જરૂર છે, શાસ્ત્રમાં શબ્દો જ છે, પણ સામાન્ય માણસના શબ્દો નથી. જેમણે પોતાના જીવનમાં પ્રગટપણે અતીન્દ્રિય તત્ત્વનો અનુભવ કર્યો છે, અને તે અનુભવને શબ્દોમાં વ્યક્ત કર્યો છે અને તેની જે રચના થઈ છે તે શાસ્ત્ર છે. શાસ્ત્રો શબ્દોની રમત નથી, શબ્દોનો ખેલ નથી, પણ અનુભવનો આસ્વાદ છે. અતીન્દ્રિય તત્ત્વનો અનુભવ જેમણે કર્યો છે, એમના શબ્દો સાધક પોતાના આત્મતત્ત્વના નિર્ણયમાં વાપરી શકે, અને ઉપયોગી બનાવી શકે. આપણને આ પ્રક્રિયા અઘરી તો લાગે છે. પરંતુ અતીન્દ્રિય સૃષ્ટિમાં આપણે પ્રવેશ કરવો છે, તેથી પ્રક્રિયામાં ઢળવું પડશે.
ગાથા ૫૧થી આપણે ઈન્દ્રિયો અને મનની સ્થૂળ ભૂમિકા પરથી વધુ ઊંડાણમાં જઈએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org