________________
પ્રવચન ક્રમાંક - ૪૨, ગાથા ક્રમાંક - પર તમામ પ્રકારના જ્ઞાનતંતુઓ છે, કડવું જાણનાર જુદાં, તીખું જાણનાર જુદાં, મીઠું અને ખાટું જાણનાર જુદાં. આ જીભની આજુબાજુમાં તમામ સેલ્સ, બધા જ્ઞાન તંતુઓ ગોઠવાઈ ગયા છે. મીઠું જાણવું હોય ત્યારે એ જ જ્ઞાનતંતુઓ કામ કરશે ત્યારે તીખું જાણનાર કામ નહિ કરે. એમ આખો વિભાગ વહેંચાઈ ગયો છે, તો ઈન્દ્રિયો જાણે છે તેમ આપણે ઉપચારથી કહીએ છીએ પરંતુ તે જાણતી નથી પણ જાણનારને જાણવાની પ્રક્રિયા કરતી વખતે ઉપયોગી સાધન છે.
માટે કહ્યું કે પ્રત્યેક ઈન્દ્રિયોને પોતપોતાનું ક્ષેત્ર છે. એ ક્ષેત્રની બહાર ઈન્દ્રિય જઈ શકતી નથી. પણ ઘટના એવી ઘટે છે કે અંદર કોઈ એવું તત્ત્વ છે જે પાંચે ઈન્દ્રિયોના વિષયોને પૂરેપૂરું જાણે છે. એ રૂપને પણ જાણે, રસને પણ જાણે, ગંધને જાણે અને સ્પર્શને પણ જાણે છે. દા.ત. સફરજન હાથમાં લીધું હોય તો સ્પર્શ થાય કે લીસું છે. આંખથી ખબર પડે કે તે આવા રંગનું છે, તમને નાકથી ગંધની ખબર પડી, અને મોઢામાં એક ચીર મૂકી તો સ્વાદની પણ ખબર પડી. આમ જુદી જુદી ઈન્દ્રિયો જુદી જુદી બાબતને જાણે છે. પરંતુ એક સાથે તમામ બાબતોને જાણવાનું કામ જે કરે છે તે પાંચે ઈન્દ્રિયોથી જુદો છે. જાણનાર જુદો જ છે. જરા સમજવા કોશિશ કરજો. જનમ્યા ત્યારથી માંડીને મરીએ ત્યાં સુધી આ સીસ્ટમ, આ રીત, આ પદ્ધતિ કામ કરે છે. પરંતુ આપણે મરીએ ત્યાં સુધી આ પદ્ધતિને જાણતા નથી. જાણો તો ખરા કે આ બધું કઈ રીતે થાય છે? તો કૃપાળુદેવનું એમ કહેવું છે કે –
છે ઈન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન,
પાંચ ઈદ્રીના વિષયનું પણ આત્માને ભાન. અહીં જ્ઞાન શબ્દ વાપરવો પડ્યો. પરંતુ પરમકૃપાળુદેવે છેલ્લે ખુલાસો કર્યો કે આ ઔપચારિક છે, વાસ્તવિક નથી. ઈન્દ્રિયોમાં જાણવાની ક્ષમતા નથી. જાણનાર જાણતો હોય ત્યારે તેને ઉપયોગી થવાની ક્ષમતા ઈન્દ્રિયોમાં છે. સ્વતંત્રપણે જાણવાની ક્ષમતા ઈન્દ્રિયોમાં નથી. ગઈકાલે મેં કહ્યું હતું કે કોઈ વ્યક્તિ મરણ પામી હોય (જોનાર-જાણનાર ચાલ્યો ગયો હોય,) તે વખતે આજુબાજુનાં લોકો કહેશે, એક વખત આંખ ઉઘાડી તમારા દીકરાને જુઓ તો ખરાં, પણ પપ્પા જુવે કેવી રીતે ? આંખ તો છે પણ આંખ દ્વારા જોનાર નથી. આંખ દ્વારા જોનાર જુદો હતો, તે આંખ દ્વારા જોતો હતો, જાણતો હતો. તો જોવું એ આંખનું કાર્ય નથી. જાણવું જોવું તે અંદરમાં ઈન્દ્રિયોથી પર રહેલાં આત્મતત્ત્વનું કામ છે. અંદર કોઈ સંકલન કરનાર બેઠો છે. જેમ મોટી ઓફિસ હોય અને સો માણસનો સ્ટાફ હોય તો એ બધામાં એક મેનેજિંગ ડીરેક્ટર, મુખ્ય અધિકારી હોય તેનું કામ શું હોય? બધાનું સંકલન કરવાનું કામ તેનું છે. બધા સમાચાર તેની પાસે આવે, બધા ફોન તેની પાસે આવે, બધા માણસો તેને મળે. બધાની ફાઈલો તેની પાસે આવે. આ બધાનું સંકલન કરી ઉકેલ કરવાનું કામ તેનું છે. કામ કરનાર દસ ઊભાં હોય પરંતુ દસે વિભાગનું સંકલન કરનાર એક મુખ્ય માણસ છે. પાંચ ઈન્દ્રિયો છે તે પાંચે ઈન્દ્રિયોને જાણનાર અંદર બેઠો છે, જે પાંચ ઈન્દ્રિયોથી જુદો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org