________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૫૧ તમે આવો વિચાર જિંદગીમાં ભલે ન કર્યો, પણ કરવા જેવો છે કે આમાં કઈ પદ્ધતિ કામ કરે છે. ફરીથી, ગેરસમજ ન થાય તે માટે કહું છું કે ઈન્દ્રિયો માત્ર સાધન છે,. સાધન એટલે સાધન. સાધનથી વધારે તેનું કોઈ મૂલ્ય નથી. સાધનને કેમ વાપરવું તે સાધનને ખબર નથી, તે તટસ્થ છે. તલવાર પડી છે. દુશ્મનને ખતમ કરવો કે ખતમ ન કરવો તેનો નિર્ણય ક્ષત્રિય કરશે. તલવાર તે સાધન છે. તે જેના હાથમાં આવી તે વાપરશે. ઈન્દ્રિયો જાણવાનું સાધન છે. જાણનારો ઈન્દ્રિયોનો ઉપયોગ કરીને જાણે છે અને તે ઈન્દ્રિયોથી જુદો છે. ઈન્દ્રિયોને પાંચ પ્રાણ કહ્યાં. તે આપણી મોટી મૂડી છે. પરંતુ એક અવસ્થા એવી છે કે જે અવસ્થામાં તમે ઈન્દ્રિયોની મદદ વિના બધું જ જાણો, સમગ્ર જગતને જાણો, ચૌદ રાજલોકને તથા તેનાં સમગ્ર પદાર્થને જાણો. એની અવસ્થાઓને પણ જાણો, છતાં ઈન્દ્રિયોની જરૂર નહિ. એવી અવસ્થાને તત્ત્વજ્ઞાનની પરિભાષામાં કૈવલ્યજ્ઞાન કહેવાય છે. કેવલજ્ઞાનીઓ પાસે ઈન્દ્રિયો હોય છે. સર્વજ્ઞ પુરુષો પાસે ઈન્દ્રિયો હોય છે પણ તેમને ઈન્દ્રિયો વાપરવાની જરૂર પડતી નથી. કારણ શું? કારણ કે તેમને જ્ઞાનની ક્ષમતા પ્રગટ થઈ છે. જ્ઞાની સાધન વગર બધું જાણે છે અને જાણ્યા જ કરે છે. કેવળજ્ઞાનમાં જગતનાં બધા પદાર્થો સમાઈ જાય છે. તેમની પાસે ઈન્દ્રિયો છે ખરી પણ તેમને ઈન્દ્રિયોનો ઉપયોગ કરવો પડતો નથી.
આપણી પાસે ઈન્દ્રિયો છે પરંતુ જો તેમાં ગરબડ થઈ તો વ્યવસ્થા વિખરાઈ જાય છે. મોતિયો આવ્યો, બરાબર દેખાતું નથી, લોકો આંખ ઉપર હાથ રાખી જોવે છે ને કહે છે કે મોતિયો આવ્યો છે, દેખાતું નથી. કાનથી સંભળાતું નથી, બહેરાશ આવી ગઈ છે. હાથ ધ્રુજી રહ્યાં છે. ચીકન ગુનિયાએ સાંધા પકડી લીધાં છે. તો આ જે કંઈ થાય છે તે સાધનમાં થાય છે. સાધનની એક મર્યાદા છે. જાણનારને જાણવાની પ્રક્રિયામાં મદદરૂપ થવાની, ઉપયોગી થવાની ક્ષમતા જેનામાં છે તેને કહેવાય છે ઈન્દ્રિયો. આ પાંચ ઈન્દ્રિયોની વાત થઈ, તે પાંચ પ્રાણ, પછી વાણીનું બળ, મનનું બળ અને શરીરનું બળ એમ આઠ પ્રાણ અને શ્વાસોચ્છવાસ એ નવમો પ્રાણ અને આયુષ્ય એ દસમો પ્રાણ. ગાડીમાં બધું હોય પણ પેટ્રોલ ન હોય તો ગાડી ન ચાલે તેમ આપણા જીવનમાં શ્વાસોચ્છવાસ વગર જીવાતું નથી. એ જ આપણને જીવાડે છે.
આયુકરમ લે ઘરકા ભાડા, દિન દિન કરકે લેખા, મહતલ પૂગ્યા પલક ન રાખે, ઐસા બડા અદેખા, ચેતનરામ સયાને જૂઠા ભરમભૂલાને વાલા.
આયુષ્ય કર્મ તે નક્કી કરી આપે છે કે આટલા વર્ષ સુધી તમારે આ શરીરમાં રહેવાનું છે. તમે જે મકાનમાં રહો છો તે ઘર અને બીજું શરીરરૂપી ઘર, આ બંને ઘરની મર્યાદા નક્કી છે. આયુકર્મ જે છે તે રોજ રોજનો હિસાબ લખી નાખે છે, અને રોજનું ભાડું વસુલ કરી નાખે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org