________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૪૯
જગતમાં સુંદર, અસુંદર, રૂપાળાં, ઓછાં રૂપાંળાં વિગેરે અનેક પ્રકારનાં રૂપ છે પણ તેનો રૂબરૂ પરિચય કોણ કરશે ? શેના દ્વારા તમે જાણશો ? વચમાં કોઈ સાધન જોઈશે. એ સાધન છે આંખ. આ આંખ દોઢ ઇંચની જગ્યા રોકે છે, વધારે જગ્યા રોકતી નથી. દોઢ ઇંચની જગ્યા રોકનારી આંખ ઓગણત્રીસ હજાર ફૂટ ઊંચા હિમાલયને જોઈ શકે છે. આ આંખમાં આખો હિમાલય સમાય છે ને ? પચાસ માળનું મકાન જોવા પચાસ ફૂટ લાંબી આંખ જોઈતી નથી. રૂપના સંબંધમાં, રૂપના સંપર્કમાં આવવાનું કામ આંખ કરે છે. આંખ રૂપનો સંપર્ક કરે પણ રૂપને જાણી ન શકે. આ ગાથામાં ઘણી બધી સ્પષ્ટતા કૃપાળુદેવને કરવી છે.
અંબાલાલભાઈની ટીકા પહેલાં જોઈ લઈએ એટલે વાત આપણને સ્પષ્ટ થઈ જાય. ‘કર્ણેન્દ્રિયથી સાંભળ્યું તે કર્ણેન્દ્રિય જાણે છે, પણ ચક્ષુ ઈન્દ્રિય તેને જાણતી નથી અને આંખે જે જોયું છે તે કાન જાણતા નથી. સૌ ઈન્દ્રિયોને પોતાના વિષયનું જ્ઞાન છે (આ જ્ઞાન શબ્દ છેલ્લે બદલાઈ જવાનો છે. આ શબ્દ પૂરો નથી.) પણ બીજી ઈન્દ્રિયોના વિષયનું જ્ઞાન નથી.' ઈન્દ્રિયો પાંચ છે અને તે પાંચે પાંચ ઈન્દ્રિયોનો એરિયા નક્કી થઈ ગયેલ છે. તેનું ક્ષેત્ર નક્કી થઈ ગયેલ છે. તેમના ક્ષેત્રમાં તેઓ કામ કરી શકે, બીજાના ક્ષેત્રમાં એ ઈન્દ્રિયો કામ કરી શકે નહિ. આપણે ઘરમાં કંઈક અગવડ હોય તો પાડોશીઓને કહીએ છીએ કે અમને મદદ કરજો. આજે અમે તમારે ત્યાં જમીશું. આંખ, કાન, નાક પાડોશી છે, નજીકમાં જ છે. ધારો કે આંખમાં કંઈ તકલીફ થઈ તો આંખ કાનને કહેશે કે દોસ્ત ! બે ચાર દિવસ જોવાનું કામ કરી આપોને ! આપણે પાડોશી છીએ અને ચાર આંગળ જ છેટા છીએ. કાન કહેશે, ‘સાહેબ ! આપણા વચ્ચે કંઈ સંબંધ છે જ નહિ, ધારો કે સંબંધ હોય તો પણ મારું કામ હું જ કરું. આંખ ! તારું કામ હું કરી શકીશ નહિ. મારું ક્ષેત્ર, મારો વિષય શબ્દો છે અને રૂપ તે તારું ક્ષેત્ર છે, તારો વિષય છે. રૂપના ક્ષેત્રમાં હું ન આવી શકું અને શબ્દના ક્ષેત્રમાં તું ન આવી શકે.’ સૌ સૌનાં ક્ષેત્ર જુદાં છે. રૂપ, રસ, ગંધ, વર્ણ અને સ્પર્શ તે પાંચે ઈન્દ્રિયોનાં ક્ષેત્રો છે, વિષયો છે. આ પાંચે ઈન્દ્રિયોના વિષયોનું જ્ઞાન એકને છે. અર્થાત્ તે પાંચે ઈન્દ્રિયોના ગ્રહણ કરેલા વિષયોનું જ્ઞાન કરનાર, પાંચે વિષયને જાણનાર કોઈ જુદું જ તત્ત્વ છે.
છેલ્લી વાત, ‘આત્મા વિના એક એક ઈન્દ્રિય એક એક વિષયને, પોતપોતાના વિષયને ગ્રહણ કરે છે તેમ કહ્યું છે તે ઉપચારથી કહ્યું છે.' કૃપાળુદેવને એમ કહેવું છે કે ઈન્દ્રિયો તે જાણવાનું સાધન છે, ઈન્દ્રિયો સ્વતંત્રપણે જાણી શકતી નથી. જ્ઞાન ઈન્દ્રિયોનું કાર્ય નથી, પણ જ્ઞાનની ક્રિયા જે વખતે થાય તે પ્રક્રિયામાં ઉપયોગી થઈ પડવું તે ઈન્દ્રિયોનું કાર્ય છે. આંખ રૂપને જાણતી નથી પરંતુ જાણનાર જે વખતે રૂપને જાણે તે વખતે આંખ તેને ઉપયોગી થઈ પડે છે. તેવી રીતે કાન સ્વતંત્રપણે શબ્દોનું જ્ઞાન કરી શકતા નથી. સાંભળનાર હાજર છે, અને એ સાંભળનાર કાન દ્વારા એ શબ્દોને જાણે છે. શબ્દો કે અવાજ સાંભળવા કાન વિશેષ સાધન છે, પરંતુ તે જણાય છે જાણનારથી જ. આ ઈન્દ્રિયોની પણ અદ્ભુત વ્યવસ્થા છે. જીભની પાસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org