________________
४८
પ્રવચન ક્રમાંક - ૪૨, ગાથા ક્રમાંક - પર કપડાં, મકાન, કુટુંબ, સ્વજનો, ભૌતિક સાધનો બધું જોઈએ. માંદગી આવે તો ડૉક્ટર, કાયદાની ગૂંચવણ થાય તો વકીલ, મકાન બનાવવું હોય તો આર્કીટેક્ટ જોઈએ, પણ સદ્દગુરુ માટે કોઈ વખત અટકીને ઊભા રહ્યા ખરા? તમને સદ્ગુરુ સામેથી આવીને કહે છે કે સદ્ગુરુ વગર ન ચાલે. તમને અમારી જરૂર છે ખરી? આ તો બીઝનેસ ટાઈપ વાત થઈ ગઈ કે અમને તમારી જરૂર છે. આમ સામી વ્યક્તિને કહીને ઈપ્રેસ કરવી, છાપ પાડવી તે કંઈ પદ્ધતિ નથી. પરંતુ ધર્મ વગર નહિ ચાલે એવું ઘણા લોકોને લાગ્યું નથી. એક ૮૦ વર્ષના ભાઈ મને અમસ્તા મળવા આવ્યા હતા. મેં તેમને પૂછ્યું કે તમે તો બહુ વાંચ્યું છે, ધર્મ વિશે કંઈ વાંચ્યું છે? તો કહે, ના. હું તેને અડ્યો જ નથી. એંશી વર્ષ મારાં ગયાં, મને કોઈ જરૂરિયાત લાગી નથી. પૈસાની જરૂરિયાત લાગી છે, ઠંડીમાં ગરમ કામળી જોઈએ તેની જરૂરિયાત લાગી છે, દીકરાની જરૂરિયાત લાગી છે પણ મને ધર્મની જરૂરિયાત લાગી હોય તેવું થયું નથી, એ તરફનું કોઈ વલણ થયું નથી.
આ બાવનમી ગાથાની વાત બરાબર સમજજો. શરીર, ઈન્દ્રિયો, મન, પ્રાણ આ બધાનું સ્વતંત્ર અસ્તિત્વ છે, પરંતુ સ્વતંત્રપણે જાણવાની ક્ષમતા તેમનામાં નથી. જોવાની ક્ષમતા આંખ પાસે છે પણ સ્વતંત્રપણે જોવાની ક્ષમતા આંખ પાસે નથી. જોનારને જોવામાં મદદગાર બનવું એ કળા ઈન્દ્રિયો પાસે છે, પણ સ્વતંત્રપણે જાણે એવી ક્ષમતા કોઈ ઈન્દ્રિયો પાસે નથી.
ફરી પુનરાવર્તન કરીને, શરીર, પાંચ ઈન્દ્રિયો, પ્રાણ, શ્વાસોચ્છવાસ, મન એ મુખ્ય પરિબળો છે. પુદ્ગલની અથવા જડની દુનિયામાંથી આપણને જીવન જીવવાના જે સાધનો પ્રાપ્ત થાય છે તે દસ સાધનો છે. પાંચ ઈન્દ્રિયો, શ્વાસોચ્છવાસ, આયુષ્ય, મન, વાણી અને શરીર બળ એમ દસ પ્રાણ છે. જીવનને ધારણ અથવા પોષણ કરવાની ક્ષમતા તેને કહેવાય છે પ્રાણ. આપણું આ ભૌતિક જીવન પ્રાણ ઉપર આધારિત છે. અને માટે કહ્યું કે આ દસ પ્રાણમાંથી કોઈને પણ બાધા કે નુકસાન પહોંચાડવું તેનું નામ હિંસા. માત્ર મારવું તે હિંસાની વ્યાખ્યા નથી.
માણસ જીવે છે તે સાધન દ્વારા જીવે છે. દા.ત. એક આંધળો માણસ લાકડીના ટેકે ટેકે ચાલે છે. લાકડી વગર તે ચાલી ન શકે. કોઈ જબરો માણસ તેના હાથમાંથી લાકડી ઝૂંટવી લે તો એ કામ તે આંધળા માણસના જીવનમાં એક વિક્ષેપ, અવરોધ અથવા તકલીફ ઉત્પન્ન કરે છે. કારણ કે તેનું સાધન ઝૂંટવી લીધું. જીવન જીવવા માટે પ્રકૃતિએ જે સાધનો આપ્યાં હોય તે ઝૂંટવી લેવાં તેનું નામ હિંસા. તમે કોઈના લાખ રૂપિયા લઈ લો તે વાત જુદી છે પણ કોઈની આંખ લઈ લો, કોઈના કાન લઈ લો તો તેના જીવનમાં તમે મોટો અવરોધ ઉત્પન્ન કરો છો. આ સાધનો દ્વારા તે જીવે છે. ભૌતિક જગતમાં જેને રહેવું છે તે આ સાધનો દ્વારા ભૌતિક જગતના સંપર્કમાં, સંબંધમાં આવે છે.
ભૌતિક જગતના સંપર્કમાં આવવું હશે તો આપણી પાસે આપણાં પોતાનાં સાધનો જોઈશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org