________________
૧૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ આપે ખંભાતમાં રાજ્યપુરુષોથી અને અહીં વીજળીના પાતથી એમ બબ્બે વાર મૃત્યુથી ઉગાર્યો છે. હવે તો એક જ વાત મેં નક્કી કરી છે કે આપ આ મારું રાજ્ય સ્વીકારો ને મને અનૃણી કરો.” આચાર્યશ્રીએ પ્રસન્નવદને કહ્યું- “ભલા રાજા ! અમારે રાજ્ય શા કામનું? હા, જો તમે કૃતજ્ઞ થઈ કંઈ કરવાની ઈચ્છા રાખતા હો તો તમારા તન-મન-ધનને શ્રી જિનધર્મની આરાધનામાં જોડો. કારણ કે આ તમારા જીવને ઘર, સ્ત્રી, પુત્રાદિ પરિવાર, દાસદાસી, હાથી-ઘોડા-સોના-રૂપા ને રત્નોની ખાણ મળવી સુલભ છે, પણ નિર્મળ તત્ત્વરુચિ થવી કઠિન છે.”
ઇત્યાદિ આચાર્ય મહારાજની નિઃસ્પૃહતા જોઈ અતિ આદરવાન બનેલા રાજાએ વિનંતિ કરી કે મને પ્રતિદિન ઉપદેશ આપવા કૃપા કરશો તો અત્ ધર્મનું મને જ્ઞાન થશે ને મારી પ્રજ્ઞામાં પ્રકાશ પૂરાશે. પછી તો રાજા કુમારપાળની રાજસભાએ ધર્મસભાનું રૂપ લીધું. કલિકાલસર્વજ્ઞની સર્વતોમુખી પ્રતિભાએ પ્રકાંડ અભ્યાસી ને વિદ્વાનો પર જબ્બર આકર્ષણ કર્યું. રાજા પોતે પણ જિજ્ઞાસુ થઈ સમાધાન મેળવે. અકાઢ્ય યુક્તિ અને તર્કબદ્ધ લાલિત્યમય ધર્મ ઉપદેશ સાંભળી સહુ મુગ્ધ બની જતા. ઘણા ચંચળ બ્રાહ્મણો પોતાનો મત સ્થિર-સ્થિત કરવા પ્રયત્ન કરતા. ને જ્યાં હેમચંદ્રાચાર્ય બોલવા લાગતા કે તેમની ગોઠવેલી યુક્તિઓ વંટોળમાં તણખલાની જેમ ઉડી જતી. એક દિવસ રાજાએ પૂછયું - “સર્વધર્મમાં શ્રેષ્ઠ ધર્મ કયો ?” આચાર્યશ્રી બોલ્યા- આ બાબત ભોજરાજા પાસે સરસ્વતીદેવીએ જે શ્લોક કહ્યો છે તે ખરેખર અવધારણ કરવા યોગ્ય છે. તેમાં જણાવ્યું છે કે - “સૌગત-બૌદ્ધ સાંભળવા જેવો છે, આહત-જૈનધર્મ આચરવા જેવો છે. વૈદિકધર્મ વ્યવહારોપયોગી છે. પરમશિવમત ધ્યાન ધરવા ઉપયોગી છે,” રાજાએ ફરી પૂછ્યું – “ભગવદ્ યજ્ઞમાં હોમાયેલા વનસ્પતિ, ઔષધિ, પશુ અને પક્ષી પરભવમાં શ્રેષ્ઠ-ઉન્નત સ્થાન અને અભ્યદય પામે છે, આ વેદવિહિત હિંસા ધર્મનું કારણ છે. આપ તો પરમ અહિંસક છો. આમાં આપનું શું કથન છે?' સૂરિજીએ કહ્યું- “રાજા ! આ વિધાન સાચું નથી.”
સ્કંદપુરાણના અઠ્ઠાવનમાં અધ્યયનમાં ચોખ્ખું લખ્યું છે કે- “વૃક્ષોનું છેદન કરી, પશુઓની હત્યા કરી, લોહીનો કાદવ કરી અને અગ્નિમાં તેલ ઘી, અનાજ અને ઔષધો બાળીને સ્વર્ગ મેળવવાની વાત આશ્ચર્યમય છે. સ્મૃતિના ફરમાન મુજબ પશુઓ યજ્ઞ માટે જ સર્જાયાં છે તો સ્માર્ત ધર્માવલંબીઓ તેમનો શિકાર કરતા ને માંસ ખાતા રાજાઓને કેમ રોકતા નથી? જો બ્રહ્માએ યજ્ઞને અર્થે પશુઓનું નિર્માણ કર્યું છે, તો વાઘ-વહુ-દીપડાં આદિને શા માટે હોમતા નથી. શું તેના દેવ તુષ્ટ નહિ થાય? હે રાજા ! અહિંસાથી જ ધર્મની પ્રાપ્તિ થાય, તે હિંસાથી કેવી રીતે મળી શકે? જળમાં ઉપજનાર કમળો આગમાંથી કેમ કરી મળે? બ્રહ્મપુરાણમાં કથન છે કે- “પ્રાણીની હિંસા કરનાર માણસ ગમે તેટલાં વેદ ભણે, ગમે તેવા મોટા દાન આપે, મોટા ઘોર તપ કરે કે મહાન યજ્ઞો કરે-કરાવે બધું વ્યર્થ છે, કેમકે હિંસકને કદી સદ્ગતિ સાંપડતી નથી.” સાંખ્યમતવાળા કહે છે;