________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ જીવો પૃથ્વીકાય આદિ પાંચ પ્રકારે છે. તે પણ લોકમાં વ્યાપીને રહેલા સૂક્ષ્મ નામકર્મોદયવાળા જીવો સમજવાના નથી, કારણ કે તેનો વધ કોઈ કરી શકે નહીં, આયુષ્યના ક્ષયે પોતાની મેળે જ તેમનું મૃત્યુ થાય તે જીવો સંબંધી અવિરતિજન્ય પાપબંધ થાય પણ હિંસાજન્ય પાપબંધ થાય નહીં.
સાધુમુનિરાજો બંને પ્રકારના જીવોની હિંસાથી વિરત છે, તેથી તેઓને વીશ વિશ્વાની દયા હોય છે. ગૃહસ્થને તો માત્ર સ્થૂલજીવના વધથી નિવૃત્તિ છે. કારણ કે પૃથ્વી, જળ આદિનો સદાકાળ આરંભી છે, તેથી દસવિશ્વા ઓછા થયા. સ્થૂલજીવ વધ પણ બે પ્રકારે છે, સંકલ્પથી ને આરંભથી. તેમાં સંકલ્પથી એટલે ‘આને હું મારું’ એવા મનના સંકલ્પથી તે બચી શકે છે, પણ આરંભથી તો નિવૃત્ત થઈ શકતા નથી. તેથી આરંભ (ખેતી-મકાન) કરતાં ત્રસજીવોનો ઘાત થાય છે, પોતાના અને પરિવારજનોના નિર્વાહકાર્યમાં પણ ત્રસજીવનો ઘાત થાય છે, એટલે દસવિશ્વામાંથી પાંચ ગયાં એટલે બચ્યા પાંચ. હવે સંકલ્પથી થતી ત્રસજીવની હિંસામાં પણ અપરાધી અને નિરપરાધી જીવવિશેષે બે ભેદ થયા. તેમાં નિરપરાધીની હિંસાથી તે નિવૃત્ત થઈ શકે પણ અપરાધીના મોટા અપરાધે વધ સુધીનો સંકલ્પ કરે એટલે પાંચમાંથી અડધી દયા ગયે અઢી વિશ્વા રહી. તે નિરપરાધીની હિંસાના ત્યાગમાં પણ બે પ્રકાર છે. અપેક્ષા અને નિરપેક્ષા. ગૃહસ્થ નિરપેક્ષ હિંસાથી અટકે પણ સાપેક્ષહિંસાથી નિવૃત્ત થઈ શકતો નથી. એટલે નિરપરાધી પાડા, બળદ, ઘોડા આદિ ભારવાહીને તેમજ પ્રમાદી કે કુછંદી પુત્રાદિને સાપેક્ષપણે વધ-બંધનાદિ કરે છે તેથી અઢીમાંથી અડધી દયા જતાં સવાવિશ્વા-સવાવસો દયા શેષ રહે છે. માટે ગૃહસ્થને સવાવસાની દયા કહેલી છે.
આ પ્રમાણે શ્રાવકનું પ્રથમ અણુવ્રત છે. તેના પાંચ અતિચારો જાણીને ત્યાગવા જોઈએ.
(૧) ક્રોધાદિ કારણે આકરાં બંધને પશુ આદિને બાંધવાં, (૨) તેમના કાન વગેરે અવયવો છેદવાં, (૩) તેની શક્તિ કરતાં વધારે ભારનું આરોપણ કરવું, (૪) પ્રહાર કરવો, (૫) તથા આહારપાણીનો નિરોધ કરવો. આ પાંચ અતિચાર પહેલા અણુવ્રતના છે. તેનું વિવેચન કરતાં ગ્રંથકાર લખે છે કે- દોરડાં આદિના ગાઢબંધનથી પશુ આદિને કે મનુષ્યને બાંધવાં, પુત્રાદિને વિનયાદિ શિખવવા કે કોઈ શિક્ષાદિ દેવા બાંધવા. તેમાં પ્રબલ કષાયથી જે બંધન તે પહેલો અતિચાર છે. શરીરની ત્વચા કે કાન વગેરેનો ક્રોધથી છેદ કરવો તે બીજો અતિચાર છે. ક્રોધ કે લોભવશે પ્રમાણથી વધારે બોજો-ભાર મનુષ્ય કે ઊંટ-ગધેડાદિ જાનવર પર લાદવો તે ત્રીજો અતિચાર. ક્રોધાદિથી નિર્દય થઈ લાકડી, ચાબુક આદિનો પ્રહાર કરવો તે ચોથો અતિચાર અને ક્રોધાદિકથી આહારપાણી કે ઘાસચારાદિનો નિરોધ કરવો-સમયે ન આપવાં એ પાંચમો અતિચાર છે.
અહીં કોઈને શંકા થાય કે પહેલા વ્રતમાં આ અતિચાર કેવી રીતે લાગે ? વ્રત લેતાં વધબંધન આદિનો ત્યાગ તો કર્યો નથી આનાથી વ્રતને કાંઈ લાગતું-વળગતું નથી તો પછી અતિચાર