________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨ વળી કેમ કરી થાય ? તેનું સમાધાન કરતાં જણાવે છે કે- “મુખ્યતાએ તો પ્રાણાતિપાત (હિંસા)નો જ ત્યાગ કર્યો છે. તાડન-બંધનનો ત્યાગ નથી કર્યો, પણ પરમાર્થથી તો તેનો ત્યાગ કરેલ છે જ કારણ કે વધ-બંધનાદિ પ્રાણાતિપાતના કારણો જ છે.” તો પાછી શંકા થાય છે કે – “જો તે વધ આદિ હિંસાના કારણ છે તો તે રીતે જ વ્રત પાળવું જોઈએ. અને તેમ વ્રત ન પાળ્યું-તાડન-બંધન કર્યું તો વ્રતનો જ ભંગ થવો જોઈએ. અતિચાર શા માટે?” એનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે
ભાઈ વ્રત બે પ્રકારે પળાય છે-આંતરિકવૃત્તિથી અને બાહ્યવૃત્તિથી. જયારે વ્રતી ક્રોધાદિકને વશ થઈ, પ્રહારાદિની પ્રવૃત્તિ કરે છે ત્યારે દયાનો નાશ થતાં અંતરવૃત્તિથી વ્રતભંગ થાય છે, પણ સામાનું આયુષ્ય બળવાન હોઈ તેનું મરણ નહિ થવાને કારણે બાહ્યવૃત્તિથી વ્રત પાળ્યું ગણાય. તેથી કાંઈક ભાંગ્યું ને કાંઈક ન ભાંગવા જેવું ભંગાભંગરૂપ અતિચાર ગણાય છે. અન્યત્ર કહેવામાં આવ્યું છે કે- “મારે જીવવધ કરવો નહીં.” એવા વ્રતવાળાને-સામો મરે નહિ તો અતિચાર કેમ લાગે ? એવી શંકાનો ઉત્તર આપતાં જણાવે છે કે- “જે ક્રોધ કરી પ્રહારાદિ કરે તે વખતે તે વ્રતનિરપેક્ષ થઈ જાય છે, વ્રતનો જરાય ખ્યાલ રહેતો નથી, આ સ્થિતિમાં જીવ મરતો નથી માટે જ નિયમ અખંડ રહે છે, બાકી નિર્દયતાએ વ્રતને ક્યારનું પૂરું કરી નાંખ્યું હતું, એટલે દેશથી વ્રતભંગ ને દેશથી વ્રતપાલન થયું હોવાથી પૂજ્ય પુરુષો તેને (પ્રહારાદિને) અતિચાર ગણે છે.” અર્થાત્ આ અતિચારો સારી રીતે સમજી લેવાં ને તે ન લાગે-ન આચરાય તે રીતે વ્રતપાલનમાં પ્રયત્નશીલ રહેવું-જેમ કુમારપાળ મહારાજા વ્રત પાળતા હતા
એકવારની વાત છે. કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ પાટણ પધાર્યા હતા. તેમનો પ્રવેશોત્સવ ઉદયનમંત્રીએ ખૂબ ધામધૂમપૂર્વક કર્યો હતો. બહુ મોટો વર્ગ પ્રવચન સાંભળી પ્રભાવિત થયો હતો. મંત્રી આચાર્યદેવની સેવા કરતાં વાત કરી રહ્યા હતા. વાતમાં ને વાતમાં મંત્રીએ આચાર્યશ્રીના મુખે જાણ્યું કે નવી રાણીના મહેલે કાંઈક આપત્તિ આવવાની છે. તેથી મહેલમાં આવી મંત્રીએ રાજાને ચેતવી દીધા કે તમે આજે નવી રાણીના મહેલે ન જાશો. રાજાએ હાસ્ય કરતાં વચન માન્યું. તે જ રાત્રિએ અચાનક વાદળાં ચડી આવ્યાં ને જોર-શોરથી ગાજવીજ થવા લાગી. મેઘાડંબરે બીહામણું રૂપ કર્યું ને નવી રાણીના મહેલ પર વીજળી ત્રાટકી, રાણી મરી ગઈ ને મહેલ બળીને ખાક થઈ ગયો. રાજપરિવારમાં હાહાકાર મચી ગયો ને રાજા આશ્ચર્યમાં ડૂબી ગયો. તેણે કહ્યું - ઉદામહેતાને હમણાં જ બોલાવો.” મંત્રી આવ્યા. “નવી રાણીના મહેલની અવદશાના એંધાણ ક્યાંથી લાવ્યા હતા, મહેતા! ખરું કહેજો' રાજાએ પૂછ્યું. મંત્રીએ બધી વાત કહી બતાવી. શ્રી હેમચંદ્રાચાર્ય આવ્યા છે જાણી રાજા આનંદિત થયો અને રાજસભામાં પધરામણી કરવા મંત્રી દ્વારા વિનંતિ કરી. સમયે શ્રી હેમચંદ્રાચાર્ય રાજસભામાં પધાર્યા.
રાજા ઊભો થઈ તેમના ચરણમાં બાળકની જેમ ઢળી પડીને બોલ્યો - “ભગવન્! હું કયા મોઢે આપની સામે જોઉં ને બોલું. આપ અહીં પધાર્યા તેની જાણ પણ હું મેળવી શક્યો નહીં ત્યારે