________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
એકવાર પરમકૃપાળુ મહાવીરદેવે વિહારમાં ગૌતમસ્વામીજીને કહ્યું-‘મહાભાગ ! જો પેલો ખેડૂત દેખાય છે ને ? તેને પ્રતિબોધ આપવાથી મહાલાભ થશે.'
૧૦
‘તહત્તિ’ કહી ગૌતમસ્વામીજી તેની પાસે આવી ઉપદેશ દેતાં કહેવા લાગ્યા - ‘ભદ્ર ! તને ઘણી સગવડ મળ્યાં છતાં તું શા માટે બેઇન્દ્રિયાદિના ઘાતવાળી આ ખેતી કરે છે ? આ પાપ તને પીડા નહીં આપે ?’
તેણે કહ્યું - ‘કુટુંબ માટે બધું કરવું પડે. ખાધા વગર કાંઈ ચાલે છે ?’
શ્રી ગૌતમે કહ્યું – ‘પારકા (પોતાના માનેલા) માટે જે કાંઇ આપણે કર્મ કરીએ છીએ, તે કર્મના ઉદયકાળે આપણે જ ભોગવવાં પડે છે. તે વખતે દુઃખમાં ભાગ લેનાર કોઇ સહભાગી થતું નથી. માટે તપ-સંયમના આશરે ભવનો પાર પામ.’
આ શબ્દોની ખેડૂત પર અજબ અસર થઈ અને તે બોલ્યો-‘ભગવન્ ! મારે માટે પરિવાર અને સાત સાત કન્યાઓ છે. મને લાગે છે કે જીવનના અંત સુધી આ પળોજણ અને પાપ કર્યા કરું તો પણ મને નિવૃત્તિ ક્યાં મળવાની ! ખરી વાત તો એ છે કે હું નકામી ઉપાધિ લઈને બેઠો છું. તમે જે હિતકારક ઉપદેશ આપ્યો છે તે મેં જીવનમાં કદી ક્યાંય સાંભળ્યો નથી. તમો મહાન અને પૂજ્ય છો. ચાલો હું તમારી સાથે આવું છું, તમે જેમ કહેશો તેમ હું વર્તીશ. આજથી તમે જ મારા સર્વસ્વ છો.’ તે સાંભળી દેવોએ તેમને સાધુવેશ પરિધાન કરાવ્યો. સાથે ચાલતાં તેણે પૂછ્યું કે- ‘આપણે ક્યાં જઈએ છીએ ?’ શ્રી ગૌતમસ્વામી બોલ્યા- ‘ગુરુ મહારાજ પાસે' તે બોલ્યો- ‘હેં ! તમારા પણ ગુરુ છે ? તમે આટલા સારા છો તો ગુરુ મહારાજ તો કેટલાય સારા હશે ? કેમ !' ગૌતમસ્વામીએ કહ્યું-‘હા. હા. ખરેખર જ તે પ્રભુ તો અલૌકિક છે. તેમની સાથે સરખાવા જેવું કશું નથી.' ઈત્યાદિ કહી પરમાત્માની અદ્ભૂત ઠકુરાઈ અને અતિશય આદિનું વર્ણન કરતાં નવીન મુનિને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું. પછી પ્રભુજીની પ્રભુતા અને અતિશય આદિ દૂરથી નિહાળતાં ભાવનાની વિશેષ વૃદ્ધિ થઈ. એટલામાં તેઓ સમવસરણમાં પ્રભુ પાસે આવ્યા. પ્રભુજીને જોતાં જ તે ખેડૂત મુનિને દ્વેષની લાગણી ઉદ્ભવી. શ્રી ગૌતમે કહ્યું - ‘હે મુનિ ! ત્રિલોકનાથ ભગવંતને વંદન કરો.’ તે બોલ્યો-‘આ કોણ છે ? આ તમારા ગુરુ છે ? જો એમ જ હોય તો મારે તમારી દીક્ષાની કાંઈ જરૂર નથી.’ એમ કહી તે વેશ પડતો મૂકી દોટ મૂકી નાસી ગયો. આ કૌતુક જોઈ ઇન્દ્રાદિ દેવતાઓ પણ મોટેથી હસી પડ્યા ને બોલ્યા કે –‘આવો સરસ શિષ્ય ક્યાંથી શોધી લાવ્યા ?' આ સાંભળી શ્રી ગૌતમસ્વામી તો જોતા જ રહી ગયા. એક તરફ પર્ષદા ને બીજી બાજુ પેલો જાય માર્ગમાર. છેવટે તેમણે પ્રભુજીને જ પૂછ્યું,-‘ભંતે ! આપને જોતાં જ આ અચરજ કેમ થયું ?’ પ્રભુજીએ કહ્યું- ‘ગૌતમ ! તેં એને જ્યારે તીર્થંકરની મહત્તા સમજાવી તે વખતે જ તેણે ગ્રંથિભેદ કરી સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું. આ રીતે તેને અતિદુર્લભ લાભ થઇ ગયો. હવે દ્વેષનું કારણ સાંભળ.
પૂર્વે પોતનપુરના મહારાજા પ્રજાપતિને ત્રિપૃષ્ઠ નામનો પુત્ર હતો. તે વખતે ત્રણ ખંડનો સમ્રાટ્ પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ હતો, કોઇક નિમિત્તિયાદ્વારા તેણે પોતાનું મૃત્યુ ત્રિપૃષ્ઠના હાથે થવાનું જાણી તેને મારી નાખવા અશ્વગ્રીવે ઘણા યત્નો કર્યા, પણ બધા નિષ્ફળ ગયા.