________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
સફત્વ તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલા તત્ત્વ પર રુચિ થવી તેનું નામ સમ્યકત્વ કહેવાય. તેના બે પ્રકાર છે. તે સ્વાભાવિક કે ગુરુમહારાજના ઉપદેશથી થાય છે.
સમકિત વિના એકલા જ્ઞાનની કશી સિદ્ધિ નથી. તત્ત્વજ્ઞાન શ્રદ્ધાથી જ સફળ થાય છે. અતિદુર્ગમ શ્રુતજ્ઞાનના મહાધારક હોવા છતાં આચાર્ય અંગારમર્દિકની જેમ તેઓને અભવ્યતા કે દુર્ભવ્યતા હોઈ તેઓ નિષ્કારણ ઉપકારી હિતવત્સલ પ્રભુના વચન પર શ્રદ્ધા રાખી શકતા નથી અને તેમને મુક્તિરૂપ કોઈ ફળસિદ્ધિ પ્રાપ્ત પણ થઈ શકતી નથી.
સમ્યક્ત્વ પ્રાપ્તિના બે કારણો પૈકી પ્રથમ સ્વાભાવિક એટલે ગુરુ મહારાજના ઉપદેશ વિના પ્રાપ્ત થાય છે. તેને નિસર્ગચિ સમકિત કહેવાય છે. જેમ પર્વતના પાષાણ નદીમાં તણાઈઅફળાઈ-ભટકાઈ એની મેળે ગોળ આકૃતિવાળા થાય, તેમ અનાદિથી રખડતો જીવ તથાભવ્યતાના પરિપાકથી અજાણપણે યથાપ્રવૃત્તિકરણ કરે. એટલે કે અધ્યવસાયના બળે આયુષ્ય સિવાયના જ્ઞાનાવરણીય આદિ શેષ કર્મોની સ્થિતિને પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન એક કોડાકોડી સાગરોપમની કરે. કર્મના કાઠિન્યવાળી, રાગ-દ્વેષના પરિણામવાળી, કર્કશ અને દુર્ભેદ્ય એવી એક ગ્રંથી હોય છે ત્યાં સુધી તો અભવ્યનો જીવ પણ અનંતીવાર આવી શકે છે. અરિહંત પ્રભુ આદિની લોકોત્તમ વિભૂતિ જોઈ વધતાં પરિણામથી શ્રત સામાયિક (જ્ઞાન)નો લાભ મેળવી શકે પણ તેથી આગળ વધી શકે નહીં. તે તો કોઈ ભવ્ય જીવ જ અતિ શુદ્ધ પરિણામથી ગ્રંથીના ભેદવારૂપ અપૂર્વકરણ કરી-મિથ્યાત્વની સ્થિતિને અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ તેનાથી પ્રદેશ વેદવા યોગ્ય દલિક (દળીયા)ના અભાવરૂપ અંતરકરણ કરે છે. તેનો ક્રમ આ રીતે છે.
ગ્રંથિ દેશ સુધી આવવું તે પ્રથમ યથાપ્રવૃત્તિ)કરણ. ગ્રંથિનો ભેદ કરવો તે બીજું અપૂર્વકરણ અને સમ્યકત્વની પ્રાપ્તિ નજીક છે જેને એવા જીવને અનિવૃત્તિકરણ હોય.
અહીં મિથ્યાત્વની સ્થિતિ બે પ્રકારે હોય છે. પહેલી અંતર્મુહૂર્તની સ્થિતિ ભોગવીને બીજી ઉપશમાવેલી સ્થિતિમાં અંતરકરણના પહેલા સમયમાં જ જીવ ઔપથમિક સમ્યકત્વ પામે છે. તે સમ્યકત્વ અંતર્મુહૂર્ત પ્રમાણવાળું છે.
કોઈના ઉપદેશ આદિ વિના જે પ્રાપ્ત થાય તે નિસર્ગ સમ્યકત્વ. ગુરુ આદિના ઉપદેશે જે પ્રાપ્ત થાય તે પુણ્ય-પવિત્ર એવું અધિગમ સમ્યકત્વ કહેવાય.
સર્વ સુખના અવધ્ય-કારણરૂપ સમ્યકત્વ પમાડવા માટે બળ પણ કરવું પડે કે પરાણે પ્રેરણા કરવી પડે તો તે પણ ઉચિત જ છે.