________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
પ્રતિપાદિત તત્ત્વની શ્રદ્ધા કરાવે, વસ્તુને વસ્તુપણે જાણવાથી થયેલી પ્રતીતિને ઉપજાવે તે જ દર્શન કહેવાય છે. વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણ્યું કોને કહેવાય ? તેને સમજાવતું મહાબળકુમારનું દૃષ્ટાંત આ પ્રમાણે છે.
રાજકુમાર મહાબળનું દૃષ્ટાંત :
હસ્તિનાપુર નામનું સુંદર નગર. ત્યાં બળ નામના રાજા રાજ્ય કરે. તેમને પ્રભાવતી નામની રાણી, ગુણીયલ ને સોહામણી. સિંહના સ્વપ્નથી સૂચિત એક પુત્રને તેણે જન્મ આપ્યો. રૂપનો અંબાર અને શૌર્યનો જાણે ભંડાર. નામ એનું મહાબળકુમાર. યુવાવસ્થામાં આઠ રાજકન્યાઓ સાથે તેના લગ્ન થયા. રાજાએ આઠે પુત્રવધૂને અલગ અલગ મહેલ-દાસ-દાસી-વસ્ત્રાભૂષણ આદિ સર્વ સાધન, સામગ્રી અને સગવડ આપ્યા. રાણીઓ સાથે આમોદ-પ્રમોદમાં મહાબળકુમારનો સમય ક્યાં વીતે છે ? તે જણાતું નથી.
એકવાર વિમળનાથસ્વામીના શાસનમાં થયેલા ધર્મઘોષ નામના આચાર્ય મહારાજ અનેક શિષ્યો સહિત ઉદ્યાનમાં પધાર્યા. હર્ષ અને ઉલ્લાસવાળા અનેક લોકોને જતાં જોઈ મહાબળકુમા૨ પણ આચાર્યશ્રીના દર્શને જઈ પહોંચ્યો. તે વખતે તેઓએ ઉપદેશ આપતાં ફરમાવ્યું કે—
આ સંસારના સાર વગરના સ્વરૂપને સારી રીતે વિચારી હે મહાનુભાવો ! સર્વ દુઃખોથી છોડાવનાર ધર્મમાં પ્રયત્ન કરો. ઇત્યાદિ ધર્મદેશના સાંભળી મહાબળકુમારને વિવેક જાગ્યો અને તે સંસારની વાસ્તવિકતાને સમજી વૈરાગ્ય પામ્યો. ઘેર આવી તેણે માતાપિતાને બધી વાત કરી. પોતાની દીક્ષા લેવાની ભાવના જણાવી અને અનુમતિ માંગી. પુત્રનો ખૂબ જ ભાવ જોઇ તેમણે કહ્યું કે- ‘અમે છીએ ત્યાં સુધી તો નહીં જ પછી દીક્ષા લેવી હોય તો લેજે.’
કુમાર બોલ્યો, “આપણામાંથી કોણ પહેલા જશે ? એ કોણ જાણે ? મા ! મને અનુજ્ઞા આપો, અનંત ભવમાં અનંત માતાઓ મેં કરી, પણ જીવન સફળ થયું નહીં. નવી નવી માતાઓ કરવાના ક્રમમાં ફેર પડ્યો નહીં. આ ભવમાં તમારી કુક્ષીએ અવતર્યો છું, તેની સફળતા માટે પણ મને અનુજ્ઞા આપો. વહાલી મા ! રાજી થઈને હા પાડો જેથી આજ સુધી મેં કરેલી અનંત માતાઓની શ્રેણિમાં તમારૂં સ્થાન ન રહે.”
અનેક રીતે તેણે માતાપિતાને સમજાવ્યા-મનાવ્યાં પણ તેઓ ન માન્યાં.
છેવટે તેમણે યુક્તિપૂર્વક રાજકુમારના રાજ્યાભિષેકની મોટી તૈયારી કરી અને રાજા બનાવ્યો. હીરાનો મુકુટ પહેરાવીને તેને સિંહાસન પર બેસાડ્યો. બંને તરફ હારબંધ અધિકારી ગોઠવાઇ ગયા અને અભિનવ મહારાજા મહાબળના જયઘોષના પડઘાઓ પડ્યા. માતાપિતાએ પોતાના સોભાગી પુત્રના વખાણ કર્યાં, અને કહ્યું, ‘તું કેવો પ્રભાવશાળી લાગે છે ? તારી આજ્ઞા કોઇપણ તોડી શકે નહીં અમે પણ નહીં. બોલો દીકરા ! તમારી શી આજ્ઞા છે ?
ઉ.ભા.-૧-૨