________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ મહાબળે તરત કહ્યું “રાજ્યના કોષમાંથી ત્રણ લાખ મહોરો લઈ એક લાખ આપી પાત્રા, એક લાખ આપી ઓઘો (રજોહરણ) લાવો અને એક લાખ હજામને આપી ચાર આંગળ રાખી બાકીના વાળ કપાવી નાખો.”
આ સાંભળી માતા-પિતા પ્રધાનમંડળ આદિ સહુ આભા જ બની ગયા. આજ્ઞા પળાય તોય દીકરો જાય અને ન પળાય તો તેવું રાજાપણું તે તરત જ છોડે. છેવટે તેનો પાકો વૈરાગ્ય જોઈ તેમ કરવામાં આવ્યું. પછી સ્નાન-વિલેપન કરી અતિમૂલ્યવાન આભૂષણ આદિ પહેરી મોટા આડંબરપૂર્વક મોટા જયઘોષ અને નિનાદપૂર્વક ગુરુ મહારાજની પાસે આવ્યો અને અપૂર્વ ઉત્સાહથી દિીક્ષા લીધી. માતા-પિતાએ કહ્યું, “અમે તો આવો પુરુષાર્થ કરી ન શક્યાં પણ તમારે તરવારની ધાર સમાન અતિકઠોર સંયમમાર્ગમાં સદા જાગ્રત રહેવું અને સચ્ચાઈપૂર્વક મોક્ષમાર્ગનો ઉદ્યમ કરવો.” ઈત્યાદિ હિતશિક્ષા આપી પાછાં ફર્યા.
શ્રી મહાબલમુનિ વિનય-વૈયાવચ્ચ, જ્ઞાન આદિની આરાધનામાં તન્મય થઈ પૂર્વધર બન્યા. વિવિધ તપશ્ચર્યા કરી. બાર વર્ષ પર્યત શુદ્ધ ચારિત્ર પાળી અંતે અણસણપૂર્વક કાળ કરી પાંચમા (બ્રહ્મલોક) દેવલોકમાં દસ સાગરોપમની સ્થિતિ (આયુ) વાળા દેવ થયા.
ત્યાંનું આયુ પૂર્ણ થયે વાણિજ્ય ગ્રામના ધનાઢ્ય શેઠના ઘરે સુદર્શન નામે પુત્ર થયો. અનુક્રમે યુવાન થયો. એકવાર શ્રી મહાવીર પ્રભુ ત્યાં પધાર્યા. સહુની સાથે તે પણ પ્રભુને વાંદવા ગયો.
પ્રભુજીએ પ્રવચનમાં કાળની મહત્તા સમજાવી. તે સાંભળી અચરજ પામેલા સુદર્શને પ્રભુજીને પૂછ્યું કે, “ભગવંત! કાળના કેટલા પ્રકાર હોય? ભગવંતે કહ્યું કે, “કાળના ચાર પ્રકાર છે. (૧) પ્રમાણકાળ (વખત બતાવનાર), (૨) આયુષ્યનિવૃત્તિકાળ (આયુષ્ય ભોગવાય તે કાળ), (૩) મૃત્યુ (મરણ) કાળ, (૪) અદ્ધાકાળ (આજ-કાલ-વગેરે)
પ્રમાણકાળ બે પ્રકારે છે જેમકે ચાર પ્રહરનો દિવસ, ચાર પ્રહરની રાત્રિ ઇત્યાદિ. નારકીપણે નરકનું-દેવપણે દેવનું આયુષ્ય ભોગવવારૂપે આયુષ્યનિવૃત્તિકાળ અનેક પ્રકારે છે.
જીવ શરીરથી અથવા શરીર જીવથી જુદો પડે તે મરણકાળ કહેવાય. આવતી કાલ, માસ, વર્ષ આદિ અનેક પ્રકારે સમયકાળ છે. ઇત્યાદિ પલ્યોપમ-સાગરોપમની વાત જાણી સુદર્શને પ્રભુજીને પૂછ્યું; “દયાળ ! પલ્યોપમ જેવો લાંબો કાળ શી રીતે વીતે?”
‘સુદર્શન! પૂર્વે તેં પણ એવો અનંતકાળ ભોગવેલો છે. ગયા ભવમાં જ તું બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકમાં હતો. ત્યાં તારું આયુષ્ય દસ સાગરોપમનું હતું. ઈત્યાદિ પૂર્વભવની વાત સાંભળી તેને જાતિસ્મરણ જ્ઞાન થતાં વિતેલો આખો ભવ તાજો થઈ આવ્યો. નશ્વરતાની વિચારણાએ વૈરાગ્ય પામી ત્યાં જ દીક્ષા સ્વીકારી. આગળ જતાં ચૌદ પૂર્વધર થયાં, કેવલજ્ઞાન પામી ભવનો અંત કરી મુક્તિ પામ્યા-કૃતાર્થ થયા.
દેવાદિતત્ત્વોમાં જેમની કામધેનુ જેવી યથાર્થ બુદ્ધિ હોય છે, તેઓ મહાબલ-મહારાજની જેમ સવૃદ્ધિને પામે છે.