________________
દુનિયામાં કોઈપણથી સ્વતંત્ર શક્તિથી ધંધો કરીને ખાય, જેમ બને તેમ ઉચ્ચ ધંધા પસંદ કરે, તે ન મળે તો ઉતરતા ક્રમનો ધંધો કરીને પણ આશ્રિત, અનુકમ્પ્સ કે દયાપાત્ર ન બને, ગમે તેવો કેળવાયો હોય છતાં ભિક્ષુક જેવું અને માંગણ તેનું મન ન થવું જોઈએ. તેનું મન ધનપ્રાપ્તિમાં અને અંગત ખર્ચમાં લોભી-કરકસરીયું, અને ધનના સદુપયોગમાં દાતાર-દાનવૃત્તિવાળું હોવું જોઈએ. કેમ આપું? કેમ ભલું કરું? તેનું મન સદા જાગ્રત આજની દુનીયાને પી ગયેલું, અને સ્વધર્મ કર્મનિષ્ઠ રાખવું જાઈએ. શ્રાવકો મૂળથી જે ધંધા કરતા હોય, તે છોડાવવા નહીં. મૂળથી ખેતીના ધંધા કરતા હોય, તો પણ તે છોડાવવા ને નવા લોકોને તેમાં દાખલ થવા દેવા નહીં. જેમ બને તેમ ચાલુ ધંધો ચાલુ રહે, તેને માટે સાવચેત રહેવું. ધાર્મિક સંસ્થાઓમાં આગેવાન તરીકે આર્યસંસ્કૃતિના પક્ષપાતી ગૃહસ્થોને ગોઠવી દેવા જોઈએ.
શ્રાવિકાઓ-આજના સ્ત્રીસ્વાતંત્ર્યને લગતા કાયદાઓનો આશ્રય લેવાનો મનથી તો વિચાર ન રાખે, પરંતુ “તેવા આર્યત્વ અને પ્રજાત્વ વિધ્વંસક કાયદાઓ ન હોય, તો સારૂં” એમ મનથી ઈચ્છે. અને પોતાના આદર્શ ચારિત્રથી અને ઉંડી સમજશક્તિથી બીજીઓને પણ તે જાળમાંથી બચાવે. શ્રાવિકાને છાજતા વિચાર અને આચારનો દૃઢ આગ્રહ રાખે તે ખાતર સુખદુ:ખની પરવા ન કરે. દુ:ખને ફુલની માળા સમજે. હજુ વધુ કસોટી ઉપર પોતાના આર્ય સ્ત્રીત્વને ચડાવે, ને તેમાં કંચનની માફક વધુ ચમકી ઉઠે. મહેનત મજુરીના ઘરકામથી કંટાળવું નહીં. કુટુંબનિષ્ઠ રહેવામાં દેશ સેવા અને સર્વ સેવા છે. પતિને દેવ માનવામાં દુન્યવી સર્વ નીતિ રીતિ સમાયેલી છે. તે વાક્યમાં આર્યસ્રીના દુન્યવી સર્વ આદર્શો કેન્દ્રિત કરવામાં આવ્યા છે. દેવગુરુ ધર્મનું શરણ સર્વ દુ:ખોમાં દિલાસો છે, અને પરમ શાંતિનો એ જ માર્ગ છે, એ ભૂલવું નહીં. આર્ય સંસ્કારવાળું એક ઘરજ સેંકડો કૉલેજોનો સરવાળો છે. તેની રક્ષા કરવી. આજની બૉર્ડીંગો, હૉટેલો, નિશાળો તેનો નાશ નોતરી આપે છે.
૨૮