________________
તેનું રૂપાંતર ઘરમાં થઇ ગયું છે અને ત્યાં રહેતા લોકોને ખ્યાલ પણ નથી કે ત્યાં કોઈ એક જમાનામાં મંદિર હતું. ઘણીવાર એવું પણ બન્યું છે કે શોધ કરતાં હોય જૈન મંદિરની અને જે મળે તે હિંદુ મંદિર. કારણ ઘણીવાર અન્ય ધર્મી વ્યક્તિ હિંદુ મંદિરમાં જૈન, શીખ, સ્વામીનારાયણ બધાની જ સેળભેળ કરી દેતી હોય છે. જેનો અનુભવ આ પુસ્તકના લેખકને પણ થયો છે. ત્યારે મન પણ કહી ઉઠે છે કે ‘સબકા ભગવાન એક હી હૈં, જો ભેદ હૈ વો તેરી નજરો કા કસૂર હૈ”.
પુસ્તક મૂળરૂપે પ્રવાસ કથાના સ્વરૂપે લખાયું છે. એટલે કે લેખક પોતાની પ્રવાસકથા કહી રહ્યા છે અને વાચક તેમની આંગળીએ પાકિસ્તાનનાં જૈન મંદિરોમાં ફરી રહ્યા છે. આખી કથા વાત કરતાં હોય, સંવાદ કરતાં હોય એ રીતે લખાઈ છે. બલોટના પહાડ પર અનેક કથાઓ અને વિગતો મળે છે પણ પછી તેઓ રહસ્યસ્ફોટ કરે છે કે બલોટનાં મંદિરો હિન્દુ મંદિર હતાં, જૈન નહીં. લેખક પોતે પાકિસ્તાનના જૈન મંદિરો શોધતા, ફરતાં, કથા કહેતા જાય છે અને એક પછી એક વિસ્તારમાં વાચક ભ્રમણ કરે છે. પુસ્તકમાં કેટલીક ઐતિહાસિક વિગતોને પણ આવરી લેવામાં આવી છે. ચંદ્રગુપ્ત મૌર્યના જન્મની જગ્યા કાલાબાગ નગરની માહિતી મળે છે. ઇતિહાસકારનું કહેવું છે કે મહમદ ગજનવીએ અહીંથી સિંધુ પાર કરી હતી. બીજી એક રસિક વાત એ પણ વાંચવા મળે છે કે અહીંથી સિંધુ પાર કરતી વખતે મહમદે પાંડવોનાં મંદિરોને બિલકુલ હાનિ ન પહોંચાડી, કારણ અહીં એવી સંપત્તિ નહોતી અને આજે પણ આ મંદિરો અહીં જ છે, પણ તેની દેખરેખ રાખનાર કે તેની સંસ્કૃતિને સમજનાર કોઈ નથી.
સમયના કાળ સાથે આજે આ મંદિરો એવી રીતે ખોવાઈ ગયાં છે કે જે લોકો ત્યાં રહે છે તેમને પણ નથી ખબર કે એકવાર અહીં કોઈ મંદિર કે ધર્મશાળા હતાં. એ લોકો વિભાજન વખતે અહીં આવ્યા હતા, તેઓ જ્યાં જગ્યા મળી ત્યાં વસી ગયા પછી તેમને ખબર જ નહોતી કે તે જગ્યાનો પહેલાંનો ઈતિહાસ શું હતો, તે સમયે તેમના માટે ઘરની આવશ્યકતા મહત્ત્વની હતી. કાલાબાગમાં જે શ્વવેતાંબર જૈન મંદિર હતું, જેમાં ચોથા તીર્થંકર અભિનંદનસ્વામી હતા, જેમને જૈનો પોતાની સાથે લેતાં ગયા અને કહેવાય છે કે અત્યારે તે દિલ્હી નૌધારાના જૈન મંદિરમાં સ્થાયી છે. જૈન પ્રજા વેપારી અને સાહસી બંને રહી છે. તે જ્યાં જાય ત્યાં સામાન્ય રીતે સમૃધ્ધિ અને પ્રદેશને પોતાની જરૂરિયાત અનુસાર બનાવે. સાથે ધર્મી અને પ્રેમી પ્રજા પોતાના મંદિરને બંધાવામાં ક્યારેય પાછી પાની ન કરે. આ પ્રજા માટે પોતાના ગુરુદેવનું મહત્વ પણ આગવું. ગરુ આજ્ઞાને હંમેશા શિરે રાખનારી આ પ્રજા આચાર્યોના માર્ગદર્શન હેઠળ ધર્મપ્રચાર અને જાળવણી કરતી રહી છે. અખંડ ભારતના પંજાબના વિસ્તારમાં ત્યારે ત્યાં પહોચેલી પ્રજાએ અનેક મંદિરો પોતાના વસવાટ દરમ્યાન બાંધ્યાં હશે અને પોતાના
(X)