________________
૧૧
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૪, ૫ જાણનારો બન્યો છે, મહાસત્ત્વશાળી છે, અત્યંત સંવેગને પામેલો છે અને પોતાની શક્તિનું સમાલોચન કરીને વિધિપૂર્વક ધર્મ ગ્રહણ કરે તો પૂર્વસૂત્રમાં કહ્યું એ પ્રમાણે વ્રતગ્રહણકાળમાં વ્રત સમ્યક્ પરિણમન પામે તેને અનુરૂપ વિમલ ભાવનું કારણ જિનવચન અનુસાર સેવાયેલી વિધિ બને છે. તેથી વિધિપૂર્વક ગ્રહણ કરાયેલું વ્રત ગુણસ્થાનકની વૃદ્ધિરૂપ ફલની પ્રાપ્તિનું કારણ બને છે. જો તેવો યોગ્ય શ્રોતા પણ શાસ્ત્રમાં કહેલી વિધિ વગર તે વ્રતો ગ્રહણ કરે તો વ્રતગ્રહણની વિધિજન્ય શુભભાવ નહિ થવાને કારણે પ્રાયઃ તે વ્રત પરિણમન પામતું નથી, તેથી ઉખરભૂમિમાં બીજવપન તુલ્ય તે વ્રતગ્રહણ નિષ્ફળ બને છે.
અહીં વિશેષ એ છે કે વ્રતગ્રહણની વિધિ માત્ર સૂત્રોચ્ચારરૂપ કે કાયિક ક્રિયારૂપ નથી, પરંતુ સ્વીકારાતા વ્રતને સમ્યક્ પરિણમન પમાડવા માટે, તેની ઉચિત ભૂમિકાની નિષ્પત્તિનું કારણ બને તેવા પ્રકારની અંતરંગ પરિણતિને ઉલ્લસિત કરવાને અનુકૂળ ઉચિત કાયિક, વાચિક, માનસિક ક્રિયા રૂપે છે. માટે તે વિધિના પરમાર્થને યથાર્થ જાણીને જે મહાત્મા અત્યંત સુપ્રણિધાનપૂર્વક વ્રતની વિધિના પદે પદમાં અત્યંત ઉપયુક્ત થઈને યત્ન કરે તો તેઓ વડે ગ્રહણ કરાયેલાં વ્રતો તત્કાલ ઉત્તર ઉત્તરના ગુણસ્થાનકની પ્રાપ્તિનું કારણ બને છે. II૪/૧૩૭ના અવતરણિકા :
प्रागविशेषतो धर्मो ग्राह्यतयोक्तः, तत्र च प्रायोऽभ्यस्तश्रावकधर्मो यतिधर्मयोग्यो भवतीति गृहस्थधर्मग्रहणमेवादौ बिभणिषुरिदमाह - અવતરણિતાર્થ -
પૂર્વમાં=શ્લોક-૧થી ૩માં અવિશેષથી=દેશવિરતિ, સર્વવિરતિરૂપ વિભાગ વગર, ધર્મ ગ્રાહ્યપણાથી કહેવાયો અને ત્યાં=સધર્મ ગ્રહણ કરવા માટે તત્પર થયેલા શ્રોતામાં, પ્રાયઃ અભ્યસ્ત શ્રાવકધર્મવાળો યતિધર્મ યોગ્ય થાય છે એથી આદિમાં ગૃહસ્થ ધર્મ ગ્રહણને જ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી આને=આગળમાં કહેવાય છે એ સૂત્રને, કહે છે – ભાવાર્થ :
તૃતીય અધ્યાયના પ્રારંભમાં કહ્યું કે જે શ્રોતા પૂર્વમાં વર્ણન કરાયેલા સધર્મના શ્રવણથી જ્ઞાતતત્ત્વવાળો થયેલો છે, મહાસત્વવાળો બનેલો છે અને પરમ સંવેગને પામેલો છે તે પોતાની શક્તિ અનુસાર ધર્મગ્રહણ કરવામાં પ્રવર્તે છે. ત્યાં દેશવિરતિ કે સર્વવિરતિના વિભાગ વગર ધર્મગ્રહણ કરવામાં પ્રવર્તે છે તેમ કહેલ છે; કેમ કે કોઈક મહાસત્ત્વશાળી જીવ ધર્મ સાંભળીને સર્વવિરતિ ગ્રહણ કરવામાં પોતાનું સામર્થ્ય જણાય તો સર્વવિરતિ પણ ગ્રહણ કરે. છતાં ધર્મનું ગ્રહણ અને સમ્યફ પાલન અતિદુષ્કર છે, તેથી તેઓ શ્રાવકધર્મનું પાલન કરીને સર્વવિરતિને અનુકૂળ સંચિત વીર્યવાળા થયા છે તેઓ સર્વવિરતિ ધર્મને યોગ્ય થાય છે, તેથી ગ્રંથકારશ્રી સર્વવિરતિ ધર્મના ગ્રહણની વિધિનું કથન કરતાં પૂર્વે શ્રાવકધર્મના ગ્રહણને જ કહેવાની ઇચ્છાવાળા શ્રાવકધર્મને ગ્રહણ કરતાં પૂર્વે શું કરવું ઉચિત છે તે બતાવવા અર્થે કહે છે –