________________
પ્રકાશક ને પ્રકાશ જુદા ન રહે ત્યારે એ પ્રકાશ કહેવાય, જ્યોતિસ્વરૂપ કહેવાય. કેવળજ્ઞાન ના થાય ત્યાં સુધી મૂળ આત્મા ને પ્રજ્ઞા, બે જુદા રહ્યા કરે. કેવળજ્ઞાન થયા પછી એક થઈ જાય. દેહ છૂટે, પછી સિદ્ધક્ષેત્રેય એકનું એક જ.
પ્રકાશસ્વરૂપે થયા પછી દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદ રહેતા નથી. ત્યાં સિદ્ધ ભગવાનમાં ભેદ કશોય નહીં. આ તો પર છે ત્યાં સુધી સ્વ કહેવાય.
ગીતામાં કહ્યું છે કે “તું આત્મા વડે આત્માને જો.” એટલે કે પોતે આત્મા થઈને સ્વનેય જોઈ શકે અને પરનેય જોઈ શકે, કારણ કે પોતે સ્વપર પ્રકાશક છે. તે હવે તું જ્ઞાનથી સ્વને જો, તો નિરાકુળતા રહેશે.
કોઈ પૂછે કે આપણે વાતો કરીએ છીએ, તેમાં મને જોઈ રહ્યા છો કે મારા આત્માને જોઈ રહ્યા છો ? તો દાદાશ્રી કહે છે, આ આંખો તમને જોઈ રહી છે ને હું મારા આત્માને જોઈ રહ્યો છું. બન્ને સાથે ચાલે એવું છે, કારણ કે બે જુદા જ છે.
જ્ઞાતા-દ્રષ્ટા વખતે ભગવાનનો સ્વયં પ્રકાશ જ હોય છે. પ્રકાશ લેવા જવું નથી પડતું. પેલું સંસારી કાર્યોમાં ભગવાન બધે પ્રકાશ આપે છે, તેનાથી આ લોકોનો વ્યવહાર ચાલ્યા કરે.
પ્રજ્ઞા એ કેવળજ્ઞાનનો ભાગ છે. તેમાં રહીને અમે જોઈને આ બધા પ્રશ્નોના જવાબ કહીએ છીએ. પોતે પોતાના સ્વરૂપને જુએ અને પારકાને પણ પ્રકાશ કરે એવો આત્મા છે.
[૮.૪] પરમ જ્યોતિસ્વરૂપ પૂર્ણતાએ પહોંચે ત્યારે આત્મા પરમ જ્યોતિસ્વરૂપ થઈ જાય છે. એ નિર્વિકલ્પ જ્યોતિ છે, ગજબની જ્યોતિ છે. કોઈ જોડે સિમિલિ અપાય એવી નથી. એ બુદ્ધિમાં સમાય એવી નથી. એ અરૂપી જ્યોતિ છે. અતીન્દ્રિય દૃષ્ટિએ દેખાય એવી છે.
એ જ્યોતિનો પ્રકાશ વસ્તુમાત્રને નિહાળે. અંધારું હોય કે અજવાળું, ગમે ત્યાં એ નિહાળી શકે. એની રેન્જ આખા લોક સુધી છે.
60