________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
ગુહ્યતમ ટંકોત્કીર્ણને સમજાવે સાદી સિમિલિથી પ્રશ્નકર્તા: હું ટંકોત્કીર્ણ છું, એ અમે સમજી શકીએ એવા શબ્દોમાં સમજાવો.
દાદાશ્રી : એવું છે ને, મૂળ ટંકોત્કીર્ણ સમજાય એવું નથી, પણ પેલી તમને પોતાને સમજાય એવી સિમિલિ આપું.
પાણીની ડોલ હતી એમાં પાણીની અંદર તેલનો શીશો ઢળી ગયો. તે કહે, આ તેલ તો નકામું ગયું ! ત્યારે કહે, ના, એ નકામું નથી ગયું. એ બે જુદા ને જુદા રહે. બે એકાકાર ક્યારેય ના થાય. બીજો કોઈ પ્રયોગ કરો તો જુદું નીકળી આવે પછી, છેવટે ચૂલા ઉપર એ ગરમ કર કર કરો, વરાળ કરીએ તે તેલ-પાણી બે છૂટા પડને ત્યારે પાણી પાણી નીકળી જાય ને તેલ તેલ જુદું નીકળી જાય. એટલે આ એકાકાર ના થાય, ભેળું ના થાય. ભેગા કરે તોય એકાકાર ના થાય, એનું નામ ટંકોત્કીર્ણ.
ટંકોત્કીર્ણનો ગુણ એવો છે કે કોઈ વસ્તુને બીજી વસ્તુ સાથે એકાકાર ના થવા દે, જુદી ને જુદી રાખે.
કમ્પાઉન્ડ સ્વરૂપ ના થાય એ ટંકોત્કીર્ણ
આ કંકોત્કીર્ણ છે એટલે કમ્પાઉન્ડ (સંયોજન) નહીં થવા દે, ત્યાં મિલ્ચર (મિશ્રણ) તરીકે રહેવા દેશે.
એટલે તીર્થકરો એ શું કહેવા માગે છે ? એ એવું ના બોલ્યા કે બે એકાકાર ના થઈ જાય, કમ્પાઉન્ડ ના થઈ જાય એવું ના બોલ્યા, પણ ટંકોત્કીર્ણ બોલ્યા. હવે અર્થ પેલાના જેવા જ છે કે ગમે એમ મિલ્ચર કરો, આમ કરો, તેમ કરો પણ બે ક્યારેય પણ એકાકાર ના થઈ જાય.
આ ‘ટંકોત્કીર્ણ એટલે કોઈની અંદર ભળે જ નહીં. કમ્પાઉન્ડ કરવા જાય તો “કમ્પાઉન્ડ સ્વરૂપ” ન થાય. એટલે સંયોગસ્વરૂપે રહે. એવી રીતે આત્મા બીજી બધી ધાતુઓમાં ભળે સામાસામી, પણ એકાકાર ના થાય. બધા છૂટા થઈ શકે એમ છે.