________________
[૮.૧] ભગવાન - પ્રકાશ સ્વરૂપ
૧૨૭
અજવાળું-આનંદ બન્ને આપે ભગવાન પ્રશ્નકર્તા ઃ એ જરા વધારે સમજાવશો ?
દાદાશ્રી ભગવાન પરમાનંદ સ્વરૂપી છે ! જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી ! એ જીવમાત્રને પ્રકાશ જ આપે છે, અજવાળું જ આપે છે. અજવાળામાં જીવ કામ કરે છે. અજવાળું પોતે જ આનંદ સ્વરૂપ છે ! પ્રકાશ પોતે જ આનંદ સ્વરૂપ છે. એટલા માટે અજવાળું અને આનંદ, બન્ને આપે છે. એટલે ભગવાન બીજું કશું આપતા નથી ને લેતા નથી. નિરાળા રહે, નિર્લેપ રહે અને દરેક જીવને હેલ્પ (મદદ) કર્યા કરે, એનું નામ ભગવાન.
ભગવાન તો શું કહે છે કે “તારે મોક્ષે જવું હોય તો મને સંભાર. જો તારે ભૌતિક સુખો જોઈતા હોય તો આ બધી ધાંધલમાં પડ, ન્યૂ પોઈન્ટમાં પડ ને વાસ્તવિક જોઈતું હોય તો મને ઓળખ. મને ઓળખીને વાસ્તવિકમાં, ફેક્ટમાં આવ.” એટલું જ ભગવાન કહે છે. બાકી ભગવાન તો બીજું કશું કોઈની ઉપર કૃપા વરસાવતા નથી. જેવું તમે બોલો, જેવું તમે નામ દો, એટલો પ્રકાશ તમને મળશે.
એમના પ્રકાશ સિવાય બીજો કોઈ પ્રકાશ જ નથી કે જેનાથી આ લોકો પોતપોતાનું ધાર્યું કરી શકે, ઈચ્છાઓ પૂરી કરી શકે. એટલે એમનો આપેલો પ્રકાશ કામનો.
હવે એ પ્રકાશ જેટલો વખત પ્રાપ્ત થાય એટલો વખત આનંદ થાય. પ્રકાશ ઓછો થઈ ગયો, અંધારું થયું કે મહીં ચિંતા-ઉપાધિઓ થાય પછી.
અવિનાશી - પરમ જ્યોતિસ્વરૂપ પ્રકાશ એ ભગવાનનો
પ્રશ્નકર્તા ઃ ભગવાન એ પ્રકાશસ્વરૂપ છે તો આત્મા એ જ ભગવાન અને એ પણ પ્રકાશસ્વરૂપ જ છે ને ?
દાદાશ્રી : હા, આત્મા એટલે સેલ્ફ, પોતાની જાત. જાત એ શું છે ? શેનું બનેલું છે ? પ્રકાશનું છે, જ્યોતિસ્વરૂપ.
પ્રશ્નકર્તા ઃ તત્ત્વનું નથી ?