________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પ્રશ્નકર્તા દાદા, ઈન્દ્રિય થકી જે કરે છે ને ભોગવે છે તે અતીન્દ્રિયથી જોવું, એ એમ કે એટલું સતત જોવાવું અતિ મુશ્કેલ છે.
દાદાશ્રી : હોય મુશ્કેલી ?
પ્રશ્નકર્તા : પણ દાદા, એ ખબર ન પડે કે આપ કહો છો એ બરોબર છે કે કેટલીક ફેરા એમ લાગે કે ચંદુભાઈ કેવા એકાકાર થઈ ગયા એમ-તેમ ?
૨૦૮
દાદાશ્રી : ના, તમે મુશ્કેલ કહો છો ને, પણ થાય છે એવું. પ્રશ્નકર્તા : પણ સતત એવું રહેતું નથીને, ચોવીસેય કલાક.
દાદાશ્રી : નહીં, સતત જ રહે છે એ તમને બધું, પણ આ ગૂંચવાડા તમારા, એમાં તમે પોતે ગૂંચાઈ જાવ છો. જોનાર ગૂંચાય છે. અને બીજું એક કારણ એ કે કર્મો હોય ત્યાં સુધી ડખલામણ તો થાય જ ને, જાણપણામાં ? અહીં બસો જતી હોય અને આપણે બેઠા બેઠા જોતા હોઈએ પણ વચ્ચે બસો આવે તે ઘડીએ પેલું ના દેખાયને ? એ બસો પાછી આપણે ઊભી કરેલીને કે કોઈએ ઊભી કરેલી ? હવે આપણે ગોઠવણી પર તે ગોઠવીએ. એટલે હવે આ બસો આવવાની ને ગોઠવણી પૂરી થઈ જશે એટલે ઊડી જશે. એથી આપણને લક્ષમાં કાંઈ એવું જતું રહેતું નથી. આપણા જ્ઞાનમાં જ છે. જોયેલો હીરો હોય ને દાબડીમાં ઘાલેલો હીરો, એક જ પ્રકારનો દેખાય. તમને એક હીરો દેખાડીએ પછી દાબડીમાં ભર્યો, એ જુદા પ્રકારે દેખાતો હશે ?
પ્રશ્નકર્તા : ના, એ તો જાણ્યું કે મહીં દાબડીમાં છે અને એક જ પ્રકારનો છે.
દાદાશ્રી : એક જ પ્રકારે દેખાય. એટલે એમાં કશું એવું હોતું નથી. આ તો વચ્ચે બસો આવી છે એવું ખબર પડે. ભાઈ, આ બસ જાય છે એટલે પેલું દેખાતું નથી. છે તો ખરું જ ને ? દાબડીમાં ભર્યો છે માટે હીરો કાંઈ જતો રહ્યો ?
પ્રશ્નકર્તા : ના, નહીં, બરોબર છે.