________________
[૧૬] સંકોચ-વિકાસશીલ
જાય એવો છે. સંકોચ-વિકાસનું સાધન છે એટલે સંકોચેય પામે ને વિકાસ પણ થઈ જાય.
૨૭૭
પ્રશ્નકર્તા : અરૂપી છે તો સંકોચ-વિકાસ કેવી રીતે ?
દાદાશ્રી : આપણે કોઈ વસ્તુ (ફુગ્ગા)માં હવા ભરી હોય ને તે પછી હવાને પ્રેસ કરીએ આપણે, તો પ્રેસ થઈ શકે છે ?
પ્રશ્નકર્તા : હા, પ્રેસ થઈ જાય, કમ્પ્રેસિબલ.
દાદાશ્રી : એટલે સંકોચ થઈ શકે, એને પ્રેસ કરે તો... પાછું ત્યાં પ્રેસ કરેલું કાઢી નાખીએ તો વિકાસ થાયને ? એવું ચેતન જ્યાં સુધી સંસારદશામાં છે, ત્યાં સુધી સંકોચ-વિકાસવાળું છે. સંકોચ-વિકાસ એટલે સંકોચાઈ જાય અને વિકાસ પામી જાય. મોટો દેહ હોય તો વિકાસ પામે, નાનો દેહ હોય તો સંકોચાઈ જાય. પણ એ આખો જ આત્મા. એમાંય આખો અને આ ખોળિયામાંય આત્મા આખો.
પ્રશ્નકર્તા : આત્મા સંકોચ પામે છે અને વિકાસ પામે છે એ જરા વિગતવાર સમજાવો.
દાદાશ્રી : એવું છે ને કે મનુષ્ય લાઈફમાં કર્મો બંધાય છે, કર્મો. બીજી કોઈ એવી લાઈફ નથી જ્યાં કર્મ બંધાતું હોય. દેવલોકો કર્મમાંથી છૂટી રહ્યા છે, જાનવરો કર્મમાંથી છૂટી રહ્યા છે, નર્કગતિના લોકો કર્મમાંથી છૂટી રહ્યા છે અને આપણે હવે આ કર્મમાંથી છૂટી રહ્યા છીએ ને પાછા નવા બાંધી રહ્યા છીએ, એ બન્નેમાં આપણે જ છીએ. એટલે આ મનુષ્ય લોકો કર્મ બાંધી શકે છે. હવે એણે આ એવા કર્મ બાંધ્યા કે હાથીનો અવતાર આવે તો એ હાથી જેવડો વિકાસ થઈ જાય છે. અને કીડીમાં જાય ત્યારે સંકોચેય થાય છે. તેવી રીતે જ્યાં જાય અને જે જવાનું થાય છે એ ત્યાં સંકોચ-વિકાસ એનો સ્વભાવ છે. સંસારીદશામાં, પછી ત્યાં આગળ (સિદ્ધક્ષેત્રમાં) નહીં. ત્યાં કંઈ સંકોચ-વિકાસ નહીં.
સંસારી અવસ્થામાં જેમ કર્મ વધારે ચીકણાં હોય અને નાલાયક કર્મો હોય, ખરાબ કર્મો હોય ત્યારે નાનો દેહ મળે અને મોટો દેહ એ ઓછા