________________
૨૯૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
જવાનો હોય, તો આપણને ત્યાં શું ફાયદો ? એના કરતા અહીં વાઈફ ટૈડકાવશે, પણ ભજિયાં તો કરી આપશે. એ શું ખોટું ? એટલે ત્યાં એક થઈ જવાનું છે નહીં. ત્યાં કોઈ જાતનું દુઃખ નથી. ત્યાં નિરંતર પરમાનંદમાં રહેવાનું છે અને દરેક આત્મા સ્વતંત્ર છે પાછો. એક સ્વભાવના છે પણ છે બધા જુદા. એટલે ત્યાં એક થઈ જતું હોય તો તો પછી અહીંના આત્માનું શું થાય?
મોક્ષમાં પોતાનો સ્વતંત્ર લાભ છે. સિદ્ધો બધા પોતપોતાની રીતે સ્વતંત્ર છે અને પોતાના સુખમાં જ છે. પોતાના જ્ઞાન-દર્શનમાં જ રહીને બધા અનંતા સિદ્ધો પોતાના આનંદમાં છે, મસ્તીમાં છે. એટલે અહીંથી મુક્ત થયો તે મુક્તિપણાના ભાનમાં નિરંતર રહ્યા કરવાનું.
આત્મા સોનારૂપે એક, લગડીરૂપે જુદા જુદા પ્રશ્નકર્તા: સામાન્ય માન્યતા એવી છે કે પરમાત્મા એક જ છે.
દાદાશ્રી : હવે લોકોની શી ભાંજગડ છે કે ત્યાં એક કેમ નહીં? અરે, એક ખરું પણ એ કઈ રીતે છે ? આ અહીં પાંચ લાખ સોનાની લગડીઓ હોય, ઢગલો વાળ્યો હોય તેને આપણે શું કહેવું પડે કે આ સોનું છે. એવું ના કહેવાય ? કહેવાય ખરુંને ?
પ્રશ્નકર્તા : સોનું કહેવાય અને લગડીઓ પણ કહેવાય.
દાદાશ્રી : ના. પણ આ બધું સોનું જ છે એમ કહેવાય કે ના કહેવાય? ભલેને લગડીરૂપે હોય, પણ સોનું જ છે ને બધું ? એવું આ પરમાત્મા એક જ છે, આત્મા એક જ છે પણ તે સોનારૂપે એક છે ને લગડીઓ રૂપે જુદા જુદા છે. એ પ્રત્યેક આત્મા પોતાના વ્યક્તિત્વ ભાવને છોડતા જ નથી.
પ્રશ્નકર્તા: એટલે પ્રત્યેક વ્યક્તિનો આત્મા છેવટે એક જ છે ?
દાદાશ્રી : એક એટલે એક જ સ્વભાવનો છે. આત્મામાં કોઈ ફેર નથી. જેમ લગડીઓમાં ફેર નથી, છેવટે બધું સોનું જ છે, એવી રીતે આ પ્રત્યેક આત્મામાં ફેર નથી.